ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે CR Patil ના આજે 4 વર્ષ પૂર્ણ
CR Patil : ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલની (C. R. Patil) નિમણૂંક 20 જુલાઈ 2020ના રોજ થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિશ્વાસુ સી.આર.પાટીલે ગુજરાત ભાજપના સંગઠનમાં અનેક ઐતિહાસિક નિર્ણયો કરી ભાજપને એક નવી દિશા આપી ભવ્ય જીતો અપાવી છે. સી.આર.પાટીલ એક કુશળ રાજનેતાની છબી ધરાવે છે. વર્ષ 2009, 2014, 2019 અને 2024માં નવસારીથી સી.આર.પાટીલ સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે. 2024માં પણ લોકસભાની ચૂંટણીમાં સી.આર.પાટીલ 7,73,551 લીડથી જીત્યાં છે.
પેજ સમિતિની કમાલ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની પેજ સમિતિની ફોર્મ્યુલાના કારણે ગુજરાતમાં ભાજપની અનેક ચૂંટણીઓમાં જીત થઈ. 2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પેજ સમિતિની કમાલથી કોંગ્રેસના સૂપડાં સાફ થયાં હતાં. 31માંથી 31 જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો હતો, 231 તાલુકા પંચાયતમાંથી ભાજપે 196 તાલુકા પંચાયત જીતી હતી. 81 નગરપાલિકામાંથી 75 નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. 2022માં 182 વિધાનસભા સીટમાંથી ભાજપે 156 સીટ જીતી ઐતિહાસિક વિજય હાંસલ કર્યો હતો. સી.આર.પાટીલના કાર્યકાળમાં જ રાજ્યની 360 સહકારી સંસ્થાઓમાંથી 302 સંસ્થાઓમાં ભાજપ કબ્જે કરી છે.
કાર્યકર્તાઓની કામગીરી મુજબ જવાબદારી સોંપી
સી.આર.પાટીલ દરેક કાર્યકર્તા સાથે હંમેશા સંપર્કમાં રહે છે. સી.આર.પાટીલ સારી રીતે જાણે છે કે, કયા કાર્યકર્તાને ક્યાં જવાબદારી આપવી. સી.આર.પાટીલે યુવા મોરચો, OBC મોરચો, મહિલા મોરચો, આઈટી સેલ, સાંસ્કૃતિક સેલ, ડોક્ટર સેલમાં કાર્યકર્તાને તેના કામ પ્રમાણે જવાબદારી આપી છે, તેના કારણે ભાજપનું સંગઠન તમામ મોરચે મજબૂત થયું છે. ભાજપની સૌથી મોટી તાકાત તેમના કાર્યકર્તાઓ છે અને સી.આર.પાટીલે કાર્યકર્તાને હરપળ સાથ આપી તેમનો ઉત્સાહ વધાર્યો છે.
સંવાદથી સંગઠન મજબૂત કર્યું, લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવ્યાં
સી.આર.પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારથી તેમણે અનેક લોક સંવાદ કર્યાં. સી.આર.પાટીલે વન-ડે વન-ડિસ્ટ્રિક્ટ અભિયાન શરૂ કર્યું હતું, જેમાં દરેક જિલ્લાઓમાં રૂબરૂ જઈને કાર્યકર્તા સંમેલન કર્યાં, વિવિધ ક્ષેત્રના સંગઠનો સાથે સંવાદ સાધીને પાર્ટીને મજબૂત કરવાનું કાર્ય કર્યું હતું, આ સંવાદ થકી લોકોની મુશ્કેલીઓ સાંભળી તેમનું નિવારણ માટે કાર્ય કર્યું. સી.આર.પાટીલે ખેડૂતો સાથે સંવાદ, કૂલીઓ સાથે સંવાદ, રિક્ષા ચાલકો સાથે સંવાદ, ડૉક્ટર, વકીલ એસોસિએશન સાથે સંવાદો કર્યા. પ્રશ્નોનું નિરાકરણ કરી લોકપ્રિયતા મેળવવી એ સી.આર.પાટીલની ખૂબી છે.
ભાજપાના કાર્યકર્તા માટે સેવા એ સર્વોપરિ છે: સી.આર.પાટીલ
કોરોના સમયે ભાજપના કાર્યકરો જરૂરિયાતમંદોની મદદ કરવામાં લાગ્યા હતાં. સી.આર.પાટીલના માર્ગદર્શનમાં ગુજરાતના કુપોષિત બાળકોને સુપોષિત બનાવવાનું અભિયાન ચલાવ્યું હતું. સુપોષિત અભિયાનમાં ભાજપાના કાર્યકરો જોડાયા હતાં, કેટલાય કાર્યકરોએ કુપોષિત બાળકોને દત્તક લીધા અને તેના કારણે રાજ્યના અનેક કુપોષિત બાળકો સુપોષિત બન્યાં હતાં. ભાજપ સંગઠનના વિવિધ મોરચાઓ દ્વારા રક્તદાન કેમ્પ, રોગ નિદાન કેમ્પ, દિવ્યાંગોને સાધન સહાય કરાય છે. સી.આર.પાટીલ તેમના જન્મદિવસની ઉજવણી લોકોની સેવા કરીને કરે છે, તેમના જ કહેવાથી કાર્યકર્તાઓ પણ હવે પોતાના જન્મદિવસની ઉજવણી લોક સેવાથી કરે છે. સી.આર.પાટીલના કહેવાથી કાર્યકર્તાઓએ જરૂરિયાતમંદોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ અપાવ્યો.
અસરકારક ડિજિટલીકરણ— 360 ડિગ્રી એપ કનેક્ટિવિટી, I.S.O. સર્ટિફાઈડ કમલમ
ભાજપ ટેક્નોલોજીનો ખૂબ મોટા પાયે ઉપયોગ કરે છે, સી.આર.પાટીલના કાર્યકાળમાં જ સૌપ્રથમવાર કેવડિયામાં પેપરલેસ પ્રદેશ કારોબારીનું આયોજન કરાયું હતું. સી.આર.પાટીલ અવારનવાર ડિજિટલી મિટિંગ કરતા હોય છે. ભાજપમાં એક એપના માધ્યમથી કાર્યકર્તાથી લઈને પ્રદેશ અધ્યક્ષ સુધી બધા કનેક્ટેડ છે. નમો એપ દ્વારા લોકો સરકારની યોજનાઓ વિશે સાચી જાણકારી મેળવી શકે તે માટે વધુમાં વધુ લોકો પાસે નમો એપ ડાઉનલોડ કરાવી હતી. ગુજરાત ભાજપનું કમલમ કાર્યાલય ISO સર્ટિફાઈડ છે. ગુજરાતમાં કેટલાય જિલ્લાઓમાં કમલમ કાર્યલય બની ગયા છે, અને કેટલાય જિલ્લામાં કમલમ કાર્યાલય બની રહ્યાં છે. એવા અનેક જિલ્લા ભાજપ કાર્યાલય છે, જેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સી.આર.પાટીલે કર્યું. પોતાની અનોખી કાર્યશૈલી માટે જાણીતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ હવે કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી તરીકે પણ કામગીરી માટે એક્શન મોડમાં જોવા મળી રહ્યાં છે.
આ પણ વાંચો---- SABARKANTHA ની ૨૬૧ ગ્રામ પંચાયતમાં અટલ ભૂ જલ યોજના અંતર્ગત તાલીમ યોજાઈ