વર્ષમાં એક જ વાર ખુલે છે ભાભા રાણાનું મંદિર, હોળી સિવાય આખુ વર્ષ રહે છે બંધ
- વર્ષમાં એક જ વાર ખુલે છે ભાભા રાણાનું મંદિર
- હોળી સિવાય આખુ વર્ષ મંદિર રહે છે બંધ
- ભાભા રાણાએ મંદિરના ઓટલા પર જ સમાધી લીધી
- હોળીના દિવસે લીધી હતી ભાભા રાણાએ સમાધી
- ચીકણી માટીની મૂર્તિ બનાવવાની પ્રથા
- ગોમતીપુરની પટવા શેરીમાં આવેલું છે મંદિર
- ધૂળેટીના દિવસે શોભાયાત્રા નીકળે છે
Bhabha Rana Temple : હોળી ધુળેટીનો પાવન પર્વ છે ત્યારે શહેરમાં એક એવું પ્રાચીન મંદિર આવેલું છે જે ફક્ત વર્ષમાં એક જ દિવસ ખુલે છે. ગોમતીપુર વિસ્તારમાં આવેલું ભાભા રાણા મંદિર માત્ર હોળી-ધુળેટીના દિવસે જ ખુલે છે. આ સિવાય મંદિર આખુ વર્ષ બંધ રહે છે. હોળીના લોકદેવ ભાભારાણાએ હોળીના દિવસે મંદિરના ઓટલા પર જ સમાધી લીધી હતી. આથી દર વર્ષ હોળીના દિવસે જ તેમની ચીકણી માટીની મૂર્તિ બનાવવાની પ્રથા શરૂ થઈ છે.
ચીકણી માટીની મૂર્તિ બનાવવાની પ્રથા
ગોમતીપુરની પટવા શેરીમાં લોકોને સંતાન સુખ અને કુંવારાને કન્યા આપતા ભાભા રાણાનું પૌરાણિક મંદિર આવેલું છે. 1 ટન ચીકણી માટીમાંથી ભાભા રાણાની મૂર્તિ બનાવવામાં આવે છે. પરંપરા મુજબ, ગોમતીપુરના યુવાનો હોળીના આગલા દિવસે તળાવમાંથી ચીકણી માટી લાવીને ભાભા રાણાની મૂર્તિ બનાવે છે. મૂર્તિ પર સુંદર શણગાર કરવામાં આવે છે અને હોળીનો આખો દિવસ તેની પૂજા કરવામાં આવે છે. હોળી અને ધુળેટીના દિવસે લોકો દુરદુરથી અહીંયા દર્શન કરવા આવી પહોંચે છે. અને ધુળેટીના દિવસે ભાભા રાણાની શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે.
ભક્તોની ભારે ભીડ જામે છે
ભાભા રાણા સંતાન સુખ ના હોય એવા લોકોને મદદ કરતા હોવાની લોકવાયકા છે. લોકોને સંતાન સુખ ના હોય એમની મદદ કરતા હતા એવી લોકવાયકા હોવાથી લોકો તેમની માનતા રાખે છે અને બાધા પૂર્ણ થયા બાદ તેમને પારણું બંધાવે છે. આ ઉપરાંત જેમના બાળકને શારીરિક ખોડ ખાપણ હોય તે પણ ચાંદીના પગ ચડાવે છે. હોળી અને ધુળેટીના બે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભાભા રાણાના દર્શન કરવા અને સંતાન ન થતું હોય તો તેમની માનતા માનવા આવે છે. માત્ર બે જ દિવસ દર્શન થતા હોવાથી ભક્તોની ભારે ભીડ અહીંયા જામે છે.
શામળ ભટ્ટની સિંહાસન બત્રીસી વાર્તામાં ભાભારાણાનો ઉલ્લેખ
ત્યારે અહીંયા લોકોનું પણ કેહવું છે કે આ મંદિર દાયકાઓથી અહીંયા છે. રાજા મહારાજા ના સમયકાળથી અહીંયા આ પ્રથા ચાલતી આવે છે જો ભાભારાણા ની વાત કરીઆએ તો ભાભા રાણા કણબી ખેડૂત હતા. શામળ ભટ્ટની સિંહાસન બત્રીસી વાર્તામાં ભાભારાણાનો ઉલ્લેખ જોવા મળે છે. તેઓ લગભગ 400 વર્ષ પહેલા વિક્રમ રાજાના સમયમાં ભગવાન થઇ ગયા હોવાનું કહેવામાં આવે છે. તેઓ લોકોનું વાંઝિયાપણું દૂર કરતા હોવાની લોકવાયકા અને વાર્તાઓ જોવા મળે છે. ત્યારે વહેલી સવારથી જ લોકોની ભારેભીડ મંદિર ખાતે જોવા મળી હતી.
અહેવાલ - માનસી પટેલ
આ પણ વાંચો : BSF Holi Celebration : ભારત-પાક સીમા પર BSF જવાનોએ હોળીની કરી ઉજવણી