મુન્દ્રામાં ચોખા ભરેલા જહાજમાં લાગી આગ
અહેવાલ - કૌશિક છાયા, ક્ચ્છ
મુન્દ્રા જુના બંદર પર જહાજમાં આગનો બનાવ બન્યો હતો. ચોખા લોડીંગ માટે આવેલા જહાજ પર વિકરાળ આગ લાગી હતી. જેને લઈને દોડધામ મચી જવા પામી હતી.
આગને પગલે જહાજમાં મોટુ નુકશાન
જહાજમાં 600 ટન ચોખાનુ લોડીંગ કરવાનુ હતુ. અને મોટાભાગનુ લોડીંગ થયુ ત્યારે જ આગ લાગવાનો બનાવ બન્યો હતો. જો કે આગ લાગવાનુ ચોક્કસ કારણ હજુ સામે આવ્યુ નથી. પરંતુ મુન્દ્રા અદાણી પોર્ટના બે તથા અન્ય ખાનગી કંપની સહિત 3 ફાયર ફાઇટર ધટના સ્થળ પર પહોચ્યા છે. અને આગ પર કાબુ મેળવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. જો કે આગને પગલે જહાજમાં મોટુ નુકશાન થયુ છે. કરોડો રૂપીયાના જહાજ સાથે કિંમતી ચોખાનો જથ્થો આગમા નાશ પામ્યો છે.
જહાજ આમદભાઇ સંધારનુ હોવાનુ સામે આવ્યુ
આ જહાજ આમદભાઇ સંધારનુ હોવાનુ સામે આવ્યુ છે. અને આ જામસલાયા રજીસ્ટર થયેલુ જહાજ છે. મુન્દ્રા જુના બંદરનુ સંચાલન કરતા વિભાગ તથા પોલીસ સહિતને આ આગ અંગે જાણ થતા તેઓ ધટના સ્થળે દોડી ગયા છે. જો કે ફાયર વિભાગના પ્રયત્નોથી મહદ અંશે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
મુન્દ્રા નગરપાલિકા પાસે એક પણ ફાયર ફાઇટર નથી
એક મહિનામાં મુન્દ્રામાં આગનો ત્રીજો બનાવ બનવા પામ્યો છે.જેમાં નવાઈની વાત એ છે કે અહીં આવેલી નગરપાલિકા પાસે એક પણ ફાયર ફાઇટર નથી. જેથી આગ લાગે ત્યારે કંપનીની મદદ લેવી પડે છે.
આ પણ વાંચો - AHMEDABAD: બિરસા મુંડાની 148મી જયંતીના ઉપલક્ષ્યમાં પ્રદર્શન મેળાનું આયોજન