ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે રાજ્યના કેબિનેટ પ્રૌઢ શિક્ષણમંત્રી કૂબેરભાઈ ડિંડોરના હસ્તે આદિવાસી અસ્મિતા પર્વ અને રાષ્ટ્રીય એકતા શિબિરને ખુલ્લું મુકવામાં આવ્યું
અહેવાલ - નામદેવ પાટીલ
ગોધરા તાલુકાના વિંઝોલ ગામે આવેલી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે સાત દિવસીય "આદિવાસી અસ્મિતા પર્વ" રાષ્ટ્રીય એકતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું રાજ્યના કેબિનેટ પ્રૌઢ શિક્ષણમંત્રી કૂબેરભાઈ ડિંડોરના હસ્તે રાષ્ટ્રીય એકતા શિબિર ખુલ્લી મુકવામાં આવી હતી. જેમાં દેશના વિવિધ 9 જેટલા રાજ્યોના 200 ઉપરાંત વિધાર્થીઓએ ભાગ લીધો હતો. 7 દિવસીય આ શિબિરમાં વિધાર્થીઓ પોતાના રાજ્યોની આદિવાસી અસ્મિતા બાબતો રજૂ કરશે અને લોકો પણ અસ્મિતાને નજીકથી જાણે તે માટે પ્રયત્નો કરશે.
મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલી અને મુખ્ય ગણાતી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે સાત દિવસીય રાષ્ટ્રીય એકતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આવેલી શિક્ષણ વિભાગની ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના રાજ્ય એન એસ એસ સેલ તથા ગોધરા તાલુકાના વિંઝોલ ખાતે આવેલી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા સૌપ્રથમવાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 7 દિવસ સુધી ચાલનારા આ આદિવાસી અસ્મિતા પર્વ કાર્યક્રમમાં ગુજરાત, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરળ અને તેલંગાણા જેવા રાજ્યોમાંથી 210 જેટલા વિદ્યાર્થીઓએ આ શિબિરમાં ભાગ લીધો છે. રાજ્યના કેબિનેટ શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા તમામ રાજ્યોના વિધાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરીને શિબિરમાં ભાગ લેવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પોતાના પ્રાસંગિક પ્રવચનમાં તેઓએ જણાવ્યું હતું કે, સાત દિવસીય રાષ્ટ્રીય શિબિરમાં વિવિધ રાજ્યોમાંથી ઉપસ્થિત રહેલા NSS વિધાર્થીઓ પોતાના રાજ્યોની આદિવાસી અસ્મિતા બાબતો રજૂ કરશે. જ્યારે અન્ય રાજ્યોની બાબતોને નજીકની જાણશે. આ પ્રસંગે ઉચ્ચ શિક્ષણ વિભાગના નિયામક પી બી પંડ્યા, રાજ્ય એનએસએસ અધિકારી આર આર પટેલ, એન એસ એસ વિભાગના પ્રાદેશિક ડાયરેકટર ડૉ કમલકુમાર કર, રાજ્ય એન એસ એસ વિભાગના સંયુક્ત કમિશનર નારાયણ માધુ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી કુલપતિ ડો પ્રતાપસિંહ ચૌહાણ, ગોધરા રેન્જ ડીઆઇજી રાજેન્દ્ર અસારી સહિત મોટી સંખ્યામાં NSS વિભાગના હોદ્દેદારો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે