બિપોરજોય સાયક્લોન પોરબંદરથી ૯૪૦ કિ.મી.દૂર , 10-11 જૂને દરિયાકાંઠા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા
૧૦-૧૧ જૂને વરસાદની સંભાવના
અરબી સમુદ્રમાં સર્જાયેલું `બિપોરજોય નામનું વાવાઝોડું અત્યારે મધદરિયે સ્થિર થઈ ગયું છે અને પોરબંદરથી ૯૪૦ કિલોમીટર દૂર છે. અત્યારે વાવાઝોડાંની ગતિ ધીમી છે એટલે તે કઈ તરફ જઈ રહ્યું છે કે પછી કઈ તરફ જશે,તે અત્યારે કહેવું મુશ્કેલ છે. ગાંધીનગર હવામાન વિભાગના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર, સાચી ખબર બપોર પછી પડશે કે વાવાઝોડું કઈ દિશામાં આગળ વધી રહ્યું છે. પરંતુ હાલની સ્થિતિ જોતા વાવાઝોડુ ઓમાન તરફ ફંટાઇ રહ્યું હોય એમ જણાય છે.. વાવાઝોડાની દિશા ફંટાઇ જવાને કારણે મહદઅંશે ગુજરાત પરથી હવે ખતરો ટળી ગયો છે પણ ૧૦-૧૧ જૂને વરસાદની સંભાવના તો છે જ સાથે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે.
વિશાળકાય હોર્ડિંગ્સ તથા બોર્ડસને સાવચેતીના પગલારૂપે ઉતારવાની કામગીરી
સાગરકાંઠે વસેલી સુદામાપુરી પર ફરી એકવાર બે વર્ષ બાદ ભયાનક વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં પોરબંદર સહિત સૌરાષ્ટ્રના સાગરકાંઠે આગામી તા. ૧૦ થી ૧ર જુન દરમિયાન ૯૦ થી ૧ર૦ કિ.મી. ની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરના એમ.જી. રોડ, હાર્મની, એસ.ટી. રોડ સહિતના ધમધમતા વિસ્તારોમાં લગાવવામાં આવેલા વિશાળકાય હોર્ડિંગ્સ તથા બોર્ડસને સાવચેતીના પગલારૂપે ઉતારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વાવાઝોડાના સમયે ફૂંકાતા તીવ્ર પવનને લીધે હોર્ડિંગ્સ જમીનદોસ્ત થવાના બનાવો બનતા હોય છે. જેનાથી પ્રજાજનોની જાનહાનિનો ભય રહે છે. ત્યારે આવું ન થાય તે હેતુથી પાલિકા દ્વારા આ કદમ ભરવામાં આવ્યું છે.
પોરબંદરમાં ૪ સાયક્લોન શેલ્ટર હોમ ખૂલ્લા મૂકાયા: કર્મચારીઓને સ્ટેન્ડ ટુ રહેવા કલેક્ટરનો આદેશ
રાજ્ય સરકારના આદેશને પગલે પોરબંદર જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણી દ્વારા જિલ્લાના તમામ કર્મચારીઓને આગામી સૂચના ન મળે ત્્યાં સુધી હેડ ક્વાર્ટર ન છોડવાનો હૂકમ કરવામાં આવ્યો છે. બીજી તરફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારી ઘનશ્યામભાઈના જણાવ્યા મુજબ હાલ વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લાના વિવિધ શહેરોમાં શાળાઓ, જ્ઞાતિની વંડીઓ સહિત ર૯૭ આશ્રય સ્થાનો તૈયાર કરી દેવામાં આવ્યા છે. તો સાથે-સાથે પાલખડા, ઉંટડા, ટુકડા-ગોસા અને ગોરસર-મોચા ખાતે આવેલા ૪ સાયક્લોન શેલ્ટર હોમ પણ ખૂલ્લા મૂકી દેવાયા છે.
વહીવટીતંત્ર સાથે પોરબંદર પોલીસ પણ એલર્ટ
પોરબંદર સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતના સાગરકાંઠે વાવાઝોડું ટકરાવાની તીવ્ર સંભાવનાને પગલે વહીવટીતંત્રની સાથે સાથે પોલીસ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. પોરબંદર એસપી કચેરી દ્વારા પોરબંદર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને એલર્ટ રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. દરિયાઈ વિસ્તારના હાર્બર મરીન પોલીસ સ્ટેશન ઉપરાંત એસ.ઓ.જી., ક્રાઈમ બ્રાન્ચ, પેરોલ ર્ફ્લો સ્ક્વોડ સહિતની શાખાઓને પણ ખડેપગે રહેવાની સૂચના આપવામાં આવી છે.
પોરબંદર જિલ્લામાં બિપરજોય ચક્રવાત(વાવાઝોડા) અનુસંધાને પોરબંદર પોલીસ સ્ટાફ દ્રારા માધવપુર, નવીબંદર, ગોસા, પોરબંદર, સુભાષનગર, મિયાણી દરિયા કાંઠા વિસ્તારમાં રહેતા લોકો તથા માછીમારો ને એકઠા કરી જેમાં માછીમારો દરીયામાં કરંટ હોય જેથી દરીયો ન ખેડવા અંગે સુચનાઓ આપવામાં આવી.તથા જરૂરી પડ્યે દરીયા કાંઠાના નીચાણ વાળા વિસ્તારો સુચના મળ્યે ખાલી કરી અલગ રહેઠાણ ની સરપંચ દ્રારા સુવિધા કરવી.તેમજ દરીયાકાંઠા નજીક ન જવા અંગેની સુચનાઓ આપવામાં આવી.તેમજ બિપરજોય ચક્રવાત થી કેવી રીતે સાવચેત રહેવુ તે બાબતે ની સુચનાઓ આપવામાં આવી. ઈમર્જન્સી વખતના સાધનો લાઈફ જેકેટ, રસ્સી, ટોર્ચની ઉપલબ્ધતા સાથે પોલીસ વિભાગના વાહનોનું પણ પૂર્ણ ઈન્સ્પેક્શન કરી લેવામાં આવ્યું હતું. સાથે-સાથે આપાતકાલીન સ્થિતિમાં સ્વયંસેવકોની મદદ મળી રહે તે માટે તેમનું લીસ્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.