રાજ્યમાં POCSO Case માં 3 દિવસમાં 6 આરોપીને કડક સજા..
POCSO Case : રાજ્યમાં નાની દિકરીઓ સાથે દુષ્કર્મ કે જાતિય શોષણ કરનારા (POCSO Case ) નરાધમોની હવે ખેર નથી તેવો સ્પષ્ટ સંદેશ રાજ્ય સરકારે આપ્યો છે. દિકરીઓ સાથે જાતિય શોષણના કેસમાં સરકારની ઝીરો ટોલરન્સ નીતિ રહી છે અને તેના કારણે જ પોસ્કો કેસમાં સંડોવાયેલા આરોપીઓને કડકમાં કડક સજા કરાઇ રહી છે. છેલ્લા 3 દિવસમાં પોસ્કો કેસના 6 આરોપીઓને કડક સજા કરાઇ છે. ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રાજ્યના પોલીસ તંત્રએ કાયદા વિભાગની સાથે મળીને દુષ્કર્મીઓ સામે કડક કાર્યવાહી કરી છે.
પેરવી અધિકારી મુકવાના કારણે અને કાયદા વિભાગના સહયોગથી ઝડપી સજા
તાજેતરમાં 10 જુલાઇએ જ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રના માર્ગદર્શનમાં છેલ્લા 2 વર્ષમાં નાની દિકરીઓ પર થતાં દુષ્કર્મ અને આ પ્રકારના કેસોમાં કોર્ટમાં ઝડપી કાર્યવાહી થાય તે માટે કાયદા વિભાગ સાથે મળી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. હર્ષ સંઘવીએ એમ પણ કહ્યું કે પોસ્કો કેસમાં ગુજરાત પોલીસ દ્વારા ઝડપથી ચાર્જશીટ કરી પેરવી અધિકારી મુકવાના કારણે અને કાયદા વિભાગના સહયોગથી આ પ્રકારના ગુનાઓમાં આરોપીને સજા અપાઇ છે. પોલીસે રાત દિવસ એક કરીને ચાર્જશીટ કરી છે. એક કેસમાં તો 10 દિવસમાં તો એક ગુનામાં માત્ર 37 દિવસમાં ચાર્જશીટ કરાઇ છે. તેમણે એમ પણ કહ્યું કે જૂના ગુનામાં પણ આ જ પ્રકારે કાર્યવાહી કરાશે અને નવા ગુનામાં પણ આ પ્રકારનું ફોલોઅપ ચાલું છે.
સરકારની ઝીરો ટોલરન્સ નીતિ
અમદાવાદમાં આરોપીને 20 વર્ષની સજા
રાજ્યમાં આવા નરાધમો સામે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ ચાલુ જ રહી છે અને વીતેલા 3 દિવસમાં 6 નરાધમોને કડક સજા ફટકારાઇ છે. અમદાવાદમાં શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જઇ તેની પર દુષ્કર્મ કરનારા નરાધમને પોલીસે પકડી લીધા બાદ કોર્ટમાં ચાલેલા કેસમાં સ્પેશયલ પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની જેલની સજા ફટકારી છે. કેસની માહિતી મુજબ આરોપી છગન દેવજી મુછડીયા 40 વર્ષનો છે અને તેણે સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. તે સગીરાને લલચાવીને ભગાડી ગયો હતો અને કપડવંજ સહિતના સ્થળો પર લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ પીડિતાની કુમળી વય અને માનસિક્તાનો ગેરલાભ ઉઠાવી ગંભીર પ્રકારનો ગુનો આચર્યો હતો. કોર્ટે આરોપીના ગુનાની ગંભીરતા અને પોક્સો કાયદાની જોગવાઇઓને ધ્યાનમાં રાખી આરોપીને મહત્તમ સજા ફટકારી હતી.
સુરતમાં આરોપીને 20 વર્ષની સજા
ઉપરાંત સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાંથી પણ સગીરાને લગ્નની લાચ આપી અપહરણ કર્યા બાદ દુષ્કર્મ કરનારા આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતી સગીરાને 24 વર્ષીય આરોપી ગણેશ શંકર ઉમરેડકર પ્રેમજાળમાં ફસાવીને તેનું અપહરણ કરી તેણીને મહારાષ્ટ્ર લઇ ગયો હતો અને તેણે વારંવારપ તરુણી સાથે દુષ્કર્મ કર્યું હતું. આ મામલે પોલીસે તત્કાળ તપાસ કરીને આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ મજબૂત પુરાવા ભેગા કર્યા હતા. કેસ અદાલતમાં ચાલી જતાં તેની સામેના પુરાવાને ધ્યાનમાં રાખી કોર્ટે આરોપી ગણેશને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી
કચ્છ જિલ્લાના 2 કેસમાં કડક સજા
કચ્છ જિલ્લામાં પણ સગીર વયની કિશોરીઓ પર દુષ્કર્મ કરવાના 2 અલગ અલગ કેસમાં આરોપીઓને કડક સજા ફટકારાઇ છે. ભુજ પોક્સો કોર્ટે પોક્સો કેસના આરોપીને મૃત્યુ સુધીની કડક સજા ફટકારી છે જ્યારે ગાંધીધામ પોક્સો કેર્ટે પણ આરોપીને 10 વર્ષની સજા ફટકારી છે.
ભુજના કેસની માહિતી મુજબ પરિણીત યુવાન ભાવેશ બાબુભાઇ ખાંટે પોતાના પરિચીતને ત્યાં આશરો લીધો હતો. દરમિયાન ભાવેશની પત્ની સાસરે વતન જતી રહી હતી ત્યારે આશરો લેનારાને ત્યાં એકલા રહેતા ભાવેશે આશરો આપનારની 13 વર્ષની દિકરી ઉપર નજર બગાડી લગ્નની લાલચ આપી તેનું અપહરણ કર્યું હતું અને તરુણી સાથે દુષ્કર્મ કર્યું હતું. ભુજ પોક્સો કોર્ટે આ કેસમાં આરોપી ભાવેશ ખાંટને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી ભોગ બનનારના પરિવારને 4 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.
બીજા કેસમાં ગાંધીધામના આરોપી ભરત પ્રવિણ ગઢવી સગીરાને ભગાડી ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ગાંધીધામ અધિક સેસન્સ કોર્ટે આરોપી ભત ગઢવીને તકસીરવાર ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
રાજકોટ શહેરમાં પણ સગીરા પર દુષ્કર્મ કરનારા આરોપીને અદાલતે અંતિમ શ્વાસ સુધી સજા
રાજકોટમાં 16 વર્ષની સગીરાને ગાંધીગ્રામ વિસ્તારનો મેહુલ મહેશભાઇ લાઠીયા લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી મજબૂત પુરાવા એકત્ર કરી ચાર્જશીટ ફાઇલ કરી હતી. અદાલતે મેહુલ લાઠીયાને જીવે ત્યાં સુધી એટલે કે અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી હતી. કેસ દરમિયાન ભોગ બનનારનું જન્મનું પ્રમાણપત્ર બોગસ હોવાનું સામે આવતાં આ અંગે પણ તપાસ કરવા કોર્ટે હુકમ કર્યો છે.
માંડવીના કેસમાં કડક સજા
દક્ષિણ ગુજરાતમાં માંડવીની સગીરા પર દુષ્કર્મ કરવાના કેસમાં બારડોલી સેસન્સ કોર્ટે પણ આરોપીને કડક સજા કરીને બાળકીના પરિવારને ન્યાય આપ્યો છે. બારડોલી સેસન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ કેસની વિગત મુજબ નર્મદા જિલ્લાના ખુપર ગામમાં રહેતો મહેન્દ્ર ઉર્ફે પકો માનસિંગ કોટવાળીયાએ રાત્રે 2 વાગે માંડવીના એક ગામમાં 12 વર્ષની સગીરાને બળજબરીથી મોંઢુ દબાવીને ઉંચકીને ખેતરમાં લઇ ગયો હતો અને સગીરાને મારી નાખવાની ધમકી આપી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ કેસ બારડોલી સેસન્સ કોર્ટમાં ચાલી જતાં અદાલતે આરોપી મહેન્દ્રને દુષ્કર્મના કેસમાં તકસીરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી
આ પણ વાંચો-----Gujarat માં દિકરીઓ સાથે દુષ્કર્મ કરનારા નરાધમોની હવે ખેર નથી..