શિવસેનાને ફટકો, ઉદ્ધવ જૂથના વધુ એક ધારાસભ્ય શિંદે જૂથ સાથે જોડાયા
સ્પીકરની ચૂંટણીમાં જીત સાથે સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની સરકાર એક રીતે સેમીફાઈનલમાં જીતી ગઈ છે. બીજી તરફ આજે શિંદે-ફડણવીસ સરકાર વિધાનસભામાં વિશ્વાસ મત પ્રસ્તાવ લાવી રહી છે, ત્યારે મહત્વના સમાચાર આવી રહ્યા છે કે અન્ય એક ધારાસભ્ય ઉદ્ધવ જૂથને છોડીને શિંદે જૂથમાં સામેલ થઇ ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ શિવસેનાના અન્ય એક ધારાસભ્ય ઉદ્ધવ જૂથ છોડીને શિંદે જૂથ
05:38 AM Jul 04, 2022 IST
|
Vipul Pandya
સ્પીકરની ચૂંટણીમાં જીત સાથે સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની સરકાર એક રીતે સેમીફાઈનલમાં જીતી ગઈ છે. બીજી તરફ આજે શિંદે-ફડણવીસ સરકાર વિધાનસભામાં વિશ્વાસ મત પ્રસ્તાવ લાવી રહી છે, ત્યારે મહત્વના સમાચાર આવી રહ્યા છે કે અન્ય એક ધારાસભ્ય ઉદ્ધવ જૂથને છોડીને શિંદે જૂથમાં સામેલ થઇ ગયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ શિવસેનાના અન્ય એક ધારાસભ્ય ઉદ્ધવ જૂથ છોડીને શિંદે જૂથમાં જોડાયા છે. ગઈકાલે ધારાસભ્ય સંતોષ બાંગર વિશ્વાસ મત પ્રસ્તાવ પહેલા શિંદે જૂથમાં જોડાયા છે. એટલે કે હવે તેઓ વિશ્વાસ મતની તરફેણમાં મતદાન કરશે. આ રીતે હવે ઉદ્ધવ ઠાકરે જૂથમાં માત્ર 15 ધારાસભ્યો જ બચ્યા છે. બાકીના 40 ધારાસભ્યો એકનાથ શિંદેના જૂથમાં જોડાયા છે.
જે સંતોષ બાંગર શિંદે જૂથને દેશદ્રોહી ગણાવતા હતા તેઓ અચાનક શિંદે જૂથમાં જોડાઇ ગયા છે જેથી ઉદ્ધવ ઠાકરેના જૂથના બાકીના 15 શિવસેના ધારાસભ્યોનું શું સ્ટેન્ડ હશે, તે જોવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે મતદાન પહેલા શિવસેનાના શિંદે જૂથના વ્હીપ ભરત ગોગાવલેએ વ્હીપ જારી કરીને શિવસેનાના ધારાસભ્યોને શિંદેગુટ-ભાજપની તરફેણમાં મતદાન કરવા જણાવ્યું છે. અને જો વ્હીપનું પાલન નહીં થાય તો કાર્યવાહી માટે તૈયાર રહેવા જણાવ્યું છે. કદાચ સસ્પેન્શનની કાર્યવાહીના ડરને કારણે જ સંતોષ બાંગરે શિંદે જૂથમાં જોડાવાનો નિર્ણય લીધો છે.
બીજી તરફ ઉદ્ધવ જૂથના શિવસેના વતી વ્હીપ સુનિલ પ્રભુએ પણ વ્હીપ જારી કરીને વિશ્વાસ પ્રસ્તાવની વિરુદ્ધ મતદાન કરવાનો આદેશ જારી કર્યો છે. પરંતુ ઉદ્ધવ જૂથના વ્હીપ સુનિલ પ્રભુની માન્યતા વિધાનસભા સચિવાલય દ્વારા રદ કરવામાં આવી છે. જો શિંદે જૂથના વ્હીપને વ્હીપ જારી કરવાનો અધિકાર છે તો સ્વાભાવિક છે કે ઉદ્ધવ જૂથના બાકીના 15 ધારાસભ્યો પણ વ્હીપની વિરુદ્ધ જાય તો તેઓ પર કાર્યવાહીનો ખતરો છે. આવી સ્થિતિમાં આદિત્ય ઠાકરે પર સસ્પેન્શનનો ખતરો પણ વધી ગયો છે.
ગઈકાલે પત્ર મોકલીને વિધાનસભા સચિવાલયે સ્પષ્ટ કર્યું હતું કે શિંદે જૂથના ભરત ગોગાવલે શિવસેનાના મુખ્ય દંડક છે. એકનાથ શિંદેને પક્ષના નેતા પદેથી હટાવવાના ઉદ્ધવ જૂથના નિર્ણયને પણ વિધાનસભાએ રદ કર્યો છે. શિંદેના સ્થાને અજય ચૌધરીની નિમણૂકને પણ માન્યતા આપવામાં આવી નથી.
Next Article