VADODARA : બે બ્લેક સ્પોટ ઘટ્યા, બાકીના 11 માટે રોડમેપ તૈયાર
VADODARA : વડોદરા જિલ્લામાં વાહન અકસ્માત નિવારવા અને માર્ગ સલામતી વ્યવસ્થાપન માટે તંત્રએ હાથ ધરેલી કવાયતના કારણે જિલ્લામાં બે બ્લોક સ્પોટ ઘટ્યા છે. હવે જિલ્લામાં કુલ ૧૧ બ્લેક સ્પોટ છે. આ બ્લેક સ્પોટ્સમાં ઘટાડો કરવા માટે આજે કલેક્ટર કચેરી ખાતે મળેલી જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠકમાં રોડ સેફ્ટી કમિશનર એસ.એ.પટેલે માર્ગ સલામતી માપનની સમીક્ષા કરી પ્રેરણાદાયી સૂચનો કર્યા હતા. (TWO BLACK SPOT REMOVE, ROADMAP READY FOR OTHERS - VADODARA)
૪ અકસ્માત સંભવિત ક્ષેત્ર છે
આ બેઠકમાં આરટીઓ શ્રી જે. કે. કાપટેલે બેઠકના સૂચિત નિયત એજન્ડા અધ્યક્ષ સમક્ષ મૂકીને બ્લેક સ્પોટ સુધારણા માટે તેમજ અકસ્માત સંભવિત ક્ષેત્ર સુધારણા માટેની ચર્ચા કરી હતી. તેમણે સમિતિ સમક્ષ વિગતો આપતા જણાવ્યા હતું કે, વર્ષ-૨૦૨૪ ના અંતે વડોદરા જિલ્લામાં બે બ્લેક સ્પોટ ઘટ્યા છે અને એક બ્લેક સ્પોટનો ઉમેરો થયો છે. આ સાથે વડોદરા જિલ્લામાં હાલ કુલ ૧૧ બ્લેક સ્પોટ્સ આવેલા છે. તેમજ ૪ અકસ્માત સંભવિત ક્ષેત્ર છે. આ તમામ અંગે સુધારણા માટે લઈ શકાય તેવા સૂચનો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમણે આંકડાકીય વિગતો આપતા ઉમેર્યું હતું કે, વર્ષ-૨૦૨૩ ની સરખામણીએ વર્ષ-૨૦૨૪ માં માર્ગ અકસ્માતથી થતા મૃત્યુના કેસમાં ૪.૪૪ ટકા અને અકસ્માતોના કેસમાં ૨.૯૬ ટકાનો ઘટાડો થયો છે.
આરટીઓ અને પોલીસ એન્ફોર્સમેન્ટ કામગીરી પર વિશેષ ભાર મૂક્યો
આજની બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહેલા રોડ સેફ્ટી કમિશનર શ્રી એસ.એ.પટેલે માર્ગ અકસ્માતમાં ઘટાડો થવા બદલ સંવેદનશીલ કામગીરી થકી માનવ જીવન બચાવવા બદલ સમિતિને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જેમાં સંબંધિત વિભાગો સાથે જિલ્લામાં માર્ગ અકસ્માત નિવારવા માટે તેમજ માર્ગ સેફ્ટી મેજરમેન્ટ બાબતે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. લોકોમાં ટ્રાફિક અને માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાની સાથે સાથે તેમણે આરટીઓ અને પોલીસ એન્ફોર્સમેન્ટ કામગીરી પર વિશેષ ભાર મૂક્યો હતો. તદુપરાંત તેમણે માર્ગ અકસ્માતોનું મેપિંગ કરીને ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના અસરકારક સુધારાઓ સૂચવ્યા હતા. શ્રી પટેલે માર્ગ સલામતી સંબંધિત ઝૂંબેશ ચલાવવા તેમજ સગીર વયના બાળકો માટે નિયમિત પણે તપાસ ઝૂંબેશ હાથ ધરવા સૂચન કર્યું હતું.
વરસાડા બ્લેક સ્પોટ્સ વર્ષ-૨૦૨૪ માં નવો ઉમેરાયો
અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઈવે પર વરસાડા બ્લેક સ્પોટ્સ વર્ષ-૨૦૨૪ માં નવો ઉમેરાયો છે. આ સિવાય વડોદરા જિલ્લાના બ્લેકસ્પોટ્સમાં કરજણ ભારત કોટન નજીક, કંડારી ચોકડી, માંગલેજ ચોકડી, બામન ગામ, પોર-ઈટોલા, વરણામા, આલમગીર, થુવાવી ટર્નિંગ, આસોજ નજીક તેમજ જરોદ રેફરલ ચોકડીનો સમાવેશ થાય છે. જ્યારે અકસ્માત સંભવિત ક્ષેત્રમાં ડભોઈ-શિનોર ચોકડી, ભણીયારા નજીક, હોટલ વે-વેઈટ પાસે તેમજ આરીફ ચોકડીનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળોએ માર્ગ સલામતીમાં વધારો કરવા તેમજ અકસ્માતોને શૂન્ય કરવા અંગે મહત્વના પગલાઓ તેમજ સુધારણા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં કલેક્ટર ડો. અનિલ ધામેલિયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રોહન આનંદ, નિવાસી અધિક કલેક્ટરશ્રી બી. એસ. પટેલ તેમજ જિલ્લા માર્ગ સલામતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો --- VADODARA : 106 ચાલકોના લાયસન્સ રદ, પોલીસની આકરી કાર્યવાહી