Uttrakhand: ચમોલીમાં ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ હાઈવે બંધ, હિમાચલથી દિલ્હી સુધી તારાજી
ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાય દિવસથી ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટના બની રહી છે ત્યારે આજે વધુ એક આવી જ ઘટના ચમોલીમાં બની છે. ભૂસ્ખલનને કારણે ફરીએકવાર બદ્રિનાથ નેશનલ હાઈવે બંધ કરવો પડ્યો હતો. આ સિવાય ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ તુટી ગયા છે જેના પગલે વાહન વ્યવહાર ખોરવાયો છે. ઉત્તરાખંડની સાથે હિમાચલ પ્રદેશ, હરિયાણા અને દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં વરસાદે તારાજી સર્જી છે.
ઉત્તરાખંડના અનેક હાઈવેને નુકસાન થયું
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અવિરત વરસાદને પગલે પીપલકોટીમ નજીક હાઈવે પર પહાડી પરથી પથ્થરો પડ્યા બાદ બદ્રીનાથ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો. ઉત્તરાખંડમાં પાગલનાલા, ગુલાબકોટી અને હેલાંગ સહિત અન્ય ઘણા સ્થળોએ પણ હાઈવેને નુકસાન થયું છે. ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે ઘણી તબાહી થઈ છે. જુદા જુદા રાજ્યોમાં ક્યાંક પુલ તૂટી રહ્યા છે તો ક્યાંક ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદથી જનજીવનને સૌથી વધુ અસર થઈ છે. છેલ્લા 24 કલાકથી ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે.
અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ
ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે કેટલાક રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે. IMDએ હિમાચલ, ઉત્તરાખંડ, બિહાર અને દિલ્હી માટે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ સિવાય સરકારે તેના અધિકારીઓને પણ એલર્ટ રહેવા માટે સૂચના આપી છે. આ ઉપરાંત હરિયાણામાંથી પાણી છોડવાને કારણે દિલ્હીમાં યમુનાનું જળસપાટી રેકોર્ડ મીટરે પહોંચી ગઈ હોવાથી શહેરના અનેક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે ત્યારે આજે બપોરે 12 વાગ્યે LGએ DDMAની બેઠક બોલાવી છે.
આ પણ વાંચો-YAMUNA FLOOD :દિલ્હીમાં યમુના નદીનું જળ સ્તર ઐતિહાસિક સપાટીએ, લોકોના જીવ તાળવે