Ahmedabad : અસામાજિક તત્વોને ડામવા પોલીસની લાલ આંખ, ગેરકાયદેસર મકાનો પર ફર્યા બુલડોઝર
- અમદાવાદમાં અસામાજિક તત્વોને ડામવા પોલીસની લાલઆંખ
- બુટલેગરોના ગેરકાયદેસર મકાનો પર કરવામાં આવ્યું ડીમોલેશન
- પોલીસવિભાગ અને કોર્પોરેશનના સંકલનથી કરાઇ રહ્યું છે ડીમોલેશન
- પોલીસ વિભાગ દ્વારા બુટલેગરોની યાદી કરવામાં આવી હતી તૈયાર
- યાદી મુજબ એક બાદ એક ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવ્યું
- ઉજાલા સર્કલ પાસે બુટલેગરોનું ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવ્યું
- સરખેજ ઉજાલા સર્કલ ખાતે પાંચ બુટલેગરોની યાદી તૈયાર કરી હતી
- યાદી મુજબ પાંચ બુટલેગરોના ગેરકાયદેસર મકાનો તોડવામાં આવ્યા
Ahmedabad : શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી અસામાજિક તત્વોની ગેરકાયદે પ્રવૃત્તિઓ અને સ્થાનિક લોકોને પરેશાન કરવાની ઘટનાઓમાં વધારો થયો છે. આવી ગતિવિધિઓને રોકવા માટે અમદાવાદ પોલીસ અને અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા સંયુક્ત રીતે સખત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ મિશનના ભાગરૂપે ગુનેગારોના ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની કામગીરી તેજ કરવામાં આવી છે, જેનો હેતુ આવા તત્વોમાં કાયદાનો ભય ઊભો કરવાનો છે. આ કાર્યવાહીના પરિણામે વસ્ત્રાલ અને સરખેજ જેવા વિસ્તારોમાં ગુનેગારોના મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા છે.
અમદાવાદ પોલીસની લાલ આંખ
થોડા દિવસો પહેલાં વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોએ હાથમાં તલવાર, લાકડી, ધોકા અને પાઈપ જેવા હથિયારો સાથે સ્થાનિક લોકોમાં ભય ફેલાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ અમદાવાદ શહેર પોલીસે તાત્કાલિક પગલાં લેતા પોતાની લાલ આંખ બતાવી છે. પોલીસે મુખ્ય આરોપી પંકજ ભાવસાર અને તેના સાથીઓને ઝડપી પાડીને 4 દિવસના રિમાન્ડ પર લીધા. આ ઉપરાંત, આરોપીઓના ગેરકાયદે બાંધેલા મકાનો પર ડિમોલિશનની કાર્યવાહી કરીને તેમને જમીનદોસ્ત કરવામાં આવ્યા. આ ઘટનાએ પોલીસને એક વ્યાપક એક્શન પ્લાન ઘડવા માટે પ્રેરિત કર્યું, જેના ભાગરૂપે રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું. વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ અને AMCએ સરખેજ વિસ્તારમાં પણ મોટી કાર્યવાહી હાથ ધરી. અહીં 5 ગુનેગારોના ગેરકાયદે બાંધકામોને નિશાન બનાવવામાં આવ્યા અને તેમને જમીનદોસ્ત કરી દેવાયા. આ કામગીરી સતત બીજા દિવસે ચાલી, જે દર્શાવે છે કે પોલીસે અસામાજિક તત્વોને નાથવા માટે એક મજબૂત મિશન શરૂ કર્યું છે. મળતી માહિતી મુજબ, પોલીસે કુખ્યાત આરોપીઓની યાદી તૈયાર કરી છે અને તેમની સામે કડક કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે.
વસ્ત્રાલમાં 3 આરોપીઓના ઘરો પર બુલડોઝર
વસ્ત્રાલમાં થયેલી તોડફોડની ઘટનામાં સામેલ ત્રણ મુખ્ય આરોપીઓ—રાજવીરસિંહ બીહોલા, શ્યામ કાબલે અને અલકેશ યાદવના ગેરકાયદે મકાનોને પણ જમીનદોસ્ત કરવામાં આવ્યા. આ કાર્યવાહી દરમિયાન પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ ઉપરાંત, અમરાઈવાડી, ખોખરા, ઘનશ્યામ નગર, કુકુભાઈની ચાલી, લવજી દરજીની ચાલી અને સત્ય નારાયણ નગર જેવા વિસ્તારોમાં પણ આવા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. આ પગલાંથી અન્ય અસામાજિક તત્વોને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને છોડવામાં નહીં આવે.
ગુનેગારોમાં કાયદાનો ભય ઊભો કરવો
અમદાવાદ પોલીસે આ કાર્યવાહીને એક મિશન તરીકે હાથ ધર્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ ગુનેગારો અને અસામાજિક તત્વોમાં કાયદાનો ડર ઊભો કરવાનો છે. વસ્ત્રાલની ઘટના બાદ શરૂ થયેલી આ કામગીરી હવે શહેરના અન્ય ભાગોમાં પણ વિસ્તરી રહી છે. પોલીસે આરોપીઓની ડંડાવાળી કરવા ઉપરાંત તેમના ગેરકાયદે બાંધેલા ઘરોને તોડી પાડવાનું ચાલુ રાખ્યું છે. આ ઉપરાંત, AMC સાથે મળીને ગેરકાયદે બાંધકામોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેથી શહેરમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે.
આ પણ વાંચો : પ્રજા-સરકારને મૂર્ખ બનાવવા Ahmedabad Police એ ગુનેગારોને કાયદાથી નહીં દંડાથી માર્યા