કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોની કરતૂત, હિન્દુ મંદિરમાં તોડફોડ કરી વિવાદીત પોસ્ટર્સ ચોંટાડ્યા
કેનેડામાં ખાલિસ્તાન તરફી ઉગ્રવાદીઓએ વધુ એક હિંદુ મંદિરમાં તોડફોડ કરી છે ..એટલું જ નહીં ખાલિસ્તાન સમર્થક ઉગ્રવાદીઓએ કેનેડા-યુનાઈટેડ સ્ટેટ્સ સરહદ પર ફ્રેઝર નદીની દક્ષિણે,સરે શહેરમાં એક મંદિરના મુખ્ય દરવાજા પર પોસ્ટરો ચોંટાડ્યા છે. પોસ્ટરમાં હરદીપ નિજ્જરની હત્યા પર લોકમત યોજવાની વાત કરવામાં આવી છે. 'ધ ઑસ્ટ્રેલિયા ટુડે' એ ખાલિસ્તાનીઓની કરતૂતનો એક વીડિયો પણ ટ્વિટ કર્યો છે, જેમાં બે માસ્ક પહેરેલા ખાલિસ્તાન સમર્થકો મંદિરના પ્રવેશદ્વાર પર પોસ્ટર ચોંટાડતા જોઈ શકાય છે.
પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે ખાલિસ્તાન સમર્થકો 18 જૂને થયેલા હત્યાકાંડમાં ભારતની ભૂમિકાની તપાસ માટે જનમત સંગ્રહ કરવા જઈ રહ્યા છે. પોસ્ટર પર જતિન્દર હરદીપ સિંહ નિજ્જરની તસવીર ચોંટાડવામાં આવી છે અને તેમને શહીદ કહેવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, 18 જૂને કેનેડામાં ખાલિસ્તાન સમર્થક ઉગ્રવાદી હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેને ભારત સરકાર દ્વારા ડેઝિગ્નેટેડ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ ભારત સરકારે 41 આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી, જેમાં હરદીપ સિંહ નિજ્જરનું નામ પણ સામેલ હતું. સરે શહેરમાં જ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હરદિપ સિંહ નિજ્જર કેનેડિયન શીખ સંગઠન શીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલો હતો. નિજ્જર પંજાબના જલંધર જિલ્લાનો રહેવાસી હતો. તે છેલ્લા ઘણા વર્ષોથી કેનેડામાં રહેતો હતો અને ખાલિસ્તાન આંદોલનને વેગ આપી રહ્યો હતો.