Rajkot: નગરપાલિકા કરતા પણ શાળા સંચાલકો પાસે વધારે સત્તા? સીલ હોવા છતાં શિક્ષણકાર્ય ચાલુ
Rajkot: રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલી શૈક્ષણિક શાળામાં ગેરરીતિ સામે આવી છે. મળતી જાણકારી પ્રમાણે ધોરાજી રાજકુમાર સ્કૂલ (Rajkumar School Dhoraji) પરમિશન વગર ધમધમતા હોવાથી નગરપાલિકા (Rajkot Municipality) દ્વારા સીલ મારવામાં આવ્યુ હતું. પરંતુ જયારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા ત્યા તપાસ શરૂ કરવામાં આવી ત્યારે કંઈક અલગ જ વિગતો સામે આવી છે. જ્યારે અમારી ચેનલ ત્યા પહોંચી તો જાણવા મળ્યું કે, શાળાને સીલ માર્યું હોવા છતાં પણ શિક્ષણકાર્ય ધમધમતું જોવા મળ્યું હતું. જયારે મીડિયા પહોંચ્યું હોવાની જાણ થતા સ્કૂલના સંચાલકો તેમજ આચાર્યે વિદ્યાર્થીઓને પાછળના દરવાજે ખેતરમાંથી ભગાડ્તા હતા.
શાળાની મનમાનીના કારણે વિદ્યાર્થીઓને હેરાન થવું પડ્યું
નોંધનીય છે કે, બાળકોને શાળાની પાછળના ભાગથી ખેતરમાં લઇ જવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ વાલીઓને બોલાવીને વિદ્યાર્થીઓને ઘરે મોકલવામાં આવ્યા. મૂળ વાત તો એ છે કે, શિક્ષકો પણ પોતાની બાઈક પર ઘરે મુકવા જતા નજરે પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અહીં શાળાની બેદરકારી અને મનમાનીના કારણે વિદ્યાર્થીઓને હેરાન થવું પડ્યું હતું. જયારે આ બાબતે શિક્ષકોને સવાલ કરવામાં આવ્યો ત્યારે મીડિયા સામે બોલવામાં મૌન સેવ્યુ હતું. શિક્ષકોએ મૌન સેવ્યું તો શાળાના આચાર્ય તો મીડિયા પર ભડકી ઉઠ્યા હતા. માડિયા પર ભડકતા શાળાના આચાર્યે પોતાનું સ્કૂલનું ન વિચારતા અન્ય સ્કૂલમાં બિયું સર્ટિફિકેટ અને એનઓસી ચેક કરવાનું કહ્યું હતું. નોંધનીય છે કે, ખુદ પાસે બિયું ન હોવાનું પણ સ્વીકાર્યું હતું.
શાળા સંચાલકોએ સરકારના આદેશના ઉલાળીયો કર્યો
અહીં સવાલ એ થઈ રહ્યો છે કે, રાજકુમાર સ્કૂલમાં તંત્ર દ્વારા સીલ મારવામાં આવ્યા બાદ પણ શિક્ષણ કાર્ય ચાલુ રાખી શાળા સંચાલકોએ સરકારના આદેશના ઉલાળીયો કર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, અહીં શાળાના સંચાલકો સાથે નગરપાલિકાના અધિકારીઓની પણ મીલીભગત સામે આવી છે. કારણ કે, મીડિયા જયારે સ્કૂલે પહોંચવાનું હતું ત્યારે નગરપાલિકાના જ કર્મચારીઓ જ ફોન કરીને જાણ કરી હતી. નોંધનીય છે કે, માત્ર થોડા પૈસા માટે તંત્ર અને સ્કૂલ સંચાલકોની સાઠગાંઠ પણ સામે આવી છે.
જે કામ તંત્રએ કરવાનું હોય તે મીડિયાએ કરી બતાવ્યું
તમને જણાવી દઇએ કે, ધોરાજીની હિરપરાવાડીમાં આવે રાજકુમાર સ્કૂલમાં બિયું સર્ટિફિકેટ મુદ્દે તંત્ર દ્વારા સીલ મારવામાં આવ્યું છતાં પણ બીજે દિવસે શાળા સંચાલકો દ્વારા શિક્ષણકાર્ય ચાલુ રાખવામાં આવ્યાનું મીડિયાને ધ્યાને આવ્યું હતું. નોંધનીય છે કે, અત્યારે ગરેરીતિ મામલે શાળા સંચાલકો સામે મીડિયાએ આકરા સવાલો કર્યા છે. વાસ્તવમાં જે કામ તંત્રએ કરવાનું હોય તે કામ અત્યારે ધોરાજીમાં મીડિયાએ કરીને શિક્ષણકાર્ય બંધ કરાવ્યું છે. જેથી સ્થાનિક આગેવાનોએ મીડિયાનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા. એક તરફ જયારે તંત્ર દ્વારા સ્કૂલ સીલ કરવામાં આવે છે તો બીજા દિવસે જ સ્કૂલમાં શિક્ષણ કાર્ય સીલ હોવા છતાં શિક્ષણકાર્ય શરુ કરવામાં આવતા જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે.