રક્ષાબંધન નિમિતે સરસ્વતી નદીના ઘાટ પર સેંકડો બ્રાહ્મણો દ્વારા સામુહિક રીતે જનોઇ બદલવામાં આવી
અહેવાલ--શક્તિસિંહ રાજપૂત, અંબાજી
શક્તિપીઠ અંબાજી દેશનું સૌથી મોટું શક્તિપીઠ છે. આ શક્તિપીઠ દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.અંબાજી નજીક સાત કિલોમીટર દૂર કોટેશ્વર ધામ આવેલ છે. અહી કોટેશ્વર મહાદેવનું પ્રાચીન અને પૌરાણિક મંદીર આવેલું છે. ભગવાન શિવનું આ મંદિર છે અહીં શ્રાવણ માસમાં શિવ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે આજે રક્ષાબંધનનો પર્વ હોઈ સરસ્વતી નદીના ઘાટ ઉપર પ્રથમ વખત સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા બ્રાહ્મણોની સામૂહિક જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો હાજર રહ્યા હતા.
શ્રાવણી ઉપકર્મ વર્ષમાં એક વખત આવે છે આ દિવસે જનોઈ બદલવામાં આવે છે.અહીથી સરસ્વતી નદી પહાડો માંથી નીકળીને આગળ વહે છે.સરસ્વતી કુંડ પર શાસ્ત્રોકત વિધિ વિધાનથી જનોઈ વિધિ યોજાઈ હતી.મોટી સંખ્યામાં ઋષિ કુમારો અને બ્રાહ્મણો જોડાયા હતા. કોટેશ્વર મહાદેવનું મંદિર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનું મંદિર છે અહીં વાલ્મિકી આશ્રમ પણ આવેલો છે. શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો અહીં દર્શન માટે આવે છે