VADODARA : ગ્રાહક બની આવેલા ગઠિયાનો જ્વેલરી શોપમાં લાખોનો હાથફેરો
VADODARA : વડોદરા (VADODARA) શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી સીએચ જ્વેલર્સ નામની શોપમાં ગ્રાહક બનીને આવેલા ગઠિયાએ લાખોના મુદ્દામાલની ઉઠાંતરી કરી હોવાની ઘટના સપાટી પર આવી છે. આ ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યા છે. લાખોની ચોરી છતાં આ મામલે હજીસુધી કોઇ પોલીસ ફરિયાદ નોંધવામાં નહી આવતા તરહ તરહની ચર્ચાઓએ સ્થાન લીધું છે. આ મામલે પોલીસ કેટલા સમયમાં આરોપીઓ સુધી પહોંચે છે તે જોવું રહ્યું.
સીસીટીવી સોશિયલ મીડિયામાં ભારે વાયરલ
વડોદરામાં જ્વેલરી શોપને તસ્કરો નિશાન બનાવવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. અગાઉ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી જ્વેલરી શોપના તાળા તોડીને ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. તાજેતરમાં શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા સીએચ જ્વેલર્સમાં ગ્રાહક બનીને ખરીદી કરવા માટે આવેલો ગઠિયો મોટી ઉઠાંતરી કરીને પલાયન થઇ ગયો હોવાના સીસીટીવી સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યા છે. ગોત્રી વિસ્તારમાં આવેલા સી એચ જ્વેલર્સના માલિક ચિરાગભાઇ જાની છે.
પડીકું લઇને શખ્સ ફરાર
આ ઘટનાના સીસીટીવામાં જોવા મળ્યા અનુસાર, એક મહિલા અને પુરૂષ ખરીદી કરવા માટે આવે છે. એક પછી એક તેમને પસંદ પડતી વસ્તુઓ બતાવવામાં આવે છે. ત્યાર બાદ મહિલાએ કડું માંગ્યું અને ત્યાર બાદ પુરૂષે ચેઇન જોવા માંગી હતી. વેપારીને વાતોમાં ભોળવી દઇને સોનાના બિસ્કીટનું અને મંગલસુત્રનું પડીકું લઇને શખ્સ ફરાર થઇ ગયો હતો. જેની કિંમત રૂ. 13 લાખ જેટલી આંકવામાં આવી રહી છે.
ઉચ્ચ અધિકારી સહિત લક્ષ્મીપુરા પોલીસ મથકના પીઆઇ સહિતને રજુઆત કરી
જ્યારે આ માલનો ઓર્ડર લેવા માટે મુળ વ્યક્તિઓ આવ્યા ત્યારે સોનાનું બિલ્કીટ અને મંગલસુત્રનું પડીકું ગાયબ મળ્યું હતું. ત્યાર બાદ સીસીટીવીમાં જોતા જોડા પૈકી પુરૂષે તેની ઉઠાંતરી કરી હતી. આ અંગે પોલીસના ઉચ્ચ અધિકારી સહિત લક્ષ્મીપુરા પોલીસ મથકના પીઆઇ સહિતને રજુઆત કરી હતી. પરંતુ તેમના દ્વારા કાર્યવાહીના નામે ગલ્લા-તલ્લા કરવામાં આવ્યા હોવાનું વેપારીએ મીડિયાને જણાવ્યું છે. હવે આ મામલે પોલીસ કેટલા સમયમાં ફરિયાદ લે છે, અને કેટલા સમયમાં આરોપીઓ સુધી પહોંચે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : 2 મહિના પહેલા બનેલા રોડની અવદશા શરૂ