Dahod : ઝાલોદમાં લગ્ન પ્રસંગમાં મોટી દુર્ઘટના, વરરાજાની કાર જાનૈયાઓ પર ફરી વળી
- લગ્ન મંડપમાં જ વરરાજાની કાર જાનૈયાઓ પર ફરી વળી
- ઘટનામાં 15થી વધુ જાનૈયાઓ થયા ઇજાગ્રસ્ત
- તમામ ઇજાગ્રસ્તો લઇ જવાયા હતા સારવાર માટે
Gujarat : દાહોદના ઝાલોદમાં લગ્ન પ્રસંગમાં મોટી દુર્ઘટના થઇ છે. જેમાં વરરાજાની કાર જાનૈયાઓ પર ફરી વળી હતી. તેમાં લગ્ન મંડપમાં જ વરરાજાની કાર જાનૈયાઓ પર ફરી વળતા ચકચાર મચી છે. ઘટનામાં 15થી વધુ જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા છે. જેમાં તમામ ઇજાગ્રસ્તો સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા છે.
અગાઉ પણ આ પ્રકારે ઘટના બની ગઇ છે
ખેડા (Kheda) જિલ્લાના નડિયાદ Nadiad) તાલુકાના મોગરોલી ગામમાં રહેતા સરસ્વતીબેન પરમાર કુટુંબી વિજયભાઈ પરમારના દીકરાની ચૌલક્રિયામાં ગયા હતા. ચૌલક્રિયામાં વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વરઘોડો ગામમાંથી નીકળી ગામના તળાવની પાર પાસે આવેલા હરસિદ્ધિ માતાના મંદિરે પહોંચ્યો હતો. દરમિયાન, એક કારચાલક તેની કાર કાઢવા જતાં 7 જેટલી મહિલાઓને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતને (Road Accident) પગલે લોકોનું ટોળું ભેગું થયું હતું. ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ફરાર કારચાલક સામે ગુનો
માહિતી મુજબ, ઇજાગ્રસ્ત સરસ્વતીબેન, સવિતાબેન, મંજુલાબેન, સકુબેન, લીલાબેન સહિત અન્ય બે બહેનોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યારે વધુ સારવાર અર્થે સકુબેન પરમાર, લીલાબેન પરમાર અને મંજુલાબેનને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ અકસ્માત સર્જીને ચાલક કાર મૂકીને ફરાર થયો હતો. આ સમગ્ર ઘટનામાં ચકલાસી પોલીસે (Chaklasi police) ફરાર કારચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી તેની શોધખોળ આદરી હતી.
મહીસાગરના બાલાસિનોરમાં ગમખ્વાર અકસ્માત
મહીસાગરના બાલાસિનોરમાં ગમખ્વાર અકસ્માત થયો હતો. બાલાસિનોરમાં લગ્નના વરઘોડાને અકસ્માત નડ્યો હતો. નશેડી કારચાલકે કાર પૂરપાટમાં હંકારીને લગ્નના વરઘોડામાં નાચતા જાનૈયાઓ પર કાર ચલાવી હતી. કાર ચાલકે 20-25 જાનૈયાઓને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 26થી વધુ જાનૈયાને ઈજા પહોંચી હતી. તો 2 જાનૈયાના મોત નિપજ્યા હતા. બનાવ અંગે જાણ થતા જિલ્લા પોલીસ વડાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. બાલાસિનોરના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે બાલાસિનોર નગર વિસ્તારમાં એક પરિવારમાં લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. ત્યારે લગ્નના વરઘોડાને અકસ્માત નડ્યો હતો. મોડી રાત્રે વરઘોડામાં સ્વીફ્ટ કારે 20 થી 25 લોકોને અડફેટે લીધા હતા. જેમાં તામમ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે જાનમાં અફરાતરફી છવાઈ હતી. ઇજાગ્રસ્તો ને બાલાસિનોરની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માતમાં વરઘોડામાં નાચતા એક મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. તો અન્ય એક જાનૈયાનું સારવાર દરમિયાન મોત થયું હતું.
આ પણ વાંચો: Underground Missile City : ઇરાનની 'મિસાઈલ સિટી'નો Video જાહેર થતા USA અને Israelની ચિંતા વધી