VADODARA : બોગસ ફાયર NOC કૌભાંડ ખુલ્યું, બિલ્ડીંગ સંચાલકને નોટીસ
VADODARA : રાજ્યમાં બોગસ કચેરી, અધિકારી, જજ, વકીલ બાદ હવે ફાયર એનઓસીનું કૌભાંડ સામે આવ્યું છે. વડોદરાના સોશિયલ મીડિયા મારફતે એક બોગસ ફાયર એનઓસીનો ફોટો સામે આવ્યો હતો. તેની તપાસ કરતા તે બનાવટી હોવાનું ખુલ્યું હતું. આ ચકચારી ઘટના અંગે તત્કાલિન ઇન્ચાર્જ ફાયર ઓફિસર નિકુંજ આઝાદ દ્વારા પોલીસ તપાસ માટેની અરજી કરવામાં આવી છે. જ્યારે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા જે બિલ્ડીંગના નામનો નોટીસમાં ઉલ્લેખ છે, તેના વિરૂદ્ધ સત્તાવાર નોટીસ ઇશ્યુ કરીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. (BOGUS FIRE NOC SCAM COME ON SURFACE - VADODARA)
મનોજ પાટીલ દ્વારા રેકોર્ડની ચકાસણી કરવામાં આવી
શહેરના આજવા રોડ પર મહાવીર હોલ ચાર રસ્તા પાસે અર્શ પ્લાઝા નામના કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં તેનું વિજ જોડાણ કાપી નાંખવામાં આવ્યું હતું. તે બાદ ફરી વિજ જોડાણ મેળવવા માટે ફાયર બ્રિગેડની પરવાનગી માટે ફાઇલ મોકલવામાં આવી હતી. જેના ડોક્યૂમેન્ટ્સ તપાસતા એનઓસી બોગસ હોવાનું ફલિત થયું હતું. જેમાં તત્કાલિન ઇન્ચાર્જ ફાયર ઓફિસર નીકુંજ આઝાદની સહી હતી. આ ઘટના સપાટી પર આવતા હાલના ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ દ્વારા રેકોર્ડની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં આ પ્રકારે કોઇ પણ નોટીસ ઇશ્યુ કરવામાં નહીં આવી હોવાનું ખુલ્યું હતું.
મારા નામે બોગસ ફાયર એનઓસી ફરતી થઇ
આ અંગે હાલના ફાયર ઓફિસર મનોજ પાટીલે મીડિયાને જણાવ્યું કે, આગની ઘટના બાદ ફરી વિજ પુરવઠો મેળવવા માટે ફાઇલ ફાયર બ્રિગેડમાં આવી હતી. જેમાં રજુ કરવામાં આવેલી ફાયર એનઓસી બોગસ હોવાનું જણાઇ આવ્યું હતું. આ અંગે અર્શ પ્લાઝાના સંચાલકોને નોટીસ આપીને ખુલાસો પુછવામાં આવ્યો છે. આ અંગે તત્કાલિન ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર નિકુંજ આઝાદે મીડિયાને જણાવ્યું કે, મારા નામે બોગસ ફાયર એનઓસી ફરતી થઇ હોવાનું ધ્યાને આવ્યું હતું. આ અંગે મેં ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરીને રાવપુરા પોલીસ મથકમાં અરજી આપી છે. તેમાં મારૂ નામ લખેલું હતું, અને અન્ય અધિકારીના નામની સહી હતી.
નકલી ફાયર એનઓસીમાં કઇ બાબતો શંકાસ્પદ જણાઇ આવી
સોશિયલ મીડિયા થકી સામે આવેલી નકલી ફાયર એનઓસીમાં ઇશ્યુ કર્યાની તારીખ 13 દિવસ જેટલી વહેલી દર્શાવવામાં આવી છે. તેમાં લખવામાં આવેલો ચલણ નંબર પણ ખોટો મળી આવ્યો છે. સાથે જ ચલણ નંબરની તપાસ કરતા તે પાણીના ટેન્કરનો હોવાનું ખુલ્યું હતું. સહિ અને તેના પર લખવામાં આવેલા નામમાં વિસંગતતા જોવા મળી. નામ અગાઉના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર નિકુંજ આઝાદનું હતું. જ્યારે તેના પર કરવામાં આવેલી સહી તે અગાઉના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટના નામની હતી. સાથે જ ત્વી ડ્રાફ્ટના અક્ષરો, તેની સાઇઝ, ફોરમેટ તથા સિક્કામાં પણ ભારે વિસંગતતા સામે આવી હતી.
આ પણ વાંચો --- VADODARA : હજારો કિમીની બાઇક યાત્રા થકી મહિલાએ બહાદુરીનો ઇતિહાસ લખ્યો