VADODARA : બાળકો ઉઠાવવાની આશંકાએ ફરતી ટોળકી પોલીસ હવાલે
VADODARA : વડોદરા (VADODARA) ના કાલુપુરા વિસ્તારમાં આવેલા લીમડાપોળમાં બાળકો ઉઠાવવાની આશંકાએ મહિલાઓની ટોળકીને પકડી પાડવામાં આવી છે. ઘરમાં મોકો જોઇને બાળક ઉઠાવવા જતા જ વડીલ ત્યાં આવી પહોંચતા તેમને અટકાવાયા છે. આ ઘટનામાં ચાર જેટલી મહિલાઓને પકડી પાડીને પોલીસને સોંપવામાં આવી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, આ ટોળકીમાંથી કેટલાક લોકો દ્વારા બે દિવસથી વિસ્તારમાં રેકી કરવામાં આવી હતી. અને આજે તેઓ પોતાના બદઇરાદા પાર પાડવાના હતા. પરંતુ તે પહેલા જ સ્થાનિકોની સતર્કતાના કારણે ટોળકીને પકડીને પોલીસના હવાલે કરવામાં આવી છે.
અજાણી વ્યક્તિને પ્રવેશતા જોઇ બુમો પાડી
વડોદરાના જાહેર માર્ગ નજીક આવેલા કાલુપુરા વિસ્તારમાં બાળકો ઉઠાવવાની આશંકાએ ટોળકી ફરી રહી હોવાની ઘટના સામે આવી છે. કાલુપુરાના લીમડા પોળના એક મકાનમાં બે બાળકો હતા. તેમની માતા ઘરમાં જ કોઇ કામ અર્થે પરોવાયેલી હતી. દરમિયાન અજાણી મહિલા દ્વારા બાળકોને ધ્યાને રાખીને ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. દરમિયાન સામેના ઘરના વડીલે અજાણી વ્યક્તિને પ્રવેશતા જોઇ બુમો પાડી હતી. જેથી ઘરની મહિલા દોડીને બાળકો સુધી આવી પહોંચી હતી. જોતજોતામાં સ્થાનિકો એકત્ર થઇ ગયા હતા. અને મહિલાને પકડી પાડીને તેની પુછપરછ કરવામાં આવી હતી. દરમિયાન એક મહિલા પાસેના કોથળામાંથી લોખંડનો ભંગાર મળી આવ્યો હતો. જે દોડવા જતા તેનાથી ત્યાં જ પડી ગયો હતો.
સ્થાનિકોએ ટોળકીને મેથીપાક ચખાડ્યો
પકડી પાડવામાં આવેલી મહિલાની પુછપરછ કરતા તેની સાથે સંકળાયેલા અન્ય લોકો પણ હોવાનું તેણે જણાવ્યું હતું. સ્થાનિકોએ તમામને પકડીને પોલીસને સોંપ્યા હતા. આ ઘટનામાં ટોળકીના 2 લોકો મળી આવ્યા ન્હતા. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ઉત્તેજનાભર્યો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનામાં પોલીસને સોંપતા પહેલા સ્થાનિકોએ ટોળકીને મેથીપાક ચખાડ્યો હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. હવે આ ટોળકી બાળકો ઉઠાવવા કે ચોરીના બદઇરાદાને અંજામ આપવા ફરતી હતી, કે પછી આ પાછળ કોઇ અન્ય કારણ હતું, તે પોલીસ તપાસમાં જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો -- VADODARA : સુલતાનપુરામાં એક રાતમાં ત્રણ મકાનોના તાળા તુટ્યા