AHMEDABAD : ચાંદીપુરા વાયરસ અંગે સરકારે કહ્યું, "ગભરાવાની જરૂર નથી"
AHMEDABAD : આરોગ્ય મંત્રી (HEALTH MINISTER OF GUJARAT) ઋષિકેશ પટેલે ચાંદીપુરા વાયરલ એનકેફેલાઇટીસ (Chandipura vesiculovirus) થી ગભરાશો નહીં પરંતુ સાવચેતી જરૂરથી રાખવા સલાહ આપી છે. તેમણે કહ્યુ કે ચાંદીપુરા કોઇ નવો રોગ નથી વર્ષ ૧૯૬૫ માં પ્રથમ કેસ નોંધાયો હતો. વરસાદી ઋતુમાં સામાન્યત: જોવા મળતો રોગ છે. વેકટર -અસરગ્રસ્ત સેન્ડ ફલાયના (રેત માંખ) કરડવાથી થાય છે. ૯ મહીનાથી ૧૪ વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે. બાળ દર્દીઓમાં હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો, અને ખેંચ આવવા જેવા પ્રાથમિક લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબને બતાવવું જોઈએ.
સેન્ડ ફ્લાયના (રેત માંખ) કરડવાથી થાય
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું છે કે, ચાંદીપુરા વાયરલ આ કોઇ નવો રોગ નથી સામાન્ય પણે વરસાદી ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતો રોગ છે. જે વેકટર -અસરગ્રસ્ત સેન્ડ ફ્લાયના (રેત માંખ) કરડવાથી થાય છે અને ખાસ કરીને ૯ મહીનાથી ૧૪ વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે. હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો, અને ખેંચ આવવી એ આ રોગ ના મુખ્ય લક્ષણો છે. આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવા મંત્રી એ અનુરોધ કર્યો છે. તેઓ એ રાજ્યમાં હાલ આ રોગની સ્થિતિ વિષે જણાવ્યું કે, રાજ્યમાં અત્યારસુધીમાં ચાંદીપુરાના ૧૨ જેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. જેમાંથી ૬ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.
શંકાસ્પદ ૬ મૃત્યુ રાજ્યમાં નોંધાયા
સાબરકાંઠા જિલ્લામાં ૪ , અરવલ્લી જિલ્લામાં ૩ , મહીસાગર અને ખેડા જિલ્લામા એક- એક શંકાસ્પદ કેસ જ્યારે રાજસ્થાન ૨ દર્દીઓ અને મધ્યપ્રદેશના એક દર્દીઓ કે જેઓએ ગુજરાતમાં સારવાર મેળવી હોય આમ કુલ ૧૨ શંકાસ્પદ કેસ નોંધાયા છે. જે તમામ ના સેમ્પલ પુના ખાતેની લેબમા પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે જેનું પરિણામ સરેરાશ ૧૨ થી ૧૫ દિવસમાં આવે છે. વધુમાં મંત્રી એ જણાવ્યું કે, ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ ૬ મૃત્યુ રાજ્યમાં નોંધાયા છે પરંતુ સેમ્પલના પરિણામ આવ્યા બાદ જ ચાંદીપુરા રોગના આ કેસ હતા કે નહીં તેની પૃષ્ટિ થશે.
૨૦૯૩ ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ
વધુ વિગતો આપતા મંત્રી એ કહ્યું કે, ચાંદીપુરા રોગ ચેપી નથી પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક તબક્કે જ સૂચના અપાઇ હતી. જેના પરિણામે અત્યારસુધીમાં કુલ ૪૪૮૭ ઘરોમાં કુલ ૧૮૬૪૬ વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરાયું છે.સેન્ડફ્લાય કંટ્રોલ માટે કુલ ૨૦૯૩ ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે.
તપાસ અને સારવાર કરાવવા અનુરોધ
રાજ્ય આરોગ્ય વિભાગ અગમચેતીના ભાગરૂપે આ રોગનો ફેલાવો અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે.
મંત્રી એ આ ક્ષણે રાજ્યના નાગરિકોને આ રોગ થી ગભરાવવા નહીં પરંતુ સાવચેતી જરૂરથી રાખવા જણાવ્યું છે અને પ્રાથમિક લક્ષણો જણાઇ આવે તો નજીકના હોસ્પિટલમાં તપાસ અને સારવાર કરાવવા પણ અનુરોધ કર્યો છે.
વાયરસ જીન્સ વેસિક્યુલોવાયરસ કુટુંબને અનુસરે
અત્રે ઉલ્લેખનીય છે કે, મગજના તાવ (સી.એચ.પી.વી.) નો રોગચાળો તાવ ના લક્ષણો સાથે વર્ષ ૧૯૬૫ માં મહારાષ્ટ્ર રાજ્યના ચાંદીપુરા જિલ્લામાં નોંધાયો હતો. ત્યારબાદ આંધ્રપ્રદેશ અને ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં પણ આ રોગચાળો નોંધાયો. આ વાયરસ જીન્સ વેસિક્યુલોવાયરસ કુટુંબને અનુસરે છે.ગુજરાતમાં દર વર્ષે આ રોગના કેસ જોવા મળે છે ખાસ કરીને ઉત્તર-મધ્યગુજરાતના જિલ્લાઓમાં આ રોગના કેસ નોંધાયા છે.
અહેવાલ - સંજય જોશી, અમદાવાદ
આ પણ વાંચો -- ગુજરાતના સંરક્ષણ PRO અને MoDના પ્રવક્તા ગ્રૂપ કેપ્ટન એન. મનિષ વિશિષ્ટ સેવા બાદ IAFમાંથી થયા નિવૃત્ત