VADODARA : વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર નજર રાખવા 4 એન્જિનિયરોની વિશેષ નિમણૂંક
VADODARA : વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂર નિવારણના પગલાં માટેનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. રૂ. 1,200 કરોડની કિંમતના આ પ્રોજેક્ટમાં શરૂઆતમાં થયેલી ટેન્ડરિંગ પ્રક્રિયામાં વિવાદ સામે આવ્યો હતો. જે બાદ રાજ્ય સરકાર દ્વારા પ્રિવેન્ટીવ વિજિલન્સ માટે ચાર સેક્શનમાં તેની વહેંચણી કરીને એક-એક એન્જિનિયરને તેની જવાબદારી સોંપી છે. જે તેમને સોંપેલા સેક્શનની કામગીરી પર નજર રાખશે. સરકારના આ પગલાંથી વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં કોઇ પણ પ્રકારની ગફલેબાજીની શક્યતાઓ ઘટશે. (GOVT APPOINT FOUR ENGINEER FOR VISHWAMITRI PROJECT AS A PART OF PREVENTIVE VIGILANCE - VADODARA)
સિટી એન્જિનિયર દ્વારા જળ સંસાધન વિભાગને પત્ર
વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અનેક સરકારી વિભાગોની જવાબદારીમાં આવે છે. તાજેતરમાં પૂર નિવારણ માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેની કામગીરીની શરૂઆત સમયે ટેન્ડરિંગ પ્રક્રિયામાં વિવાદ સામે આવ્યો હતો. ઉંચા ભાવે ટેન્ડરિંગ હાથ ધરવામાં આવતા મામલો સરકાર સુધી પહોંચ્યો હતો. અને વડોદરા પાલિકાના સિટી એન્જિનિયર દ્વારા જળ સંસાધન વિભાગને પત્ર લખીને વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરવાની ભલામણ કરતો પત્ર લખ્યો હતો. જે બાદ સરકાર દ્વારા મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે.
મશીનરીના ભાવોમાં ભારે વિસંગતતા જોવા મળી
રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી નદી પરના કામોને ચાર સેક્શનમાં વહેંચી દેવામાં આવ્યા છે. જેમાં પ્રત્યેક સેક્શન પ્રમાણે નિષ્ણાંત એન્જિનિયરને જવાબદારી સોંપવામાં આવી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, વિશ્વામિત્રી નદી પહોળી કરવાનું ટેન્ડર 20 ટકાના વધુ ભાવ સાથે આવ્યું હતું. સાથે જ મશીનરીના ભાવોમાં ભારે વિસંગતતા જોવા મળી હતી. જેને પગલે મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો હતો. જે બાદ બીજું ટેન્ડર આવ્યું હતું. જેમાં ભાવવધારો માત્ર 2.5 ટકાનો જ હતો.
પ્રિવેન્ટીવ વિજિલન્સ માટે નિમાયેલા અધિકારી અને તેમની જવાબદારી
- કાર્યપાલક ઇજનેર - ગુ.નિ. વિભાગ, ગાંધીનગર - પેકેજ એ - ચે. 26,130 થી 32,275 મીટર
- કાર્યપાલક ઇજનેર - ગુ.નિ. વિભાગ, અમદાવાદ - પેકેજ બી - ચે. 32,275 થી 38,194 મીટર
- કાર્યપાલક ઇજનેર - ગુ.નિ. વિભાગ, વડોદરા - પેકેજ સી - ચે. 38,194 થી 44,710 મીટર
- કાર્યપાલક ઇજનેર - ગુ.નિ. વિભાગ, સુરત - પેકેજ ડી - ચે. 44,710 થી 50,907 મીટર
આ પણ વાંચો --- VADODARA : કરે કોઇ ભરે કોઇ, ભીષણ આગમાં વેપારીને મોટું નુકશાન