ગોંડલની ગરીબ દીકરીનાં ભણતર માટે સમાજ સેવકો અને શાળાના આચાર્ય વહારે આવ્યા
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
ગોંડલ આવાસ યોજના ક્વાટરમાં રહેતી અને સાતમા ધોરણમાં અભ્યાસ કરતી દીકરી પરિવારની આર્થિક પરિસ્થિતિ અનુકૂળ ન હોવાના કારણે શાળાએ ગેરહાજર રહેવા લાગી હતી જે વાત ની જાણ શિવમ સાર્વજનિક ટ્રષ્ટ ને થતા તેને વહારે દોડી જઈ દિકરીનાં પરિવારની આર્થિક પરિસ્થિતિથી શાળાના આચાર્યને વાકેફ કરવામાં આવ્યા હતા.. તેઓએ તુરંત 50 ટકા ફી ની રાહત કરી આપી હતી અને બાકીની ધોરણ 12 સુધી ની 50 ફી ની જવાબદારી શિવમ્ સાર્વજનિક ટ્રસ્ટ એ ઉપાડી લેતા ખરા અર્થમાં " ભણશે દીકરી " સૂત્ર સાર્થક થવા પામ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ આવાસ યોજના ક્વાટરમાં રહેતા અને મજૂરી કામ કરી ઘર ગુજરાન ચલાવતા જેન્તીભાઇ મકવાણાની પુત્રી પ્રિયા ધોરણ 7માં સમર્પણ પ્રાથમિક શાળા માં અભ્યાસ કરી રહી છે, વાર્ષિક ફી રૂ. 10 હજાર ભરી શકાય તેવી પરિવારની આર્થિક સ્થિતિ ન હોઇ પ્રિયા બે માસથી શાળાએ ગેર હાજર રહેતી હતી. જે અંગેની જાણ શહેર પંથકમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થા શિવમ સાર્વજનિક ટ્રસ્ટનાં પ્રમુખ દિનેશભાઈ માધડ અને સાથી સદસ્યોને થતા શાળાના આચાર્ય લોક સાહિત્ય કાર હરદેવભાઈ આહીર પાસે જઈ પ્રિયાના પરિવારની આર્થિક પરિસ્થિતિથી તેમને વાકેફ કરાવ્યા હતા.. જે બાદ તેઓએ તુરંત જ ૫૦ ટકા ફી ની રાહત કરી આપવામાં આવી હતી અને સામે શિવમ સાર્વજનિક ટ્રસ્ટે પણ ૫૦ ટકા ફી ભરવાની જવાબદારી ઉઠાવી લીધી હતી. એટલુજ નહિ સમાજ સેવકો અને શાળાના આચાર્યએ પ્રિયાની ધોરણ ૧૨ સુધી ફી ની જવાબદારી પણ ઉઠાવી લેવાનું જણાવ્યું હતું આ તકે જરૂર થી કહી શકાય કે " ભણશે દીકરી " સૂત્ર સાચા અર્થમાં સાર્થક થવા પામ્યું છે.