દેશની વિવિધ CRPF Schoolsમાં બોમ્બની ધમકીથી ખળભળાટ
- દેશની વિવિધ CRPF શાળાઓને બોમ્બની ધમકી મળી
- બે દિલ્હીની અને એક હૈદરાબાદની શાળાને ધમકી
- દેશની વિવિધ એરલાઈન્સને પણ બોમ્બની ધમકીઓ મળી
CRPF Schools : દેશની વિવિધ CRPF શાળાઓ (CRPF Schools) ને બોમ્બની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ પોલીસ ફોર્સ એલર્ટ પર છે અને ધમકીઓની તપાસ કરવામાં આવી રહી છે. જે શાળાઓને ધમકીઓ મળી છે તેમાં બે દિલ્હીમાં અને એક હૈદરાબાદમાં છે. ઉલ્લેખનીય છે કે આજે જ દેશની વિવિધ એરલાઈન્સને પણ બોમ્બની 30 જેટલી ધમકીઓ મળી છે.
સ્કૂલ મેનેજમેન્ટને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી
પોલીસે જણાવ્યું કે સ્કૂલ મેનેજમેન્ટને ઈમેલ દ્વારા બોમ્બની આ ધમકીઓ મળી હતી. નોંધનીય છે કે આ ધમકીઓ દિલ્હીના રોહિણી સ્થિત CRPF સ્કૂલની દિવાલ પાસે બોમ્બ વિસ્ફોટના એક દિવસ બાદ મળી હતી. બોમ્બ વિસ્ફોટમાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ આસપાસની દુકાનો અને વાહનોના કાચ તૂટી ગયા હતા. પોલીસ આ બોમ્બની ધમકીઓની તપાસ કરી રહી છે અને હાઈ એલર્ટ પર છે.
દિલ્હી બ્લાસ્ટની તપાસ ખાલિસ્તાન એંગલથી કરવામાં આવી રહી છે
દિલ્હીમાં CRPF સ્કૂલ પાસે થયેલા બોમ્બ બ્લાસ્ટની દિલ્હી પોલીસ ખાલિસ્તાન એંગલથી તપાસ કરી રહી છે. વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર શેર કરાયેલ એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે CRPF સ્કૂલ પાસે બોમ્બ બ્લાસ્ટ ભારતીય એજન્ટો દ્વારા ખાલિસ્તાન સમર્થકોને નિશાન બનાવવાના જવાબમાં કરવામાં આવ્યો હતો. સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ પોલીસને એક શકમંદ પણ મળી આવ્યો છે, જેની પોલીસ દ્વારા શોધ કરવામાં આવી રહી છે.
સ્કૂલના રૂમમાં નાઈટ્રેટ આધારિત IED રાખવામાં આવ્યા છે
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, CRPF સ્કૂલોના મેનેજમેન્ટને મોકલવામાં આવેલા મેલમાં જણાવામાં આવ્યું છે કે સ્કૂલના રૂમમાં નાઈટ્રેટ આધારિત IED રાખવામાં આવ્યા છે. તેમજ તમામ શાળાઓને સવારે 11 વાગ્યા પહેલા રજા આપવા માટે કહેવામાં આવ્યું છે. આવા ધમકીભર્યા મેલ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ શાળાઓમાં શોધખોળ શરૂ કરી દીધી છે.
દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી
બીજી તરફ દિલ્હી પોલીસે રાજધાનીના વિવિધ બજારોમાં જ્યાં તહેવારોની સિઝનમાં ખરીદદારોની ભીડ હોય ત્યાં સુરક્ષા વધારી દીધી છે. રોહિણીના પ્રશાંત વિહાર વિસ્તારમાં CRPF સ્કૂલની સામે વિસ્ફોટની ઘટના બાદ પોલીસે રેલવે અને મેટ્રો કર્મચારીઓને એલર્ટ રહેવા માટે કહ્યું છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, અમે અમારા સ્ટાફને દરેક રેલવે અને મેટ્રો સ્ટેશન પર કડક તકેદારી રાખવા માટે કહ્યું છે. કોઈપણ શંકાસ્પદ ગતિવિધિઓની તપાસ માટે વધારાના દળો તૈનાત કરવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF), સરકારી રેલવે પોલીસ (GRP) અને અન્ય હિતધારકોની સંયુક્ત પેટ્રોલિંગ ટીમો તૈનાત કરવામાં આવી છે. જો ટીમ કોઈ શંકાસ્પદ ગતિવિધિઓ જોશે તો તેઓ તરત જ વરિષ્ઠ અધિકારીઓને જાણ કરશે.