Uttarayan-2024 : સાવચેતી રાખજો...આ શહેરોમાં દોરીથી લોકો ઘવાયા, વલસાડમાં 6 વર્ષીય બાળકનું મોત
આજે રાજ્યભરમાં ઉત્તરાયણ (Uttarayan-2024) પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પતંગ ઉડાડવા માટે લોકો વહેલી સવારથી જ અગાશી પર ચઢી ગયા છે. ત્યારે આ વચ્ચે કેટલીક દોરી વાગવાની ઘટનાઓ પણ સામે આવી છે. અમદાવાદ (Ahmedabad), વલસાડ, રાજકોટ, કચ્છ સહિત અનેક વિસ્તારમાં દોરી વાગવાથી લોકોને ગંભીર ઇજાઓ થઈ હોવાની માહિતી મળી છે.
અમદાવાદમાં ત્રણ લોકોના ગળામાં દોરી વાગી
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં ઉત્તરાયણની (Uttarayan 2024) પૂર્વ સંધ્યાએ દોરી વાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓના ગળામાં દોરી વાગવાથી ઘવાયા હતા. તમામને ત્વરિત સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બે દર્દીને ઓપીડીમાં સારવાર અપાઈ જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા દાખલ કરવાની ફરજ પડી છે.
વલસાડમાં દોરી વાગવાથી 6 વર્ષીય બાળકનું મોત
વલસાડની (Valsad) વાત કરીએ તો દોરી વાગવાની બે અલગ અલગ ઘટના સામે આવી છે. પ્રથમ ઘટનામાં સોનવાડાના પુલ પરથી વિહાર પટેલ નામનો યુવક બાઇક પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક તેના ગળે દોરી ફસાઈ હતી. આથી વિહારને કાનથી નાકના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત વિહારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે, બીજી ઘટના વલસાડના ખાટકીવાડ વિસ્તારની છે. જ્યાં આવેલા ખુશ્બુ એપાર્ટમેન્ટમાં રહેતા 6 વર્ષીય પરવેઝ શેખ પતંગ ચગાવતી વખતે અચાનક ધાબા પરથી નીચે પડી જતા કરૂણ મોત નીપજ્યું હતું. માસૂમના મોતથી પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ છે.
રાજકોટ-કચ્છમાં દોરીથી કુલ 3ને ઇજા
રાજકોટના (Rajkot) જેતપુરમાં પણ ચાઈનીઝ દોરીથી 2 લોકોને ઇજા થઈ હોવાના સમાચાર છે. માહિતી મુજબ, નવાગઢ મેઇન રોડ પર બાઇક પર આવતા 45 વર્ષીય રહીમભાઈ સવાણીને ગળે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વગતા ઇજા થઈ હતી, જ્યારે અન્ય એક ઘટનામાં બે વર્ષીય બાળક જયદેવ ભોજવિયાને રમતા રમતા પગના ભાગે દોરી વાગતા ગંભીર ઇજા પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કચ્છમાં પણ પતંગની દોરીના કારણે યુવકનું ગળું કપાયું હોવાની માહિતી છે. કચ્છના અંજારમાં રહેતા 14 વર્ષીય સમીર શેખને ઘરથી બહાર નીકળતા સમયે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ગળાના ભાગે ફસાઈ હતી. આથી સમીરને ગળે ગંભીર ઇજાઓ થઈ હતી. સમીરને ત્વરિત સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સુરત પોલીસનું જાહેરનામું
ઉત્તરાયણ નિમિત્તે (Uttarayan-2024) સુરત પોલીસ (Surat Police) કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે જે મુજબ, ઉત્તરાયણ નિમિત્તે બ્રિજ પરથી સેફ્ટી ગાર્ડ લગાવેલા ટુ-વ્હીલર ચાલકોને જ પ્રવેશ આપશે. સેફ્ટી ગાર્ડ ન લગાવેલું હોય તેમને બ્રિજ નીચેથી જવા અપીલ કરાઈ છે. ઉત્તરાયણમાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે, ઉત્તરાયણ નિમિત્તે મહીસાગર પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. સાથે જ ડીવાયએસપી પી.એસ વળવીની ઉપસ્થિતિમાં કમાન્ડો સાથે રાખીને સ્થાનિક પોલીસ અને હોમગાર્ડ જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. સલામતી સાથે ઉત્તરાયણ ઊજવવા લોકોને અપીલ કરાઈ હતી. બીજી તરફ પંચમહાલ જિલ્લાના ગોધરામાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગોધરા સીટી પોલિસ, રેલવે GRP, RPFદ્વારા સયુંક્ત રીતે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ હેઠળ શંકાસ્પદ મુસાફરોના માલ સમાન ચેક કરી પૂછપરછ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો - Uttarayan-2024 : વિવિધ મંદિરોમાં વિશેષ શણગાર, દર્શન માટે ભક્તોનું ઘોડાપુર, PM મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા