Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખાલિસ્તાની ચળવળ અને કેનેડા સાથેના સંબંધમાં ખટાશ..! જાણો પુરો મામલો 

ભારત (india) અને કેનેડા (canada) વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે અને બંને દેશોના સંબંધોમાં કડવાશ ઝડપથી વધી રહી છે. જેની પાછળ ખાલિસ્તાનની માંગણી કરી રહેલા વિરોધ પ્રદર્શન અને ખાલિસ્તાની સમર્થકો છે. તાજેતરના સમયમાં જ્યારે કેનેડાની ધરતી પર ભારત વિરુદ્ધ...
ખાલિસ્તાની ચળવળ અને કેનેડા સાથેના સંબંધમાં ખટાશ    જાણો પુરો મામલો 
ભારત (india) અને કેનેડા (canada) વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે અને બંને દેશોના સંબંધોમાં કડવાશ ઝડપથી વધી રહી છે. જેની પાછળ ખાલિસ્તાનની માંગણી કરી રહેલા વિરોધ પ્રદર્શન અને ખાલિસ્તાની સમર્થકો છે. તાજેતરના સમયમાં જ્યારે કેનેડાની ધરતી પર ભારત વિરુદ્ધ ખાલિસ્તાનીઓના કાવતરાનો પર્દાફાશ થઈ રહ્યો છે ત્યારે કેનેડાએ આરોપ લગાવ્યો છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર (Hardeep Singh Nijjar)ની હત્યામાં ભારતનો હાથ હોઈ શકે છે. 10 લાખનું જેના પર ઇનામ છે તે  ખાલિસ્તાની ટાઈગર ફોર્સ (KTF) આતંકવાદી નિજ્જરની આ વર્ષે જૂનમાં હત્યા કરવામાં આવી હતી.
સ્વતંત્ર ખાલિસ્તાન દેશની માગ
વાસ્તવમાં, ખાલિસ્તાન સમર્થકો ખાલિસ્તાન નામના અલગ દેશની માંગ કરી રહ્યા છે. કેનેડા, બ્રિટન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા શીખ ઇમિગ્રન્ટ્સ આ અંગે સહાનુભૂતિ ધરાવે છે. આ લોકોની માંગ છે કે વર્તમાન પંજાબ રાજ્ય અને હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની આસપાસના રાજ્યોને મર્જ કરીને સ્વતંત્ર ખાલિસ્તાન દેશ બનાવવો જોઈએ. જેમાં પાકિસ્તાન સ્થિત પંજાબને સામેલ કરવાની વાત કરવામાં આવી છે. તેની સૂચિત રાજધાની લાહોર છે.
ખાલિસ્તાનનો અર્થ
ખાલિસ્તાન એટલે ખાલસાની ભૂમિ. એટલે કે ખાલસા (શીખો)નું રાજ્ય. તે સ્પષ્ટ છે કે ખાલિસ્તાનનો અર્થ શીખો માટે અલગ દેશની માંગ છે. કહેવાય છે કે ખાલિસ્તાન શબ્દનો સૌપ્રથમ ઉપયોગ 1940માં થયો હતો. જો કે આ પહેલા પણ 1929માં મોતીલાલ નેહરુની સંપૂર્ણ સ્વરાજની માંગ પર શિરોમણી અકાલી દળના તારા સિંહે શીખો માટે અલગ દેશ બનાવવાની માંગ કરી હતી.
આઝાદી અને દેશના ભાગલા પછી માંગમાં વેગ આવ્યો
1947માં જ્યારે ભારત આઝાદ થયું અને દેશનું વિભાજન થયું ત્યારે મુસ્લિમો પછી સૌથી વધુ નુકસાન શીખોને થયું. શીખો ભારત અને પાકિસ્તાન બંનેના પંજાબમાં રહેતા હતા. વિભાજનને કારણે શીખોની પરંપરાગત જમીનો પાકિસ્તાનમાં ગઈ, જેના કારણે તેમનામાં ઊંડો અસંતોષ હતો. 1955માં શીખ પ્રભુત્વ ધરાવતા રાજકીય પક્ષ અકાલી દળે ભાષાના આધારે રાજ્યના પુનર્ગઠન માટે આંદોલન શરૂ કર્યું હતું. અકાલી દળે રાજ્યને પંજાબી અને બિન-પંજાબી ભાષી વિસ્તારોમાં વિભાજીત કરવાની માંગ કરી હતી. જ્યારે આ માંગ વધવા લાગી ત્યારે વર્ષ 1966માં ઈન્દિરા ગાંધીએ પંજાબને ત્રણ ભાગમાં વિભાજીત કરીને પંજાબ, હરિયાણાને એક રાજ્ય અને ચંદીગઢને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યું. અકાલી દળે કેન્દ્ર સરકાર પાસે સંરક્ષણ, વિદેશ, સંદેશાવ્યવહાર અને ચલણ સિવાયની તમામ સત્તાઓ આપીને પંજાબ સરકારને સ્વાયત્ત બનાવવાની પણ માગણી કરી હતી, જેને ઈન્દિરાએ નકારી કાઢી હતી.
ભિંડરાનવાલાની એન્ટ્રી 
1980ના દાયકામાં ખાલિસ્તાન ચળવળ ફરી એકવાર વેગ પકડી. તે સમયે દમદમી ટકસાલના વડા જરનૈલ સિંહ ભિંડરાનવાલાએ તે આંદોલનને વેગ આપ્યો હતો. આ દરમિયાન 1981માં પંજાબ કેસરી અખબારના સંપાદક લાલા જગત નારાયણની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ 1983માં ખાલિસ્તાન સમર્થકોએ અમૃતસરના સુવર્ણ મંદિરમાં પંજાબના ડીઆઈજી એએસ અટવાલની હત્યા કરી હતી. આ ઘટના અને પંજાબમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દીધું હતું.
ઓપરેશન બ્લુ સ્ટાર 
જેના કારણે નારાજ અલગતાવાદીઓનું આંદોલન વધુ હિંસક બન્યું હતું. ભિંડરાનવાલેના નેતૃત્વમાં ખાલિસ્તાન સમર્થકોએ ભારે હથિયારો એકઠા કર્યા અને સુવર્ણ મંદિરમાં આશ્રય લીધો. આ આતંકવાદીઓને ભગાડવા માટે કેન્દ્ર સરકારે 1 જૂન, 1984ના રોજ ઓપરેશન બ્લુ સ્ટાર શરૂ કર્યું હતું. જેમાં સેનાના 83 જવાનો અને 492 નાગરિકોના મોત થયા હતા. આ ઓપરેશનમાં ભિંડરાનવાલા માર્યો ગયો હતો અને સુવર્ણ મંદિરને આતંકવાદીઓથી મુક્ત કરવામાં આવ્યું હતું, જોકે તેનાથી વિશ્વભરના શીખ સમુદાયને ભારે ભાવનાત્મક આઘાત લાગ્યો હતો. ઓપરેશન બ્લુ સ્ટારે સમગ્ર વિશ્વમાં ઈન્દિરા ગાંધીને શીખ વિરોધી તરીકે સ્થાપિત કર્યા અને આ જ કારણ હતું કે પાંચ મહિનામાં તેમના જ બે શીખ અંગરક્ષકો દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.
વિદેશી ધરતી પર આંદોલન જીવંત રહ્યું
ખાલિસ્તાન ચળવળને 1984માં ઓપરેશન બ્લુ સ્ટાર અને તે પહેલા ઓપરેશન બ્લેક થંડર (1968 અને 1988) પછી દબાવી દેવામાં આવી હતી, પરંતુ કેનેડા, બ્રિટન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં રહેતા શીખ ઇમિગ્રન્ટ્સ તેને સક્રિય રાખવામાં સફળ રહ્યા હતા. આ જ ચળવળ કેનેડામાં ફરી વેગ પકડવા લાગી છે.
આંદોલનની વર્તમાન સ્થિતિ શું છે?
હાલમાં ભારતમાં ખાલિસ્તાન ચળવળ લગભગ મૃતપાય અવસ્થામાં છે. પંજાબની શહેરી અથવા સ્થાનિક વસ્તીમાં તેનો પ્રભાવ નહિવત છે પરંતુ કેનેડા, બ્રિટન અથવા અમેરિકામાં રહેતા શીખો તરફથી આંદોલનને  વૈચારિક સમર્થન મળી રહ્યું છે. NRI શીખો આ ચળવળને પૈસા અને વૈચારિક સમર્થન આપી રહ્યા છે. પાકિસ્તાનની ISI પણ ખાલિસ્તાન ચળવળને ફરીથી વેગ આપવા માટે નાણાં અને દળોનું રોકાણ કરી રહી છે. કેનેડાના કેટલાક શહેરોમાં (બ્રિટિશ કોલંબિયા અને સરે) આ ચળવળ વેગ પકડી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.