Surendranagar: રાજસ્થાનથી સુરેન્દ્રનગરમાં આવી રહ્યો છે ધૂમ ઝડપે ઇંગ્લિશ દારૂ! છતાં સ્થાનિક પોલીસ મૌન
Surendranagar: સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે સહિત મુખ્ય માર્ગો પરથી મોટાપાયે ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટિંગ થતુ હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર (Surendranagar) જીલ્લા પોલીસની મીલીભગત અને રહેમ નજર હેઠળ દસાડા સહિત લીંબડી હાઇવે પરથી મોટાપાયે ઇંગ્લિશ દારૂ જીલ્લામાં ઘુસાડવામાં આવતો હોવાનું સામે આવ્યુ છે. આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર (Surendranagar) જીલ્લા પોલીસની કામગીરી સતત શંકાના દાયરામાં રહેલી છે. જેમાં જીલ્લામાં કાર, ટ્રક સહિતના વાહનો મારફતે રાજસ્થાન તરફથી બૂટલેગરો દ્વારા મોટાપાયે ઇંગ્લિશ દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે. જેની બાતમી સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ કે જે તે હદમાં આવતા પોલીસ અધિકારીઓને હોવા છતાં ક્યારેય કોઈ જ કામગીરી કરવામાં આવી નથી.
વર્ષોથી ચાલે છે ઇંગ્લિશ દારૂ ઘુસાડવાનું મોટું નેટવર્ક
નાની મોટી રજૂઆતોને પગલે પોલીસ દ્રારા દેખાવ પૂરતી ઇંગ્લિશ દારૂની નાની રેડ કરી પ્રોહિબિશનના કેસ કરવામાં આવે છે પરંતુ મોટાપાયે થી ઇંગ્લિશ દારૂની હેરાફેરી અને કટિંગ સામે જીલ્લા પોલીસ દ્વારા ક્યારેય રેઇડ કરવામાં આવતી નથી. સુરેન્દ્રનગર જીલ્લામાં રાજસ્થાનથી ઇંગ્લિશ દારૂ ઘુસાડવાનું મોટું નેટવર્ક વર્ષોથી ચાલી રહ્યું છે છતાં જીલ્લાની પોલીસ ફીફા ખાંડી રહી હોય તેમ લાગી રહ્યું છે. રાજસ્થાન થી બનાસકાંઠા થઈ સુરેન્દ્રનગર જીલ્લામાં ઇંગ્લિશ દારૂ ઘુસાડવાની રીતસરની લાઈન ચાલી રહી છે. રાજસ્થાનથી બનાસકાંઠા અને ત્યાંથી સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા હાઇવે પર થી અલગ અલગ જગ્યાએ ઇંગ્લિશ દારૂ પહોચાડવામાં આવતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દરરોજની અંદાજે 30 થી વધુ ગાડીઓ રાજસ્થાનથી ઇંગ્લિશ દારૂ ભરી સુરેન્દ્રનગર (Surendranagar) જીલ્લામાં આવતી હોવાનુ પણ જાણવા મળી રહ્યું છે.
રૂપિયા 20,000 થી 25,000 સુધીનો હપ્તો લેતા હોવાની ચર્ચા
સુરેન્દ્રનગર જીલ્લામાં રાજસ્થાન તરફ થી મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ લાવવામાં આવતો હોવા છતાં જીલ્લા પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા વારંવાર રેઇડ કરવામાં આવતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સુરેન્દ્રનગર જીલ્લાના અલગ અલગ તાલુકાઓમાં રેડ કરી મોટાપાયે લાખોની કિંમતનો ઇંગ્લિશ દારૂ સહિતનો મુદ્દામાલ અને આરોપીઓને ઝડપી પાડયા છે. છતાંય સુરેન્દ્રનગર જીલ્લા પોલીસની રહેમ નજર અને હપ્તાખોરીના કારણે ઇંગ્લિશ દારૂની હેરાફેરી બંધ થતી નથી અને બૂટલેગરોને મોકળું મેદાન મળી રહ્યું છે. એક કાર દીઠ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અંદાજે રૂપિયા 20,000 થી25,000 સુધીનો હપ્તો લેતા હોવાનુ પણ ચર્ચાઈ રહ્યું છે.
08 આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી
તાજેતરમાં ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દસાડા-પાટડી હાઇવે પરથી કઠાડા ગામના પાટિયા પાસેથી ઇંગ્લિશ દારૂની 543 બોટલો કિંમત રૂ.2.17 લાખ, 02 કાર કિંમત રૂ.12 લાખ, 03 મોબાઈલ, રોકડ સહિત ફૂલ રૂ.14.34 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ શખ્શોને ઝડપી પાડી કુલ 08 શખ્શો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરેન્દ્રનગર (Surendranagar) જીલ્લામાં ઇંગ્લિશ દારૂ ઘુસાડવાની લાઈન અને મોટું નેટવર્ક ચાલતુ હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કામગીરી કરવામાં નહિ આવતા જીલ્લા પોલીસ વડા આ સમગ્ર બાબત થી અજાણ છે કે પછી તેમના સુધી પણ ઇંગ્લિશ દારૂની હેરાફેરીના હપ્તા પહોંચતા હોવાનુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
પોલીસ કર્મચારીઓની પણ સંડોવણી હોવાની ભારે ચર્ચા
રાજસ્થાન થી ઇંગ્લિશ દારૂ ઘુસાડવાની આ લાઈનમાં સુરેન્દ્રનગર એલસીબી વિભાગ સહિત અમુક પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની પણ સંડોવણી હોવાનુ ચર્ચાઈ રહ્યું છે. ઘણા લાંબા સમયથી ચાલી રહેલ ઇંગ્લિશ દારૂની હેરાફેરીના આ રેકેટ અંગે ઉચ્ચ કક્ષાએથી કડક અને નિષ્પક્ષ રીતે તપાસ હાથ ધરવામાં આવે તો સુરેન્દ્રનગર જીલ્લાના અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના નામો પણ બહાર આવી શકે તેમ છે.