VADODARA : વૃદ્ધનો માથા વગરનો મૃતદેહ મળી આવતા ચકચાર
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરાના ચોકારી ગામે કૃષ્ણનગર વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે. 70 વર્ષના વૃદ્ધ કુબેરભાઈ જબુરભાઈ ગોહિલની નિર્મમ રીતે હત્યા થઇ છે. તેમની હત્યા બાદ અજાણ્યા હુમલાખોરો શરીરથી માથું અલગ કરીને સાથે લઈ ગયા હોવાનું સામે આવ્યું છે. જેને કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. (UNKNOWN PERSON CUT HEAD FROM BODY, POLICE STARTED INVESTIGATION - PADRA, VADODARA)
શોભાયાત્રામાં કુબેરભાઈ છેલ્લે જોવા મળ્યા
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, કૃષ્ણનગરના રહેવાસી કુબેરભાઈ ખેતરમાં આવેલા ઘરમાં એકલા રહેતા હતા. તેઓ ખેતી સાથે ખેતરમાં આવતા વાંદરાઓ પાકથી બચાવવાનું કામ પણ કરતા હતા. હાલમાં ગામમાં દાજીબાવાના પરા વિસ્તારમાં ભાથીજી મહારાજના પાટોત્સવની ઉજવણી ચાલી રહી હતી. તેમાં નીકળેલી શોભાયાત્રામાં કુબેરભાઈ છેલ્લે જોવા મળ્યા હતા.
ઘરમાંથી કોઇ પ્રતિસાદ ના મળતાં દરવાજો ખોલ્યો
ગતરોજ આસપાસના ખેતરમાં વાંદરાઓના ઉપદ્રવને કારણે દેખરેખ રાખતી વખતે સીમ વિસ્તારમાં એકલા રહેતા કુબેરભાઈના ઘરની નજીક બૂમાબૂમ કરવામાં આવી હતી. પરંતુ ઘરમાંથી કોઇ પ્રતિસાદ ના મળતાં દરવાજો ખોલીને અંદર જઈને જોતા માથા વિનાનું ધડ જોવા મળતા આજુબાજુના લોકો ચોંકી ઉઠ્યા હતા. બાદમાં ઘટના અંગે વડુ પોલીસને જાણ કરાઈ હતી.
ગ્રામજનોમાં સનસની વ્યાપી
માહિતી મળતા વડુ પોલીસ સહિત પોલીસ ના ઉચ્ચ અધિકારી સહિત એલસીબી ઍસઑજી સહિત ની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને અન્ય એજન્સીઓની મદદથી તપાસ ચાલી રહી છે. અરેરાટી ભરી વાત એ છે કે હત્યારાઓ મૃત્યુ પછી મૃતકનું માથું પણ સાથે લઈ ગયા છે. એ વાત ને લઈ ગ્રામજનોમાં સનસની વ્યાપી છે. મૃતક કુબેરભાઈની પુત્રીએ આ અંગે વડુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો --- Gujarati Top News : આજે 18 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?