World Cancer Day : આવતીકાલે વિશ્વ કેન્સર દિવસ, 2022માં 14.1 લાખથી વધુ કેસ નોંધાયા, 9.16 લાખના મોત
આવતીકાલ એટલે કે 4 ફેબ્રુઆરીના રોજ 'વિશ્વ કેન્સર દિવસ' (World Cancer Day) તરીકે મનાવાય છે. આ દિવસે વિશ્વભરમાં કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કેન્સર જેવી ગંભીર બીમારીને ફેલાવવાથી રોકવા, તેના નિદાન, સારવાર અંગે જાગૃતિ લાવવાના હેતુથી દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day) મનાવવામાં આવે છે. ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, ભારતમાં વર્ષ 2022માં કેન્સરના નવા 14.1 લાખથી વધુ કેસ નોંધાયા હતા અને 9.1 લાખ લોકોનું કેન્સરના કારણે મૃત્યુ થયું હતું.
WHO ની ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC) અનુસાર, પુરુષોને સૌથી વધુ હોઠ, મોઢું અને ફેંફસાનું કેન્સર થાય છે. જ્યારે મહિલાઓને સૌથી વધુ સ્તન અને સર્વાઈકલ કેન્સર થાય છે. ભારતમાં (India) કેન્સર ડાયગ્નોસિસ પછી 5 વર્ષમાં જીવિત લોકોની સંખ્યા લગભગ 32.6 લાખ હતી. વિશ્વભરમાં અંદાજે કેન્સરના નવા 2 કરોડથી વધુ કેસ સામે આવ્યા અને તેમાંથી 97 લાખ લોકોના મોત થયા હતા. રિપોર્ટ અનુસાર, દર 5 માંથી 1 વ્યક્તિને કેન્સર થાય છે. દર 9 પુરુષમાંથી 1 પુરુષનું અને દર 12 મહિલાઓમાંથી 1 મહિલાનું કેન્સરના કારણે મૃત્યુ થાય છે.
વર્ષ 2022 માં વિશ્વમાં 2 કરોડ નવા કેસ નોંધાયા
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, ભારતમાં વર્ષ 2022માં કેન્સરના 14.1 લાખ કેસ નોંધાયા હતા, જેમાંથી 9.16 લાખના મોત નીપજ્યા હતા. વિશ્વ સ્તરની વાત કરીએ તો સાલ 2022માં 2 કરોડ નવા કેસ નોંધાયા હતા, જ્યારે 97 લાખના મોત થયા છે. IARC દ્વારા 185 દેશના 36 પ્રકારના કેન્સર દર્દીનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સાલ 2050 માં 35 મિલિયનથી વધુ કેન્સરના કેસ નોંધાવવાની આગાહી કરવામાં આવી છે. જે સાલ 2022 ની સરખામણીએ 77 ટકા વધારે છે. જ્યારે IARC ના રિપોર્ટ મુજબ, સાલ 2050 માં કેન્સરથી મૃત્યુદર બમણો થવાનો અંદાજ છે. રિપોર્ટ મુજબ, કેન્સર થવાના મુખ્ય કારણોમાં તમાકુ, આલ્કોહોલ, સ્થૂળતા, વાયુ પ્રદૂષણ અને પર્યાવરણીય જોખમ જવાબદાર છે.
આ પણ વાંચો - BHARAT RATNA : L.K અડવાણીને ‘ભારત રત્ન’, CR પાટીલ સહિત આ નેતાઓએ આપી પ્રતિક્રિયા