વિદેશી દારુ ભરેલું કન્ટેનર ઝડપાયું, 630 પેટી વિદેશી દારુ જપ્ત
અહેવાલઃ યશદિપ ગઢવી, આણંદ
આણંદ જિલ્લાના તારાપુરમાં આવેલી મોટી ચોકડી પાસે આવેલી એક હોટલના પાર્કિંગમાંથી બપોરના સુમારે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દારુ ભરેલા બિનવારસી ટ્રક કન્ટેનરને ઝડપી લીધું હતું... આ કન્ટેનરમાંથી 630 પેટી વિદેશી દારૂ-બીયરનો જથ્થો જપ્ત કરાયો હતો.. પોલીસે ફરાર થઈ ગયેલા ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી વિગતો અનુસાર પોલીસને માહિતી મળી હતી કે, તારાપુરની મોટી ચોકડી પાસે આવેલી એપેક્ષ હોટલના પાર્કિંગમાં એક રાજસ્થાન પાસીંગની ટ્રક કન્ટેનર નંબર આરજે-01 જીએ-6906 પડી છે અને તેમાંથી વિદેશી દારૂની વાશ આવી રહી છે. જેથી પોલીસની ટીમ તુરંત જ ત્યાં પહોંચી ગઈ હતી અને તપાસ કરતા ડ્રાયવરની કેબિનમાંથી ડ્રાયવર સહિત કોઈ મળી આવ્યુ નહોતુ. જેથી હોટલ અને તેની આસપાસ તપાસ કરવા છતાં પણ કોઈ ના મળી આવતા ટ્રક-કન્ટેનરની તપાસ હાથ ધરી હતી. જેમાં દરવાજાને લોક કરવાના ભાગે સ્ક્રુ મારેલો નજરે પડ્યો હતો. જેથી તેને ખોલીને તપાસ કરતા ટ્રક કન્ટેનર ખાલી હાલતમાં મળી આવ્યું હતુ. જો કે બારીકાઈથી જોતા ટ્રકની આગળના ભાગે લોખંડની પ્લેટ ઉપર બોલ્ટ મારેલા નજરે પડ્યા હતા. જેને પાના વડે ખોલીને જોતા ગુપ્ત ખાનુ મળી આવ્યું હતુ જેમાં વિદેશી દારૂ અને બીયરની પેટીઓ ભરેલી હતી.
ટ્રક કન્ટેનરને તારાપુર પોલીસ લાઈનમાં લાવીને ખાલી કરી ગણતરી કરતા કુલ 630 પેટી થવા પામી હતી. જેમાં બીયરની 300, ઓલ સીઝન વીસ્કીની 135, મેકડોવેલ્સ નંબર 1ની 90, રોયલ ચેલેન્જની 35 અને રોયલ સ્ટેગની 70પેટીનો સમાવેશ થાય છે. જેની કિંમત 24,89,400 રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસને ડ્રાયવરની કેબિનમાંથી બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. ટ્રક સાથે કુલ44,94,900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને તારાપુર પોલીસ મથકે પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે
ઊલેખનીય છે કે બૂટલેગરો ઘ્વારા રાજ્યમાં દારૂ ઘૂસાડવા માટે અવનવા કિમિયા અજમાવવામાં આવતા હોય છે ત્યારે કન્ટેનર માં સામાન્ય નજરે ખાલી દેખાય તે રીતે ગુપ્ત ખાનું બનાવી ને લવાયેલા દારૂના જથ્થા ને કન્ટેનર સાથે પોલીસે જપ્ત કર્યું છે હવે જોવું રહ્યું કે આ ઘટના ની તપાસ માં પોલીસ ક્યાં સુધી પહોંચે છે ..