Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હી NCRના એક કમર્શિયલ કૉમ્પ્લેક્સમાં ભટકતો બાળકીનો પ્રેતાત્મા!

એ ભયંકર વરસાદી રાત હતી. આકાશમાં ગાજવીજ સાથે કરા જેવડાં બૂંદો ધોધમાર વરસી રહ્યા હતાં. વરસાદનો અવાજ એટલો તીવ્ર હતો કે ટ્રાફિકથી ગીચોગીચ ભરાયેલાં દિલ્હીના રસ્તાઓ પર વાગતાં હૉર્ન સુદ્ધાં સંભળાઈ નહોતાં રહ્યા. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવાની જાહેરાતથી આખું દિલ્હી જશ્ન મનાવવામાં મશગુલ હતું! દેશમાં ઘણા સમય બાદ ભાજપને કેન્દ્રમાં બહુમતિ મળી હતી.આ બધાંથી અલિપ્ત પોતાની ડેડલાઇન પૂરી કà
દિલ્હી ncrના એક કમર્શિયલ કૉમ્પ્લેક્સમાં ભટકતો બાળકીનો પ્રેતાત્મા

એ ભયંકર વરસાદી રાત હતી. આકાશમાં ગાજવીજ સાથે કરા જેવડાં બૂંદો ધોધમાર વરસી રહ્યા હતાં. વરસાદનો અવાજ એટલો તીવ્ર હતો કે ટ્રાફિકથી ગીચોગીચ ભરાયેલાં દિલ્હીના રસ્તાઓ પર વાગતાં હૉર્ન સુદ્ધાં સંભળાઈ નહોતાં રહ્યા. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવાની જાહેરાતથી આખું દિલ્હી જશ્ન મનાવવામાં મશગુલ હતું! દેશમાં ઘણા સમય બાદ ભાજપને કેન્દ્રમાં બહુમતિ મળી હતી.

Advertisement

આ બધાંથી અલિપ્ત પોતાની ડેડલાઇન પૂરી કરીને ઘરે જવા માંગતાં રવિકાંતે મોડી રાતે ૧૧ માળની ઑફિસના પાર્કિંગમાં પગ મૂક્યો. પાછલી ઘણી રાતોથી તેને ઘરે જવામાં ત્રણેક વાગી જતાં હતાં. સૌથી છેલ્લે જ્યારે તે ઘરે જતો, ત્યારે પાર્કિંગમાં એકાદ-બે ગાડી સિવાય સર્વત્ર સૂનકાર વ્યાપ્ત રહેતો. સીસીટીવી કેમેરાની ડાબેથી જમણે ભમ્યે રાખવાની હરકત સિવાય બીજો કશો અવાજ સાંભળવા ન મળતો!

Advertisement

રવિકાંત ધીમા ડગલે ચાલીને પોતાની કાર પાસે પહોંચ્યો. તેની ચાલમાં થાક સાફ સાફ દેખાઈ આવતો હતો. સતત લેપટૉપની સામે બેસીને સૂઝી ગયેલી આંખો, એની નીચેના કાળા કુંડાળા, કપાળ પરની આછી કરચલીઓ દર્શાવતી હતી કે પાછલાં કેટલાક દિવસોથી તેને પૂરતી ઊંઘ મળી નથી!

‘અંકલ...’ રવિકાંત જેવો કારનો દરવાજો ખોલવા ગયો કે તરત તેને એક નાની બાળકીનો અવાજ સંભળાયો.

Advertisement

તેણે નજર ફેરવી! આજુબાજુમાં તો છોડો, આખા પાર્કિંગમાં કોઈ દેખાતું નહોતું! સિક્યોરિટી ગાર્ડ પણ કદાચ ચા-પાણી પીવા ચાલ્યો ગયો હતો.

રવિકાંતના બરડા પર પરસેવાની એક પાતળી ધાર નીતરી આવી. જોકે, તેણે બીજી જ ઘડીએ પોતાની જાત પર કાબુ મેળવી લીધો.

મનનો વહેમ હશે... અથવા તો થાકને કારણે ભ્રમ થયો હશે! એવું વિચારીને તેણે પોતાની કારનો દરવાજો ખોલ્યો અને ડ્રાઇવિંગ-સીટ પર ગોઠવાઈ ગયો!

ગાડી સ્ટાર્ટ કરવા માટે તેણે જેવી ચાવી ઘુમાવી કે તરત આછી ઘરઘરાટી સાથે કારમાં ધ્રુજારી અનુભવાઈ, પરંતુ કાર શરૂ ન થઈ. રવિકાંત થોડો અકળાઈ ગયો. એક તો ૧૬ કલાક કામ કરીને તેનું શરીર જવાબ દઈ ચૂક્યું હતું અને બીજું એ કે સવારે ૯ વાગ્યે ફરી તેને ઑફિસ આવીને કામે વળગી જવાનું હતું! રખેને ક્યાંક કારે ધંધે લગાડ્યા તો?

તેણે જોરથી સ્ટિયરિંગ પર મુઠ્ઠી મારી! અનાયાસે બેક-મિરર પર નજર જતાંની સાથે જ તેની આંખો ફાટી ગઈ!

પાછળની સીટ પર એક બાળકી પોતાના હાથમાં ઢીંગલી લઈને બેઠી હતી. ઢીંગલીનો દેખાવ પણ કાળોમેશ! ડાબા હાથમાં ઢીંગલીનું ધડ અને જમણાં હાથમાં તેનું માથું!

‘અંકલ...’ બાળકીએ ખડખડાટ હસતાં પૂછ્યું, ‘મારી સાથે રમશો ને?’ તેના અવાજમાં ભયાવહતા હતી. દૂરની કોઈક ગુફામાંથી પડઘાતો હોય, એવો આ અવાજ સાંભળીને કાચા હ્રદયની વ્યક્તિ તો છળી જ મરે!

ડોકને ઝાટકો મારીને રવિકાંતે બેક-સીટ પર નજર કરી, પણ ત્યાં તો કોઈ નહોતું! તેણે ફરી બેક-મિરરમાં નજર કરી. બાળકીના પ્રતિબિંબનું અત્યારે કોઈ નામોનિશાન નહોતું.

‘અંકલ...’ રવિકાંતને લાગ્યું કે આજ વખતે બાળકી તેના કાનમાં આવીને ગણગણી રહી છે, ‘તમે જવાબ ન આપ્યો?’

હવે રવિકાંતની હાલત ખરાબ થઈ ચૂકી હતી! તેને ભરોસો બેસી ગયો કે અહીંયા નક્કી કંઈક ગરબડ છે! કપાળ પરથી નીતરી રહેલાં પરસેવાના ટીપાં અને વધી ગયેલી હ્રદયની ધડકનોને અવગણીને તેણે કાર ચાલુ કરવા માટે ચાવી ઘુમાવ્યે રાખી અને ત્રીજા-ચોથા પ્રયાસમાં કારનું એન્જિન ધણધણી ઉઠ્યું.

રવિકાંતે રિવર્સ લઈને કાર સીધી પાર્કિંગના એક્ઝિટ-ગેટ તરફ હંકારી મૂકી!

આ અનુભવ પછી રવિકાંતે ઑફિસના માલિક અને બિઝનેસમેન સુમિત કક્કરને આખી ઘટના સવિસ્તાર જણાવી. સુમિત કક્કર ખાસ્સાં વર્ષોથી રિયલ એસ્ટેટના ધંધામાં સક્રિય હતો. રવિકાંતની વાત સાંભળીને તેનો ચહેરો ધોળી પૂણી જેવો થઈ ગયો. તેને આશ્ચર્ય અથવા અવિશ્વાસ નહોતો કદાચ..! કારણકે પાછલાં થોડા સમયથી કૉમ્પ્લેક્સના ઘણા એમ્પ્લૉય દ્વારા તેને આ પ્રકારની ફરિયાદો વારંવાર સાંભળવા મળી હતી.

સુમિતે બીજી જ મિનિટે ‘ઇન્ડિયન પેરાનૉર્મલ સોસાયટી’ના ફાઉન્ડર ગૌરવ તિવારીને ફોન લગાડ્યો અને સમગ્ર ઘટના અંગે જાણ કરી.

પછીની મોડી રાતે, પોતાની ટીમ સાથે આવી ચૂકેલાં ગૌરવે પણ પાર્કિંગમાં બાળકીના હસવાનો અને દોડતાં હોવાનો અવાજ સાંભળ્યો. ગૌરવને તરત જ ખ્યાલ આવી ગયો કે દાળમાં કંઈક કાળું છે. તેણે બાળકીની આત્માને કહ્યું, ‘તું ઈચ્છતી હોય કે અમે અહીંથી જતાં રહીએ તો કંઈક સંકેત આપ!’

એ જ સમયે, પાર્કિંગમાં ક્યાંકથી ઢીંગલી આવી પડી!

‘અચ્છા... તો તું ઈચ્છે કે અમે જતાં રહીએ!’ ગૌરવે માર્મિક સ્મિત સાથે કહ્યું, ‘પણ એક શરતે! જો તું હવે પછી કૉમ્પ્લેક્સના લોકોને ડરાવીશ નહીં, તો અને તો જ અમે અહીંથી જઈશું. વચન આપ! નહીંતર અત્યારે જ તને ભગાડવા માટે હું મંત્રોચ્ચાર શરૂ કરી દઈશ.’

આ આખી ઘટના પાર્કિંગના સીસીટીવી કેમેરામાં અને ગૌરવના કેમેરામાં રેકૉર્ડ થઈ રહી હતી.

ઢીંગલી આજ વખતે જરા પણ ન હલી! ગૌરવે જે શરત મૂકી, એ માનવા માટે આત્મા રાજી ન હતી, એ સ્પષ્ટ થઈ ચૂક્યું હતું.

‘રાજ, પવિત્ર જળ આપ!’ ગૌરવે પોતાના સહ-કર્મચારીને આદેશ આપતાં કહ્યું.

જેવો તે હાથમાં પાણીની અંજલિ ભરીને ઢીંગલી પર છંટકાવ કરવા જાય એ પહેલાં ઢીંગલી સહેજ સળવળી! ગૌરવને ખબર પડી ગઈ કે બાળકી સોદો કરવા તૈયાર છે! ત્યાં જ ઉચ્ચ-તીવ્રતા ધરાવતો અવાજ EMF મીટરમાં કેદ થયો. રાજ દ્વારા તેને ડિકોડ કર્યા બાદ ખ્યાલ આવ્યો કે આત્મા તેમને કશુંક કહેવા માંગતી હતી.

‘આ મારું ઘર છે, હું અહીંથી નહીં જાઉં!’ આત્માએ કહ્યું હતું.

‘આ તારું ઘર હતું!’ ગૌરવે પણ જરા પણ નમતું જોખ્યા વગર મક્કમ સ્વરે કહ્યું, ‘હવે નથી!’ ચાલી જા અહીંથી ચૂપચાપ.’

અને, બીજી જ ઘડીએ ઢીંગલી સહેજ સળવળીને સ્થિર થઈ ગઈ. ગૌરવને ખબર પડી ગઈ કે પાર્કિંગમાં હવે કોઈ અગોચર આત્માની હાજરી નથી રહી.

બસ, એ દિવસથી ત્યાંના કર્મચારીઓને બાળકીનો આત્મા દેખાવાનો બંધ થઈ ગયો, પરંતુ હજુ પણ વર્ષમાં એકાદ-બે વખત બાળકીની આત્માને પોતાની હાજરી દર્શાવવાની ઈચ્છા થાય, ત્યારે તે કોઈકના કાનમાં આવીને કહી જાય છે,

‘અંકલ... તમે મારી સાથે રમશો?’

bhattparakh@yahoo.com

Tags :
Advertisement

.