Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઘેડ પંથક જળબંબાકાર! અનેક ગામનો સંપર્ક તૂટ્યો...

અહેવાલ--કિશન ચૌહાણ, પોરબંદર ભારે વરસાદના પગલે જૂનાગઢ, પોરબંદર, કેશોદ, માંગરોળ તરફથી ઘેડ પંથક તરફ જતી એસટીની લગભગ ૭૩ જેટલી ટ્રીપ રદ્દ કરવામાં આવી છે. ગરેજ તથા દેરોદર તરફ જતી બસ ખૂબ જ પાણી ભરાયા હોવાથી પરત ફરી છે. વાહન વ્યવહાર...
02:31 PM Jul 01, 2023 IST | Vipul Pandya
અહેવાલ--કિશન ચૌહાણ, પોરબંદર
ભારે વરસાદના પગલે જૂનાગઢ, પોરબંદર, કેશોદ, માંગરોળ તરફથી ઘેડ પંથક તરફ જતી એસટીની લગભગ ૭૩ જેટલી ટ્રીપ રદ્દ કરવામાં આવી છે. ગરેજ તથા દેરોદર તરફ જતી બસ ખૂબ જ પાણી ભરાયા હોવાથી પરત ફરી છે. વાહન વ્યવહાર ખોરવાતાં પ્રજાજનોને હાલાકી ભોગવવી પડી રહી છે.
ઘેડ પંથકમાં મુશળધાર ૮ ઈંચ જેવા વરસાદ
ઘેડ પંથકમાં ભારે વરસાદના પગલે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાહન વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો છે અને લગભગ અડધાથી વધુ ઘેડ પંથક માર્ગ-વ્યવહાર ક્ષેત્રે સંપર્કવિહોણો થઈ જવા પામ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જેમાં ખાસ કરીને એસટી વિભાગના અનેક રુટને ભારે અસર પહોંચી છે. છેલ્લાં ત્રણ દિવસથી ઘેડ પંથકમાં મુશળધાર ૮ ઈંચ જેવા વરસાદ પડવાથી ઊંધી રકાબી જેવો આકાર ધરાવતાં આ વિસ્તારમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે.
ઘેડના અનેક ગામોમાં પાણી ભરાયા
પોરબંદર અને જૂનાગઢ એસટી વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ જૂનાગઢ, માંગરોળ, પોરબંદર, બાંટવા અને કેશોદથી ઘેડના ગામો તરફથી જતી લગભગ ૩૫ ટ્રીપો રદ્દ કરી દેવાની ફરજ પડી છે. અને હવે પાણી ઓસર્યા બાદ જ આ રુટ શરુ થાય તેવી શક્યતા છે. નોંધનીય છે કે, કુતિયાણા પંથકમાં છેલ્લાં ચાર દિવસમાં લગભગ ૮ ઈંચ જેવા વરસાદથી ઘેડના અનેક ગામોમાં પાણી ભરાયા છે. ખાસ કરીને ગરેજ, દેરોદર, પસવારી, ભોગસર, સેગરસ, કાંસાબડ, છત્રાવા અને ભાદર કાંઠાના અને ગામોમાં પાણી ભરાયા છે. પસવારી ગામ પાસેનો પૂલ પાણીમાં ગરકાવ થતાં આસપાસના ૧૪ જેટલા ગામો સાથે સંપર્ક તૂટી જવા પામ્યો છે.
એસ.ટી.બસો બંધ કરવી પડી
બીજી તરફ આજે સવારે પોરબંદરથી ગરેજ તરફ જતી એસટીની બેથી ત્રણ ટ્રીપ ભારે વરસાદ અને પાણી ભરાયા હોવાના લીધે પરત ફરી હતી. તો દેરોદર તરફનો રુટ પણ પાણી ભરાવાના લીધે બંધ થતાં આ બસ પણ રવાના થઈ શકી ન હતી. ઉપરાંત બામણાસા (ઘેડ) તથા આસપાસના અનેક ગામો પણ ભારે વરસાદ અને પાણી ભરાવાના લીધે અહીં પણ જૂનાગઢ, કેશોદ અને માંગરોળ તરફથી જતી એસટીની બસો પહોંચી શકી ન હતી. આ સાથે વિસાવદર અને માણાવદર પંથકમાં પણ છેલ્લાં ૨૪ કલાકમાં ભારે વરસાદના પગલે અહીંથી ઉપડતી ઘેડ બાજુની એસટી બસો પણ રવાના થઈ શકી ન હતી.
ભાદરના પૂરથી અનેક માલધારીઓ રસ્તા પર!! પોરબંદર-જૂનાગઢ માર્ગ પર લેવો પડ્યો આશરા 
કુતિયાણા પાસે મોડી રાત્રે ભાદર નદીના પાણી ફરી વળવાથી અનેક માલધારીઓએ પોતાના માલ-ઢોર તથા સામાન સાથે પોરબંદર-જૂનાગઢ રોડ પર આશરો લેવાનો વારો આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કુતિયાણા તથા આસપાસના વિસ્તારમાં છેલ્લાં ચારેક દિવસથી ભારે વરસાદ પડવાના લીધે ભાદર-ર ડેમ તો ઓવરફ્લો થયો જ છે, પરંતુ સાથેસાથે ભાદર નદીમાં પણ ઘોડાપૂર આવ્યા છે, જેના પગલે આસપાસના વિસ્તારમાં રહેતા અનેક માલધારીઓએ પોતાના માલ-સામાન અને ઢોર-ઢાંખરને લઈ જઈને પોરબંદર-જૂનાગઢ રોડ પર આશરો લેવાની ફરજ પડી હતી. નોંધનીય છે કે, ઘેડ પંથકમાં હાલ ભારે વરસાદના પગલે ગ્રામજનોની હાલત કફોડી બની છે, ત્યારે માલધારીઓએ રોડ પર આવી જવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો---ભારે વરસાદના પગલે ગુજરાતનાં 18 ડેમો હાઇ એલર્ટ પર,જાણો સ્થિતિ
Tags :
heavy rainJunagadhMonsoon 2023mosoonPorbandar
Next Article