Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડ્રાઇવરની બેદરકારીથી સ્કૂલ બસના ટાયર નીચે કચડાઇને મોતને ભેટી ચોથા ધોરણમાં ભણતી માસુમ દિકરી

જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી સ્કૂલની બસ વિદ્યાર્થીઓને મુકવા માટે આવી ત્યારે બસમાંથી વિદ્યાર્થીની હજુ તો નીચે સરખી રીતે ઉતરે તે પહેલા જ ડ્રાઇવરે બસ હંકારી મુકતા બસની ઠોકર લાગતા વિદ્યાર્થીની નીચે પડી ગઈ અને તેના બસના...
ડ્રાઇવરની બેદરકારીથી સ્કૂલ બસના ટાયર નીચે કચડાઇને મોતને ભેટી ચોથા ધોરણમાં ભણતી માસુમ દિકરી

જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી સ્કૂલની બસ વિદ્યાર્થીઓને મુકવા માટે આવી ત્યારે બસમાંથી વિદ્યાર્થીની હજુ તો નીચે સરખી રીતે ઉતરે તે પહેલા જ ડ્રાઇવરે બસ હંકારી મુકતા બસની ઠોકર લાગતા વિદ્યાર્થીની નીચે પડી ગઈ અને તેના બસના આગલા અને પાછલા બંને ટાયરો ફરી વળતા વિદ્યાર્થીનીનું ચગદાઈ જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

Advertisement

આ રીતે બની ઘટના 

જેતપુર નજીક આવેલ ફરેળી ગામે શ્રી સહજાનંદ સંસ્કારધામ ટ્રસ્ટ સંચાલિત સ્વામિનારાયણ વિદ્યાપીઠ નામની સ્કૂલ આવેલી છે. આ સ્કૂલની બસ આજે સ્કૂલમાં બહારગામથી ઉપડાઉન કરતા વિદ્યાર્થીઓને તેઓના ગામ મુકવા માટે નીકળી હતી. જેમાં સ્કૂલથી પાંચ કિમી જેટલું દૂર આવેલા મોટાગુંદાળા ગામે વિદ્યાર્થીઓને મુકવા માટે સ્કૂલ બસ ગામના પાદરમાં જ આવેલી પટેલ સમાજની વાડી પાસે રાબેતા મુજબ ઉભી રખાઇ હતી. અને બસના ચાલક દ્વારા વિદ્યાર્થીઓ હજુ ઉતર્યા કે નથી ઉતર્યા તે જોયા જાણ્યા વગર તરત જ બસ હંકારી મૂકાઇ હતી અને તે સાથે સ્કૂલની એક વિદ્યાર્થીનીને બસના આગળના ભાગની ઠોકર લાગતા તે નીચે જમીન પર પડી જાય છે અને બસના આગલા અને પાછલા બંને ટાયરો તેણી પર ફરી હળતા હૈયું હચમચાવી નાખે તેવી કરુણાંતિકા વચ્ચે છાત્રાનું કરૂણ મૃત્યુ થયું હતું.

Advertisement

ઘટના બાદ ડ્રાઇવરે બાકી વિદ્યાર્થીઓને ધમકાવીને ખોટુ બોલવાનું કહ્યું 

Advertisement

ગામના મુખ્ય ચોકમાં જ બનાવ બનતા લોકો તરત જ અકસ્માત સ્થળે દોડી જઇ વિદ્યાર્થીને ઉભી કરે છે અને બાજુના ઓટલા ઉપર બેસાડવાની કોશિષ કરે છે પરંતુ આગલા અને પાછલા તોતિંગ ટાયરો હેઠળ ચગદાઈ જવાથી વિદ્યાર્થીનું તરત જ સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત વિશે ગામના યુવાન કિશન કોટડીયાએ જણાવેલ કે અકસ્માત ડ્રાઇવરની બેદરકારીને કારણે જ બન્યો છે અને ડ્રાઇવર અકસ્માત થયો તે સાથે બસની અંદર બેસેલ અન્ય વિદ્યાર્થીઓને ધમકાવવા લાગ્યો કે કોઈ પૂછે તો એમ કહેજો કે વિદ્યાર્થીનીને ચક્કર આવી ગયા એટલે પડી ગઈ અને બસ હેઠળ આવી ગઈ.


ફરેળીમાં ધોરણ ચારમાં અભ્યાસ કરતી હતી બાળકી 
અકસ્માત વિશે મૃતક વિદ્યાર્થીનીના કાકા અશોકભાઈએ જણાવ્યું કે તેમની ભત્રીજીનું નામ કેશવી અરવિંદભાઈ અભંગી ઉવ ૯ અને તેણી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેળીમાં ધોરણ ચારમાં અભ્યાસ કરતી હતી. અને આ બનાવ અંગે સ્કૂલની બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો હતો કે સ્કૂલ સંચાલકોએ બસમાં ક્લીનર એટલે ડ્રાઇવરને સૂચના આપે તેવો બીજો કોઈ કર્મચારી રાખેલ જ નથી. બનાવ બાદ તેમને ગામના સરપંચ ગોપાલભાઈનો ફોન આવેલો અને જેતપુરની સરકારી હોસ્પિટલે પહોંચવા કહ્યું હતું. બનાવથી સમસ્ત ગામમાં શોક ફેલાઈ ગયો છે.

તબીબ આકાશ ગેડિયાએ માનવતા મૂકી કોરાણે !

મૃતક વિદ્યાર્થીની કેશવીને તેણીના પરીવારજનો પીએમ માટે જેતપુર સરકારી હોસ્પીટલ લાવતા ફરજ પરના ડોકટર આકાશ ગેડિયાએ જણાવ્યું હતું કે તેને આ અકસ્માત જેવુ લાગતું નથી, શંકાસ્પદ મોત લાગે છે એટલે અહીં પીએમ નહીં થાય ફોરેન્સીક પીએમ કરાવો.અસંખ્ય લોકોની સામે અકસ્માત થયો અને સમગ્ર બનાવ પણ CCTV કેમેરામાં કેદ હોવા છતાં ડોકટરે આવી વાત કરતા પરીવારજનો ડોક્ટર સામે નારાજ થયા હતા

ધારાસભ્ય જયેશ રાદડિયાએ લીધો ડોક્ટરનો ઉધડો

મૃતકના પરિવારજનોએ ડોકટરની ફરીયાદ ધારાસભ્ય જયેશ રાદડિયાને કરતા ધારાસભ્ય હોસ્પીટલ પહોંચી ડોકટર પર તડાપીટ બોલાવી દીધી અને સુપ્રીમટેન્ડનો પણ ઉઘડો લઈ લીધો હતો. પોતાને ઘણા સમયથી ડોકટર વિરુદ્ધ ફરીયાદ મળી હતી કે કામ ન કરવાની નીતિને કારણે સામાન્ય મોતમાં પણ મોત પર શંકા દર્શાવી ફોરેન્સીક પીએમ રાજકોટનો જ અભિપ્રાય આપે છે. જેથી ડોકટર ગેડિયા વિરુદ્ધ વડી કચેરીમાં ફરજમાં બેદરકારીનો રીપોર્ટ કરવાનું હોસ્પીટલ અધિક્ષકને ધારાસભ્યએ સૂચના આપી હતી. ધારાસભ્યની દબંગગિરી બાદ ડોકટર મૃતક વિદ્યાર્થીનીનું પીએમ કરવા માટે તૈયાર થયા હતાં.

કામચોર તબીબો સામે ઉદાહરણરૂપ કાર્યવાહી થશે 

જયેશ રાદડિયાએ પત્રકારોને કહ્યું કે, આજે ગરીબ તેમજ મધ્યમ વર્ગના દર્દીઓ જ મોટે ભાગે સિવિલ હોસ્પિટલની સારવાર લેતા હોય છે અને સરકાર પણ સમયાંતરે આરોગ્ય લક્ષી સેવાઓ સુધારવા, પૂરી પાડવા અથાગ પ્રયત્નો કરે છે ત્યારે આવી સરકારી હોસ્પિટલના સંબંધિત ડોકટરો બેદરકારી દાખવે અને મોતનો મલાજો પણ ના જાળવે તેવી વર્તણૂક કોઈ સંજોગોમાં ન ચલાવવી લેવાય. એટલા માટે જ હોસ્પિટલે દોડી આવીને " અમારી ભાષામાં" ડો. ગેડીયા સાથે વાત કરાઇ હોવાનું જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, હોસ્પિટલમાં અવારનવાર બહારની દવાઓ લખીને દર્દીઓને હેરાન પરેશાન કરાવાતા હોવાની ફરિયાદો પણ વધી ગઈ છે. આ અંગે તાત્કાલિક તબીબોની ટીમ બનાવી, આરોગ્ય સેવાઓ સુધારવા અને કસૂરવાર કામચોર તબીબો સમક્ષ ઘડારૂપ પગલાં ભરાવવા તેઓ ઉચ્ચ આરોગ્ય તંત્રને જાણ કરશે.

મોટા ગુંદાળાના ગ્રામજનોમાં રોષ

મોટા ગુંદાળામાં આજે પટેલ સમાજની એક ટબુકડી દીકરીનો સ્કૂલ બસ દ્વારા ભોગ લેવા જતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ગામના અમુક જાગૃત યુવાનો તો ત્યાં સુધી બોલતા જોવા મળ્યા હતા કે જેતપુર સિવિલ હોસ્પિટલના ડૉક્ટર આકાશ ગેડીયાને પંચમહાલ ડિસ્ટ્રિક્ટના કોઈ ગોધરા, દાહોદ કે આદિવાસી વિસ્તારોમાં નોકરી પર મોકલી દો એટલે દર્દીઓ અને દર્દીઓના પરિવારજનો સાથે માનવતાહિન ફરજ બજાવે ત્યારે શું પરિણામ આવે તેની આ ડૉક્ટરને ખબર પડે.જેતપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. નીકીતા પડીયાએ કહ્યું કે ડો. આકાશ ગેડીયાની અગાઉ પણ પીએમ કરવામાં આનાકાનીની ફરિયાદ ઉઠી હતી. તે ખરેખર ગેરવાજબી છે. તેમના વિરુદ્ધ આરોગ્ય તંત્રની વડી કચેરી ફરિયાદ કરાશે અને કસૂરવાર સૌ સામે કોઈ પણ જાતની દયા ખવાશે અને નહિ અને સજા થાય તેવા પૂરતા પ્રયત્નો કરશે.

ડ્રાઇવરે કરી આ દલીલ
કુમળી વયની દીકરીનો ભોગ લેનાર ફરેણીની સ્કૂલના બસ ડ્રાઈવર વલ્લભે કહ્યું કે, આજે બપોરે મોટા ગુંદાળા ગામના લેઉઆ પટેલ સમાજની વાડી પાસે બસ ઊભી રાખતા તેમાંથી પ્રથમ ૨ દીકરા ઉતાર્યા હતા. અને પછી બે દીકરી ઉતાર્યા બાદ એકએ કહ્યું હતું કે બાપા જવા દો એટલે મે બસ ઉપાડી પણ આ દીકરી ટાયરમાં કેમ આવી ગઈ તેની ખબર નથી. જરા પણ શોક વ્યક્ત કર્યા વગર વૃદ્ધ ડ્રાઈવરે કરુણાંતિકાની વિગતો આપી બેઠો રહ્યો હતો. બીજીબાજુ ગામમાં અરેરાટી સાથે શોક વ્યાપ્યો છે.

Tags :
Advertisement

.