બેંકોએ શિરડી ટેમ્પલના લાખ્ખોની રકમના સિક્કા સ્વીકારવાનો કર્યો ઇન્કાર
મહારાષ્ટ્રની ચાર બેંકોએ શીરડી સાંઇબાબા ટેમ્પલ અને શ્રી સાંઇબાબા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા જમા કરાવવામાં આવતા સિક્કાને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે.. મહત્વપૂર્ણ છે કે આ પ્રસિદ્ધ મંદિરમાં શ્રદ્ધાળુઓ મોટેભાગે સિક્કાના સ્વરૂપમાં દાન કરે છે.. દર મહિને અહીં 28 લાખ જેટલી રકમના સિક્કા જમા થાય છે, અને ત્યારબાદ આ સિક્કા બેંકમાં જમા કરાવવામાં આવે છે. શ્રી સાંઇબાબા સંસ્થાન ટ્રસ્ટનું રાજ્ય દ્વારા ચલાવાતી 13 જેટલી બ્રાંચમાં એકાઉન્ટ છે, જેમાંથી મોટાભાગની બ્રાંચ શિરડીમાં જ છે, અને એક નાસિકમાં આવેલી છે.
સંસ્થાના જેટલી બ્રાંચમાં એકાઉન્ટ છે, તેમાંથી દરેક બેંક વારાફરતી વારો દર મહિને પોતાનો એક પ્રતિનિધિ મંદિર પર મોકલે છે, જે દાનમાં આવેલી રકમ લઇ જાય છે. અત્યાર સુધીમાં લગભગ 11 કરોડ જેટલી રકમ સિક્કાના સ્વરૂપમાં જમા કરાવાઇ ચૂકી છે, અને બેંકોનું કહેવું છે કે તે હવે વધારે સિક્કા બેંકમાં રાખી શકે તેટલી જગ્યા તેમની પાસે નથી.
ટ્રસ્ટ હવે આ મામલે સીધી રિઝર્વબેંકને લેખીત જાણ કરીને તેને દરમ્યાનગીરી કરવા અપીલ કરશે.. મહત્વપૂર્ણ છે કે આ પ્રશ્ન માત્ર આ ચાર બેંકો પૂરતો સિમિત નથી.. બાકીની 10 જટેલી બ્રાંચ જ્યાં આ સંસ્થાના એકાઉન્ટ છે તેમણે પણ સિક્કા માટે હવે વધારે સ્પેસ નહીં હોવાની વાત કરીને સમસ્યાનું નિવારણ લાવવા વિનંતી કરી છે.