શું કોરોના જેવો જ વિનાશ નોંતરશે HMPV? જાણો કેવી રીતે ફેલાય છે આ વાયરસ, કોને છે સૌથી વધુ જોખમ, કેવી રીતે રહેશો સુરક્ષિત?
- ચીન બાદ હવે ભારતમાં પણ HMPV વાયરસના કેસ મળી આવ્યો
- ઉધરસ, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે
- બાળકો અને વૃદ્ધોને આ વાયરસથી સૌથી વધુ જોખમ છે
HMPV India News: વિશ્વ હજુ કોરોનાના દર્દમાંથી બહાર આવ્યું નથી કે વધુ એક ખતરનાક વાયરસે દસ્તક આપી છે. આ નવા વાયરસનું નામ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) છે. આ રોગ સૌથી પહેલા ચીનમાં આવ્યો હતો. ત્યાંની હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ભારતમાં 3 બાળકો આ વાયરસથી સંક્રમિત થયા છે. તો ચાલો જાણીએ આ વાયરસના લક્ષણો શું છે, તેનાથી કેવી રીતે બચી શકાય અને શું આ નવો વાયરસ ફરી એકવાર કોરોના જેવી મહામારી લાવી શકે છે?
વધુ એક ખતરનાક વાયરસે આપી દસ્તક
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી થયેલી તબાહીને આ દેશ ભાગ્યે જ ભૂલી શકશે. ચીન હજુ કોરોનાના દર્દમાંથી બહાર આવ્યું ન હતું કે ત્યાં વધુ એક ખતરનાક વાયરસે દસ્તક આપી છે. ચીનની હોસ્પિટલોની જે તસવીરો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તે ખૂબ જ ડરામણી છે. ચીનમાં દરેક જગ્યાએ દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચીનમાં લોકો હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) અને અન્ય ઘણા ખતરનાક વાયરસનો શિકાર બની રહ્યા છે. જે વાયરસથી મોટાભાગના લોકો બીમાર પડી રહ્યા છે તેમાં ઈન્ફ્લુએન્ઝા A અને માયકોપ્લાઝમા જેવા વાયરસનો સમાવેશ થાય છે. દરમિયાન, ભારતમાં પણ HMPVના કેટલાક કેસ નોંધાયા છે, જેના કારણે લોકો ટેન્શનમાં આવ્યા છે.
કર્ણાટક બાદ ગુજરાતમાં જોવા મળ્યો કેસ
કર્ણાટકના બેંગલુરુની બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં 8 મહિનાના છોકરા અને 3 મહિનાની છોકરીમાં HMPV મળી આવ્યો છે. ત્યારે ત્રીજો કેસ ગુજરાતમાં મળી આવ્યો છે. આ બંને માસુમ બાળકો ચીન કે અન્ય કોઈ દેશમાં ગયા ન હતા. આવી સ્થિતિમાં તેમના સંક્રમણથી ભારતમાં સ્વાસ્થ્ય સેવાઓને લઈને તણાવ વધી ગયો છે. જો કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કહ્યું કે, આ સેમ્પલનું હજુ સુધી સરકારી લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું નથી.
ચીનમાં HMPVના ઘણા કેસ નોંધાયા
કર્ણાટકના આરોગ્ય વિભાગે 4 જાન્યુઆરીએ કહ્યું હતું કે, રાજ્યમાં HMPVનો કોઈ કેસ નોંધાયો નથી. જો કે ચીનમાં આ વાયરસના કેસને જોતા ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે. ચીનમાં HMPVના ઘણા કેસ નોંધાયા છે, જેના કારણે હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.
HMPV વાયરસ શું છે?
HMPV ની શોધ સૌપ્રથમ 2001 માં થઈ હતી. તે શ્વસનક્રિયા અને કોષોને અસર પહોંચાડતા વાયરસ (RSV)ની સાથે ન્યુમોવિરિડેનો ભાગ છે. આ વાયરસ મુખ્યત્વે ઉધરસ, છીંક, ચેપગ્રસ્ત વ્યક્તિને સ્પર્શ કરવાથી અથવા હાથ મિલાવવાથી ફેલાય છે. તે મોટે ભાગે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો, બાળકો અને વૃદ્ધોને અસર કરે છે. આ વાયરસ કોરોના જેવા શ્વાસ સંબંધી રોગોનું કારણ બની શકે છે, પરંતુ તે કોરોના કરતા ઓછો ખતરનાક છે.
આ પણ વાંચો : 'શું તમે વૃદ્ધ વ્યક્તિને ગાળો બોલશો?', પિતા પર બિધુડીના વિવાદાસ્પદ નિવેદન પર CM આતિશી થયા ભાવુક
વૃદ્ધો અને બીમાર લોકોએ વધારે સાવધાની રાખવી જોઈએ
આંધ્ર પ્રદેશના પબ્લિક હેલ્થ ડિરેક્ટર કે. પદ્માવતીએ કહ્યું કે, HMPV બાળકો અને વૃદ્ધો માટે વધુ જોખમી હોઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, શિયાળાની ઋતુમાં આ વાયરસ વધુ ફેલાય છે. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે, સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધો અને બીમાર લોકોએ વધારે સાવધાની રાખવી જોઈએ.
HMPV ના લક્ષણો શું છે?
- ઉધરસ અને તાવ
- નાક બંધ થવુ
- શ્વાસ લેવામાં તકલીફ
- કેટલાક કિસ્સાઓમાં તે બ્રોન્કિઓલાઇટિસ (શ્વાસનળીનો સોજો ) અને અસ્થમાને વધારી શકે છે.
વાયરસ કેવી રીતે ફેલાય છે?
ચીનની ન્યૂઝ ચેનલ સીસીટીવીના અહેવાલ અનુસાર, બેઇજિંગ યુઆન હોસ્પિટલ, કેપિટલ મેડિકલ યુનિવર્સિટીના શ્વસન અને ચેપી રોગોના વિભાગના મુખ્ય ડૉક્ટર લી ટોંગઝેંગે જણાવ્યું હતું કે, HMPV શ્વસનતંત્ર દ્વારા બે લોકો વચ્ચે ફેલાય છે. આ સિવાય, તે લોકો વચ્ચેના સંપર્ક દ્વારા જેમ કે, હાથ મિલાવવા અથવા વાયરસથી દૂષિત કોઈપણ વસ્તુને સ્પર્શ કરવાથી ફેલાઈ શકે છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, આ વાયરસ ક્રોનિક અવરોધક ફેફસાના રોગ (COPD) થી પીડિત લોકોને વધુ અસર કરી શકે છે.
સાવચેતી અને સલામતીના પગલાં
- માસ્ક પહેરો અને ચેપગ્રસ્ત વ્યક્તિથી અંતર જાળવો.
- વારંવાર હાથ ધોવા.
- રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરો.
આ પણ વાંચો : પ્રશાંત કિશોરે જામીનના બોન્ડ ભરવાની ના પાડી, પસંદ કર્યો જેલનો રસ્તો, ત્યાં પણ ઉપવાસ ચાલુ રાખવાની જાહેરાત
હાલમાં HMPV માટે કોઈ રસી ઉપલબ્ધ નથી. તબીબી નિષ્ણાતોએ એન્ટિવાયરલ દવાઓનો આડેધડ ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.
ભારત સરકારની તૈયારી
ભારત સરકારે કહ્યું છે કે, તે ઈન્ફલ્યુએન્ઝા જેવી બિમારીઓ (ILI) અને ગંભીર તીવ્ર શ્વસન બિમારીઓ (SARI) ના દેખરેખ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તે જ સમયે, WHO તરફથી ચીનની સ્થિતિ પર સતત અપડેટ લેવામાં આવી રહ્યા છે.
નિષ્ણાતો શું કહે છે?
નિષ્ણાતો કહે છે કે, HMPV સામાન્ય રીતે બાળકોમાં જોવા મળે છે અને લગભગ તમામ બાળકોને 4-5 વર્ષની ઉંમર સુધીમાં તેનો ચેપ લાગે છે. જો કે, આ વાયરસ કોવિડ-19 જેટલો જીવલેણ નથી.
ભારત સરકારે મહત્વપૂર્ણ બેઠક યોજી
HMPVને હાલમાં શિયાળામાં ફેલાતો સામાન્ય વાયરસ માનવામાં આવે છે. જો કે, ભારત સરકાર આ અંગે સતર્ક છે અને સ્થિતિ પર નજર રાખી રહી છે. નિષ્ણાતોના મતે, આ વાયરસ જીવલેણ નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. ચીનમાં HMPVના વધી રહેલા કેસ વચ્ચે ભારત સરકારે 4 જાન્યુઆરીએ એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠક બાદ સરકારે કહ્યું હતું કે, ફ્લૂની સિઝનને ધ્યાનમાં રાખીને ચીનની સ્થિતિ અસામાન્ય નથી.
આ પણ વાંચો : આશરે 1 KM રિવર્સ ચાલી ટ્રેન, ચાલુ ટ્રેનમાંથી શેખ નીચે પટકાયા અને રેલવે તંત્ર દોડતું થયું