Dhaka : બાંગ્લાદેશમાં ભારત વિરોધી વલણ વધ્યું, શરૂ થઈ પરમાણુ હથિયારની ચર્ચા
- શેખ હસીનાની સરકારના પતન બાદ બાંગ્લાદેશમાં વિવાદાસ્પદ નિવેદનો વધ્યા
- ઢાકા યુનિવર્સિટીના પ્રોફેસરે પાકિસ્તાન સાથે પરમાણુ સંધી કરવાની વાત કરી
- પ્રોફેસરના નિવેદને બાંગ્લાદેશમાં ભારત વિરોધી વલણ વધાર્યું
- નિષ્ણાતોના મતે આ પ્રકારના નિવેદનો બાંગ્લાદેશ અને ભારતના સંબંધોને ખરાબ કરી શકે છે
Dhaka : શેખ હસીનાની સરકારના પતન બાદ બાંગ્લાદેશમાં વિવાદાસ્પદ નિવેદનો અને કાર્યવાહીઓનો સિલસિલો લાગે છે કે અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં ઢાકા યુનિવર્સિટીના એક પ્રોફેસર (professor of Dhaka University) ના નિવેદને બાંગ્લાદેશ અને ભારતના સંબંધોને લઈને નવી ચર્ચા જગાવી છે. ઢાકા યુનિવર્સિટીમાં એક સેમિનાર દરમિયાન પ્રોફેસર શાહિદુઝમાને બાંગ્લાદેશ માટે પરમાણુ હથિયારો વિશે વાત કરી અને ભારતને મોટો ખતરો ગણાવ્યો. તેમણે કહ્યું કે, "પાકિસ્તાન સાથે આપણે પરમાણુ સંધી કરવી પડશે. પાકિસ્તાન બાંગ્લાદેશનું સૌથી વિશ્વસનીય અને ભરોસાપાત્ર સુરક્ષા સહયોગી છે. આ તે વાત છે જેના પર ભારતીયો નથી ઈચ્છતા કે આપણે તે વાતમાં વિશ્વાસ કરીએ."
બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધોને થઇ શકે છે અસર
પ્રોફેસરના આ નિવેદનને લઈને બાંગ્લાદેશમાં ભારત વિરોધી વલણ વધી રહ્યું હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રકારના નિવેદનો બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધોને ખરાબ કરી શકે છે. જણાવી દઇએ કે, ઢાકા યુનિવર્સિટીના પ્રોફેસર શાહિદુઝમાને (Dhaka University Professor Shahiduzman) ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપીને બાંગ્લાદેશ અને ભારતના સંબંધોમાં તણાવ વધાર્યો છે. પ્રોફેસરે દાવો કર્યો છે કે ભારતની આક્રમકતાનો સામનો કરવા માટે બાંગ્લાદેશે પાકિસ્તાન સાથે પરમાણુ સંધી કરવી જોઈએ. પ્રોફેસરે કહ્યું કે, "ભારતની આદતપૂર્ણ ધારણાને બદલવા માટે, સાચો જવાબ એ હશે કે આપણે પરમાણુ સક્ષમ બનીએ, બાંગ્લાદેશને અણુશસ્ત્ર બનાવીએ. પરમાણુ સક્ષમ હોવાનો અર્થ એ નથી કે "આપણે ન્યૂક્લિયર પાવર બની જવું જોઈએ. પરમાણુ સક્ષમ બનીને, અર્થ છે કે આપણે આપણા પૂર્વ હરીફ પાકિસ્તાન સાથે પરમાણુ સંધી કરવી જોઈએ." તેમણે આગળ કહ્યું કે પાકિસ્તાનની ટેકનિકલ મદદ વિના ભારતને રોકી શકાય નહીં અને પાકિસ્તાન હંમેશા બાંગ્લાદેશનું સૌથી વિશ્વસનીય સુરક્ષા ભાગીદાર રહ્યું છે. પ્રોફેસરના આ નિવેદને બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ વધારવાની સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા વ્યક્ત કરી છે.
BANGLADESH: Professor Shahiduzzaman of Dhaka University wants a Nuclear Treaty with Pakistan to counter India. pic.twitter.com/oAO7ksyKcw
— Sensei Kraken Zero (@YearOfTheKraken) September 15, 2024
પાકિસ્તાન બાંગ્લાદેશને ભારતથી બચાવવા માટે કોઈ પણ હદે જવા તૈયાર
પ્રોફેસર શાહિદુઝમાને તાજેતરમાં સંબોધન આપતાં કહ્યું કે પાકિસ્તાનના લોકો બાંગ્લાદેશની ઈર્ષા કરે છે. તેઓ નથી ઈચ્છતા કે બાંગ્લાદેશ કોઈ માફી માંગે, પરંતુ તે પણ નથી ઈચ્છતા કે બાંગ્લાદેશ ભારત સાથે જોડાઈ રહે. શાહિદુઝમાને જણાવ્યું કે પાકિસ્તાન બાંગ્લાદેશને ભારતથી બચાવવા માટે કોઈ પણ હદે જવા તૈયાર છે. તેમણે આ પછી એ પણ ઉલ્લેખ કર્યો કે, બાંગ્લાદેશ પાકિસ્તાન પાસેથી પરમાણુ મિસાઈલો મેળવી, તેને ભારતીય સરહદો પર તૈનાત કરવાનું વિચારી રહ્યું છે. પ્રોફેસરે ઉત્તર બંગાળ અને ચટગાંવ હિલ ટ્રેક્ટ્સમાં પાકિસ્તાનની ગૌરી શોર્ટ રેન્જ મિસાઈલો તૈનાત કરવાની વાત કરી, જેનો ઉદ્દેશ્ય ભારત માટે સમસ્યાઓ ઊભી કરવાનો છે. શાહિદુઝમાને એવો આરોપ પણ લગાવ્યો કે ભારત બાંગ્લાદેશના કેટલાક ભાગો પર કબજો કરીને તેને પોતાના પૂર્વોત્તર રાજ્યોમાં જોડવા માંગે છે. આ સંધીને રોકવા માટે બાંગ્લાદેશને પરમાણુ મિસાઇલો અને પાકિસ્તાનની મદદની જરૂરિયાત છે.
પાકિસ્તાન - બાંગ્લાદેશના સંબંધો અને મિસાઇલોનો ઉપયોગ
પ્રોફેસર શાહિદુઝમાનના સંબોધનમાં તેમણે પાકિસ્તાનને બાંગ્લાદેશનો "વિશ્વસનીય સુરક્ષા ભાગીદાર" ગણાવ્યો, જ્યારે ભારતને "મોટું જોખમ" તરીકે વર્ણવ્યું. તેમણે કહ્યું કે પાકિસ્તાન બાંગ્લાદેશની સુરક્ષા માટે અનિવાર્ય છે અને બાંગ્લાદેશને ભારત સામે સુરક્ષા આપવા માટે પાકિસ્તાની મિસાઇલોની તૈનાતી જરૂરી છે. બીજી તરફ, બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા, ડો. મોહમ્મદ યુનુસ, પાડોશી દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવવા પર ભાર મૂકી રહ્યા છે. તેમણે તાજેતરમાં જણાવ્યું કે, બાંગ્લાદેશ ભારત અને અન્ય પાડોશી દેશો સાથે સારા સંબંધો ઈચ્છે છે, પરંતુ આ સંબંધો ન્યાય અને સમાનતાના આધાર પર હોવા જોઈએ. ડૉ. યુનુસે એમ પણ જણાવ્યું કે, જ્યારે તેમણે વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા, ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સહિત અન્ય દેશોના નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો: ભારત-બાંગ્લાદેશ સરહદ પર તણાવભર્યો માહોલ, BSF હાઈ એલર્ટ પર