VADODARA : વિશ્વામિત્રી પ્રોજેક્ટનું 50 ટકા કાર્ય પૂર્ણ, ગૃહમંત્રીએ કરી સમીક્ષા
VADODARA : રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી (HOME MINISTER OF GUJARAT - HARSHBHAI SANGHAVI) નું આજે સવારે રેલ માર્ગે વડોદરા (VADODARA VISIT) માં આગમન થયું છે. તે બાદ તેઓ સમા ભરવાડ વાસ પાસે વિશ્વામિત્રી નદીમાં ચાલતી કામગીરીની સમીક્ષા કરવા પહોંચ્યા છે. આજે સવારે રેલવે સ્ટેશન પર વિધાસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળુ શુક્લ, ધારાસભ્ય કેયુર રોકડિયા તથા પાલિકા કમિશનર, પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તે બાદ સીધા તેઓ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી નિહાળવા પહોંચ્યા છે.
હું વડોદરા પાલિકાની ટીમને અભિનંદન આપું છું
વિશ્વામિત્રી પ્રોજેક્ટ (VISHWAMITRI PROJECT) ની કામગીરીની સમીક્ષા કરવા પહોંચેલા ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીને પાલિકા કમિશનર અરૂણ મહેશ બાબુએ વિગતવાર માહિતી મેપ સાથે સમજાવી હતી. આ તકે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પાલિકાના પદાધિકારીઓ હાજર રહ્યા છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી નિહાળીને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીએ મીડિયા સાથેની વાતમાં કહ્યું કે, વિશ્વામિત્રી પ્રોજેક્ટને તાત્કાલિક કઇ રીતે શરૂ થાય તે માટે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરાઇ હતી. મુખ્યમંત્રીએ તાત્કાલિક વડોદરા પ્રવાસ દરમિયાન વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે બેઠકમાં જ પ્રતિનિધિઓને આશ્વસ્થ કરવામાં આવ્યા અને 24 કલાકમાં કામગીરી ચાલુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્દેશ કરવામાં આવ્યા હતા. જે પ્રકારે લોકોને સરકારે, પાલિકાએ, વચન આપ્યું હતું, આવનારા વરસાદ સિઝન પહેલા પાલિકાના વિસ્તારમાં વિશ્વામિત્રી નદીની જે કોઇ કામગીરી છે, તે ચાલુ કરીને પૂર્ણ કરવામાં આવશે. હું આજે પ્રોજેક્ટના રિવ્યું માટે આવ્યો છું. હમણાં સાઇટ વિઝીટ કરી છે, ત્યાર બાદ પ્રેઝન્ટેશન થશે. 24 કિમીના વિસ્તારમાં કામ કરવાનું છે. હું વડોદરા પાલિકાની ટીમને અભિનંદન આપું છું. 100 દિવસમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું વિચાર્યું, તે માટે અલગ અલગ બેઠકો થઇ પ્લાનીંગ કરીને કામ શરૂ કરી દીધું હતું
દેશમાં આ પહેલું શહેર છે
વધુમાં જણાવ્યું કે, 45 દિવસમાં 50 ટકાથી વધારે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આગામી સમયમાં વધુ ઝડપથી કામગીરી પૂર્ણ થાય તે માટેનું પ્લાનીંગ ચાલી રહ્યું છે. દેશમાં આ પહેલું શહેર છે, જ્યાં આટલી ઝડપથી માત્ર વિચારવું કહેવું વાયદો નહીં, પરંતુ ટેન્ડરીંગ પૂર્ણ કર્યા બાદ આટલા દિવસોમાં 50 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. સિંચાઇ વિભાગને પણ બોલાવવામાં આવ્યા છે. આ કામગીરી વર્ષો વર્ષ સુધી ખુબ જ ઉપયોગી બનવા જઇ રહી છે. આ કાર્યમાં તમામ લોકો પોતપોતાની શક્તિ પ્રમાણે સહયોગ આપે. વધુમાં વધુ મોરલ સપોર્ટ આપવાની જરૂર છે.
પાક. નાગરિકોને એસઓજી દ્વારા દેશ છોડાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી
વધુમાં ઉમેર્યું કે, દેશના વડાપ્રધાન મોદી, અને તેમના અધ્યક્ષ સ્થાને થયેલી બેઠક બાદ મજબુતાઇ પૂર્વક નિર્ણયો લેવાયા છે. રાજ્ય સરકાર તેનું પાલન કરી રહી છે. આજે વહેલી સવારથી પોલીસને સુચના આપી દેવામાં આવી છે, અને તાત્કાલિક પોતપોતાના જિલ્લાઓમાં તેનો અમલ થઇ જવો જોઇએ. કાલે રાત્રે બીજુ નોટીફીકેશન આવ્યું છે. જે પાકિસ્તાન પીડિત છે, તેવા લોકોને કોઇ પણ પ્રકારે હેરાનગતિ ના થવી જોઇએ. જે અલગ અલગ નોર્મસના આધારે રહી રહ્યા છે, તેને નિયમાનુસાર મોકલાશે. જેટલા લોકોને દેશ છોડવાનું અલ્ટીમેટમ છે, તેને એસઓજી દ્વારા દેશ છોડાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ભારત સરકાર દ્વારા આપેલા સમય પહેલા દેશ છોડવો જ પડશે. દરેક જિલ્લામાં અલગ અલગ કારણોસર અહિંયા આવતા હોય છે. તેના આધારે સૂચનો આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : ભાજપના ધારાસભ્યની સભામાં ભારે હોબાળો, પોલીસે બાજી સંભાળી