રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમે લગાવેલી રોક પર પૂર્ણેશ મોદીએ આપી આ પ્રતિક્રિયા
મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે ત્યારે તેમના વિરુદ્ધ કોર્ટમાં જેમણે યાચિકા દાખલ કરી હતી તે પૂર્ણેશ મોદીએ કહ્યું છે કે તેઓ કોર્ટના ચૂકાદાનું સન્માન કરે છે. મહત્વપૂર્ણ છે કે મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી સજા પર રોક રહેશે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપવામાં આવેલી મહત્તમ સજા પર પણ સવાલો ઉઠાવ્યા છે. ચુકાદા બાદ મીડિયાએ પૂર્ણેશ મોદી સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે કોર્ટના નિર્ણયનું સન્માન કરીએ છીએ.
કોર્ટના નિર્ણયનું સન્માન: પૂર્ણેશ મોદી
આ નિર્ણયથી એક તરફ કોંગ્રેસ અને વિપક્ષના ગઠબંધનની છાવણીમાં ખુશીની લહેર છે તો બીજી તરફ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કહ્યું કે તેઓ કોર્ટના નિર્ણયનું સન્માન કરે છે અને આગળની કાયદાકીય લડાઇ પણ સમાજ (મોદી સમાજ) સાથે મળીને લડશે.
શું હતો મામલો ?
કર્ણાટકના કોલ્લારમાં લોકસભા ચૂંટણી 2019 દરમિયાન રાહુલ ગાંધીએ લલિત મોદી, નિરવ મોદીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ હોય છે. આ અંગે ગુજરાતના સુરતમાં ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.