VADODARA : જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા મળી, તપાસમાં દુભાષિયાની મદદ લેવાઇ
- વડોદરા જિલ્લામાં પણ બિનઅધિકૃત રીતે રહેતા નાગરિકો પર તવાઇ જારી
- તપાસ દરમિયાન બે અલગ અલગ જગ્યાએથી મહિલાઓ મળી આવી
- મહિલાઓ સાથે બીજુ કોણ આવ્યું હતું સહિતની વિગતો જાણવા વધુ તપાસ જારી
VADODARA : રાજ્ય સરકાર દ્વારા બાંગ્લાદેશી અને પાકિસ્તાનથી આવેલા નાગરિકોને શોધવા માટે અમદાવાદ, સુરત, વડોદરા ખાતે વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તે અંતર્ગત વડોદરા જિલ્લા પોલીસ (VADODARA RURAL POLICE) દ્વારા પણ બાંગ્લાદેશીઓને ઝડપી પાડવા માટે પાદરા, કરજણ સહિતના નગરોમાં વસવાટ કરતા પશ્ચિમ બંગાળના કારીગરો સહિતની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન બે બાંગ્લાદેશી મહિલા મળી આવી છે. જે પૈકી એક હિન્દી પણ સરખું બોલી સમજી નહીં શકતી હોવાથી પોલીસ દ્વારા તેની જોડે સંવાદ સાધવા માટે દુભાષિયાની મદદ લેવામાં આવી રહી છે.
વલણ તથા તેની આસપાસના વિસ્તારમાં મજુરી કરતી હતી
જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા શંકાસ્પદ જણાતા બાંગ્લાદેશીઓને શોધવા માટેના હાથ ધરાયેલા અભિયાન દરમિયાન કરજણ તાલુકાના વલણ ગામેથી 33 વર્ષની બાંગ્લાદેશી યુવતી તન્જીરાબેગમ ખાન બગાનખાન મોકાલેશખાનની અટકાયત કરી હતી. તે છેલ્લા ચાર વર્ષથી ભારતમાં ગેરકાયદેસર વસવાટ કરતી અને વલણ તથા તેની આસપાસના વિસ્તારમાં મજુરી કરતી હતી. તેની સાથે બીજું કોણ કોણ આવેલું છે અને તેઓ ક્યાં વસવાટ કરે છે તેની એસઓજીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મહિલા સ્પષ્ટ હિન્દી કે અન્ય કોઇ ભાષા પણ બોલી કે સમજી શકતી ન્હતી
અન્ય કિસ્સામાં કરજણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે. ભરવાડ દ્વારા હાઇવે ઉપર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન કરજણ નજીકથી બસમાંથી ઉતરેલી એક મહિલા શંકાસ્પદ જણાતા તેની અટકાયત કરીને પુછપરછ હાથ ધરાઇ હતી. આ મહિલા સ્પષ્ટ હિન્દી કે અન્ય કોઇ ભાષા પણ બોલી કે સમજી શકતી ન્હતી. જેથી તેને પોલીસ સ્ટેશન લઇ જઇને તેની તપાસ કરવામાં આવી હતી. તેણે પ્રાથમિક પુછપરછમાં પોતાનું નામ બેલીકા બેગમ નુરમિયા કાદીર મંડલ (43), મુળ બાંગ્લાદેશની હોવાનું અને હાલમાં સુરતના પાંડેસરા આશાપુરી શાકમાર્કેટ પાસે રહેતી હોવાની વિગતો જણાવી હતી. બાંગ્લાદેશી મહિલા ત્યાં કોની સાથે રહેતી હતી અને શું કામ ધંધો કરતી હતી તે સહિતવી વધુ વિગતો મેળવવા માટે પોલીસે દુભાષિયાની વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો --- VADODARA : ગેરકાયદે રહેતા 14 બાંગ્લાદેશી વિરૂદ્ધ ફોરેનર્સ એક્ટ હેઠળ કાર્યવાહી