Samadhi Mahotsav :સંતરામ મંદિરમાં 193 મોં સમાધિ મહોત્સવ ઉજવાયો
Samadhi Mahotsav : નડિયાદના સંતરામ મંદિરની પરંપરા આજે મહાસુદ પૂર્ણિમાના અવસરે યોગીરાજ સંતરામ મહારાજના 193માં સમાધિ મહોત્સવની (Samadhi Mahotsav ) ઉજવણી કરવા સાથે દિવ્ય સાકરવર્ષા કરવામાં આવી હતી.
શ્રીસંતરામ મંદિરમાં શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટયું
ખેડા જીલ્લાના નડિયાદમાં આવેલ શ્રીસંતરામ મંદિરમાં આ અનેરા પ્રસંગે આજે દર્શન કરવા તથા સાકરવર્ષાનો લ્હાવો લેવા માટે સાંજના સમયે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટયું હતું. સાંજે સંધ્યા સમયે મહાઆરતી બાદ ઓમના મંત્રોચ્ચાર સાથે સાકરવર્ષા કરાતા મંદિર પરિસર જય મહારાજના જયઘોષથી ગૂજી ઉઠયું હતું.
મંદિરમાં એકત્રિત થયેલ શ્રધ્ધાળુઓએ દર્શન કરી તેમજ સાકરની પ્રસાદી ગ્રહણ કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. માઘની પૂનમે સંતરામ મંદિરમાં સાકરવર્ષાનો ખૂબ મહિમા છે. શ્રીસંતરામ મહારાજે 193 વર્ષ અગાઉ મહાસુદ પૂર્ણિમાએ જીવિત સમાધિ લીધી હતી. આ અવસરે મંદિરમાં દીવારૃપે એક જ્યોત પ્રગટ થઈ હતી. જે આજે પણ અખંડ સ્વરૃપે છે. આ અખંડ જ્યોતના સાંનિધ્યમાં આજે મંદિરમાં માઘની પૂનમ નિમિત્તે વહેલી સવારે પૂ. મહારાજશ્રીને તિલક કરવામાં આવ્યા હતા. આજે દિવસભર દર્શનાર્થીઓનો ધસારો રહ્યા બાદ સાંજના સમયે સાકરવર્ષાને લઈ મંદિર પરિસરમાં લોકોનો જમાવડો વધવા લાગ્યો હતો. સાંજે પ વાગ્યા બાદ તો મંદિરના ટેરેસ તથા નીચેના ચોકથી લઈ બહારના ભાગમાં લોકોની ભીડ જામી હતી. મંદિરના મહંત પૂ. રામદાસજી મહારાજની નિશ્રામાં આજે સાકરવર્ષાનો ઉત્સવ ઉજવાયો હતો.
સમગ્ર મંદિર પરિસર જય મહારાજના જયજયકારથી ગૂંજી ઉઠયું
સાંજે મહંતશ્રી તથા મંદિરની અન્ય પ્રશાખાઓના મહંત તથા સંતો ધવલ વસ્ત્રોમાં મંદિરના સમાધિ સ્થાનની સામેના ભાગે બનાવવામાં આવેલા ઊંચા માંચડા પર આવી પહોંચ્યા હતા. જ્યાં મહાઆરતી કરવામાં આવી હતી. એ પછી ઓમ મંત્રનો નાદ કરવામાં આવ્યો હતો. એ પછી મૌન પાળ્યા બાદ પૂ. મહારાજશ્રીએ સાકરની ઉછામણી કરી હતી. મંદિરના ટેરેસ પર સ્વયંસેવકો ઝોળીઓમાં સાકર અને કોપરાની ઝોળીઓ લઈ ઊભા હતા. જેમના દ્વારા સાકર અને કોપરાની ઉછામણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર જય મહારાજના જયજયકારથી ગૂંજી ઉઠયું હતું.
માઘની પૂનમ અને મેળા નિમિત્તે પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો
આ દિવ્ય અવસરે શ્રધ્ધાળુઓએ દર્શન કરી તથા પ્રસાદી ગ્રહણ કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. શ્રધ્ધાળુઓ સાકરને પ્રસાદીરૃપે પોતાના ઘરે લઈ ગયા હતા. સંતરામ મંદિર પરિસર તથા બહારના ભાગે આજે માઘની પૂનમ અને મેળા નિમિત્તે પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. મંદિરમાં ભજન સ્પર્ધા યોજાઈ નડિયાદ સંતરામ મંદિરમાં આજે માઘની પૂનમ અને ૧૯૦માં સમાધિ મહોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભજન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં નડિયાદ અને આસપાની ભજનમંડળીઓએ ભાગ લઈ સંગીતની સુરાવલિ વચ્ચે ભજનોની રમઝટ મચાવી હતી. આ ભજન સ્પર્ધાને નિહાળવા માટે લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.
શું છે લોકવાયકા?
192 વર્ષ પહેલાં મહા પુનમના દિવસે સંતરામ મહારાજે જીવીત સમાધી લીધી હતી ત્યારે આકાશમાંથી દેવોએ પુષ્પ વર્ષા કરી હતી એવી લોકવાયીકા છે. જેથી વર્ષ માં એક જ વાર અહીં મંદિરમાં મહાઆરતી કરવા માં આવે છે. જેમાં આશરે 200 જેટલા સંતો દેશ-વિદેશથી આ સાકરવર્ષામાં આવે છે.તો દેશ-વિદેશથી હજારો ભક્તો સાકરવર્ષામાં ભાગ લેવા માટે આવે છે. આ મહાઉત્સવમાં 1100 મણ સાકર અને 300 મણ કોપરું ઉછાળવામાં આવે છે. આ પ્રસંગે ત્રિદિવસીય મહા મેળાનું આયોજન કરવામાં આવે છે. 5 દિવસમાં લગભગ 10 લાખથી વધુ શ્રદ્ધાળુ સંતરામ મંદિરના દર્શન કરવા આવતા હોય છે.
આ પણ વાંચો - Crime : સુરતમાં મિત્રએ જ મિત્રને લૂંટયો,પોલીસે આરોપીઓની કરી ધરપકડ