Weather Forecast : ઉફ્ફ-ઉફ્ફ ગરમી, આ તો માત્ર ટ્રેલર છે... પિક્ચર હજુ બાકી છે..!
- ગુજરાતમાં ગરમીનો કહેર, હવામાન વિભાગની આગાહી
- કચ્છમાં રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ
- AMCનું એક્શન પ્લાન અમદાવાદ માટે તૈયાર
- સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવનો ખતરો
Ahmedabad : ગુજરાતમાં એપ્રિલ મહિનાની શરૂઆતની સાથે જ ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી બે દિવસ સુધી ભીષણ ગરમીનો સામનો કરવો પડી શકે છે, જેને ધ્યાનમાં રાખીને હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ સાથે જ કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, જેથી લોકો સાવચેત રહે અને જરૂરી તકેદારી રાખે.
આગામી બે દિવસ માટે રેડ એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, કચ્છમાં ખાસ કરીને આગામી બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં તાપમાનનો પારો 44 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જેવા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આ વિસ્તારોમાં પણ ગરમીની તીવ્રતા વધુ રહેશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને ગાંધીનગર જેવા જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર જવાની સંભાવના છે. આ ગરમીના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ પણ વધશે, જેના લીધે લોકોને અસ્વસ્થતાનો અનુભવ થઈ શકે છે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે, આવી પરિસ્થિતિમાં બહાર નીકળતી વખતે પાણીનું પૂરતું સેવન, હળવા કપડાં પહેરવા અને સીધા સૂર્યપ્રકાશથી બચવું જરૂરી છે. ગત દિવસોમાં ભુજમાં 42.8 ડિગ્રી, રાજકોટમાં 42.7 ડિગ્રી અને અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્યથી ઉપરનું રહ્યું હતું.
અમદાવાદમાં ગરમી સામે મ્યુનિસિપલનો એક્શન પ્લાન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પણ આ હીટવેવને ધ્યાનમાં રાખીને એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેથી શહેરીજનોને ગરમીની અસરથી બચાવી શકાય. મ્યુનિસિપલ કોર્પોરેશને હીટ એક્શન પ્લાન હેઠળ મેયરની અધ્યક્ષતામાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને એસોસિએશનો સાથે બેઠક યોજી, જેમાં શહેરના તમામ અર્બન તથા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, એ.એમ.ટી.એસ. અને બી.આર.ટી.એસ. બસ સ્ટોપ પર પીવાનું પાણી અને ઓ.આર.એસ. પેકેટની વ્યવસ્થા કરવામાં આવી, સાથે જ મ્યુનિસિપલ શાળાઓના સમયમાં ફેરફાર કરાયો, બપોરે ગરમીની અસર ઘટાડવા 70 જેટલા ટ્રાફિક સિગ્નલ ટ્રાફિક પોલીસના સહયોગથી બંધ રાખવાનો નિર્ણય લેવાયો જેથી વાહનચાલકોને અવરજવરમાં સરળતા રહે, અને શહેરના વિવિધ વિસ્તારોમાં 600 પીવાના પાણીની પરબ પણ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : ઉનાળાનો કહેર શરૂ! દેશના 21 શહેરોમાં તાપમાન 42 ડિગ્રીથી વધુ