ગૃહમંત્રીનો આદેશ, કહ્યું- RTOમાં અરજદાર યુવતીઓના નંબર નોંધવા નહીં
રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી મંગળવારે સવારે અચાનક સુરત પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગની કચેરીએ પહોંચી ગયાહતા. ગૃહમંત્રીના આવવાની ખબર સાંભડીને ઇન્ચાર્જ RTO આકાશ પટેલ સહિતના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. RTOની આકસ્મિક મુલાકાતે પહોંચેલા મંત્રીએ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર આવતી યુવતીઓના મોબાઈલ નંબરની નોંધણી રજિસ્ટરમાં નહીં કરવા આદેશ આપ્યો હતો. આ ઉપરાંત મંત્રીએ RTO કચેરીમાં એન્ટ્રી કરી ત્યારે ખુદ ઇન્ચાર્જ RTO ગેરહાજર હતા. હર્ષ સંઘવી 10.25 કલાકે કચેરીમાં પહોંચી ગયા હતા. જ્યારે ઇન્ચાર્જ RTO 10.30 કલાકની આસપાસ કચેરીએ પહોંચ્યા હતા.
ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર અરજદારોની ટેસ્ટ કેવી રીતે લેવામાં આવે છે, અને પાસ-નાપાસ કઈ રીતે કરવામાં આવે તે અંગે પણ ડિટેઈલમાં માહિતી મેળવી હતી. આ સમયે મંત્રીએ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર આવતા અરજદારોના મોબાઈલ નંબર સાથે રજિસ્ટ્રેશન કરાતું હોવાનું જોતાં તેઓએ ટેસ્ટ આપવા યુવતીઓના સલામતીને ધ્યાને લઈ તેઓના મોબાઈલ નંબર રજિસ્ટરમાં નહીં નોંધવા આદેશ આપ્યો હતો. રજિસ્ટર કોઈકના હાથે ચઢી જાય તો યુવતીઓના મોબાઈલ નંબરનો દૂર ઉપયોગ થઈ શકે તેમ હોવાથી પુરુષ અને મહિલાઓનું અલગ રજિસ્ટર મેન્ટેન કરવાની સાથે યુવતીઓના નંબર નહીં નોંધવા ફરમાન જારી કર્યુ હતું.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજ્યના વાહન વ્યવહાર વિભાગનો પણ હવાલો સંભાળે છે. ત્યારે વાહન વ્યવહાર મંત્રી મંગળવારે સવારે સુરત RTO કચેરીની મુલાકાતે પહોંચી ગયા હતા. તેઓ સીધા RTO અધિકારીની ચેમ્બરમાં ગયા હતા. જોકે, ઇન્ચાર્જ RTO આકાશ પટેલની ચેમ્બર ખાલી હોવાથી પટાવાળાને બોલાવી RTO અધિકારી દરરોજ ક્યારે આવે છે તે અંગે માહિતી મેળવી હતી. જોકે, મંત્રીના આગમનની પાંચ મિનિટમાં જ ઇન્ચાર્જ RTO કચેરીએ પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું. મંત્રી હર્ષ સંઘવીએ લાઈસન્સ બ્રાંચ, દંડ ભરવાની શાખા અને ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકની મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો : કૌભાંડની આશંકા, અંબાજી મંદિરમાં 139 ગાર્ડ પૈકી 48 ગાર્ડે બોગસ પ્રમાણત્રથી નોકરી મેળવી!