EK Ped Maa ke Naam : PM મોદી પ્રેરિત અભિયાન હેઠળ સપ્ટેમ્બર સુધીમાં 12.20 કરોડ વૃક્ષોનું વાવેતર કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથે ગ્લોબલ વોર્મિંગનાં પડકારો સામે તારણોપાય તરીકે મોટા પાયે વૃક્ષો વાવવા ‘એક પેડ માં કે નામ’ (EK Ped Maa ke Naam) અભિયાન દેશભરમાં શરૂ કરાવ્યું છે. તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસ, પાંચમી જૂને વડાપ્રધાન એ આ અભિયાન શરૂ કરાવીને ભારતનાં અને વિશ્વભરનાં લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલીરૂપે એક વૃક્ષ વાવવાની પ્રેરણા આપી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં (PM Narendra Modi) આ પર્યાવરણ પ્રિય વિચારોને આત્મસાત કરીને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ તથા ગ્રીન કવરની વૃદ્ધિ માટે ગુજરાતમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાનને જનઆંદોલન સ્વરૂપે વિસ્તારવાનો નિર્ધાર કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યનાં વન વિભાગ (State Forest Department) દ્વારા આ રાજ્યવ્યાપી અભિયાનને વધુ વેગવંતુ બનાવવાનાં આયોજનને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને આખરી ઓપ આપ્યો હતો. અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા પણ આ અભિયાન અન્વયે ‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ અંતર્ગત 100 દિવસમાં 30 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ સંદર્ભમાં ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત આગામી સપ્ટેમ્બર-2024 સુધીમાં સમગ્ર રાજ્યમાં 12.20 કરોડ વૃક્ષો વાવવાનો અને માર્ચ-2025 સુધીમાં કુલ મળીને 17 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સમક્ષ આ બેઠકમાં વન વિભાગ તરફથી થયેલા વૃક્ષ વાવેતરની વિગતો આપતાં જણાવવામાં આવ્યું હતું કે, ભારત સરકારના ‘મેરી લાઇફ’ પોર્ટલ પર દેશભરનાં રાજ્યોમાં વૃક્ષ વાવેતરની જે વિગતો નોંધાયેલી છે તે મુજબ અત્યાર સુધીમાં ગુજરાતે 4 કરોડ 3 લાખ 33 હજાર વૃક્ષો 33 જિલ્લાઓમાં વાવીને સમગ્ર દેશમાં બીજું સ્થાન મેળવ્યું છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલ ‘એક પેડ માં કે નામ’ અભિયાનને ગુજરાતમાં વધુ વેગવંતું બનાવવાના ઉદ્દેશ્ય સાથે આજે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આ માટેના આયોજનને આખરી ઓપ આપ્યો.
આ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર-૨૦૨૪ સુધીમાં સમગ્ર રાજ્યમાં ૧૨.૨૦ કરોડ વૃક્ષો વાવવાનો… pic.twitter.com/lifEflgI8U
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 22, 2024
રાજ્યમાં યોજાનારા 75 માં વન મહોત્સવ દરમિયાન પણ ‘એક પેડ માં કે નામ’ (EK Ped Maa ke Naam) અભિયાનને તાલુકા, ગ્રામ્ય સ્તરનાં વન મહોત્સવો સુધી વિસ્તારવામાં આવશે અને સમગ્રતયા 10.50 કરોડ રોપાઓનું વિતરણ કરાશે એમ પણ આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પર્યાવરણ અનુકૂલન જીવનશૈલી ‘મિશન લાઈફ’ માટેની પણ પ્રેરણા આપી છે. રાજ્યનાં શહેરી વિસ્તારોમાં પણ આ પર્યાવરણપ્રિય વિચારોને આગળ ધપાવતાં અમદાવાદ મહાપાલિકાએ ‘એક પેડ માં કે નામ’ (EK Ped Maa ke Naam) અંતર્ગત ‘મિશન થ્રી મિલિયન ટ્ર્રીઝ’નું બહુઆયામી આયોજન કર્યું છે.
100 દિવસમાં 30 લાખ વૃક્ષ વાવેતરનો આ નવતર અભિગમ અમદાવાદ મહાનગરપાલિકાએ શરૂ કર્યો છે. મહાનગરના 48 વોર્ડ્સ, 7 ઝોન મળીને અંદાજે 15 થી 20 લાખ સ્ક્વેર મીટર વિસ્તારમાં આ વૃક્ષો વાવવાનું આયોજન છે. આ વૃક્ષોનું વાવેતર થતાં અમદાવાદ નગરના હાલના ગ્રીન કવરમાં 6 થી 8 ટકાનો વધારો થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) અમદાવાદ મહાનગરમાં બાગ-બગીચા, તળાવો, મહાનગરપાલિકાની માલિકીના પાર્ટીપ્લોટ, બિલ્ડિંગ, શાળા સંકૂલો, રોડ સાઈડ પ્લાન્ટેશન તેમ જ મિયાંવાકી પદ્ધતિથી વૃક્ષ વાવેતર વગેરેમાં મોટાપાયે જન ભાગીદારી જોડવા પણ બેઠકમાં સૂચનો કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દરેક અભિયાનમાં જેમ ગુજરાત અગ્રેસર રહ્યું છે તેમ ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં પણ વધુને વધુ વૃક્ષો વાવીને અગ્રેસર રહે તેવા સુદ્રઢ આયોજન માટે વન વિભાગ સહિતનાં સંબંધિત વિભાગોને મુખ્યમંત્રીએ દિશાનિર્દેશો આપ્યા હતા. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીનાં અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, અગ્ર સચિવઓ, મોના ખંધાર, અશ્વિની કુમાર, સંજીવ કુમાર, મુખ્યમંત્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ સહિત વન વિભાગના તથા અમદાવાદ મહાનગરપાલિકાના વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા હતા.
આ પણ વાંચો - પોલીસ ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે મહત્ત્વની ખબર! Hasmukh Patel એ આપી અપડેટ
આ પણ વાંચો - Rajkot : 24 વર્ષ જૂનાં અપહરણ-એન્કાઉન્ટર કેસમાં IPS સુભાષ ત્રિવેદી, એ.કે. શર્માનું લેવાશે નિવદેન
આ પણ વાંચો - Banaskantha : 'વડાપ્રધાન સિનિયર કાર્યકર્તાઓને બંગલો ગિફ્ટ આપશે..!' BJP જિ. પં. પૂર્વ પ્રમુખને આવ્યો ફોન અને પછી..!