Pakistan : વર્લ્ડ કપ વચ્ચે જ પાકિસ્તાન ક્રિકેટમાં હડકંપ, આ દિગ્ગજે આપી દીધું રાજીનામું
ICC ODI વર્લ્ડ કપ 2023 (ICC ODI World Cup 2023) લગભગ અડધો પૂરો થઈ ગયો છે. જેમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. દરમિયાન, ખેલાડીઓ વચ્ચે ઝઘડા અને ટીમ બે ભાગમાં વહેંચાઇ ગઇ હોવાના પણ અહેવાલો આવ્યા હતા પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આગળ આવીને આવા અહેવાલોને નકારી કાઢ્યા હતા અને તેને અટકળો ગણાવી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વર્લ્ડ કપ બાદ બાબર આઝમ પાસેથી કેપ્ટન્સી પરત લેવામાં આવી શકે છે. જો કે આજે અચાનક સમાચાર આવ્યા કે ચીફ સિલેક્ટર અને પાકિસ્તાની ટીમના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જો કે પીસીબી તરફથી હજુ સુધી કંઈ કહેવામાં આવ્યું નથી.
ઈન્ઝમામ ઉલ હકે મુખ્ય પસંદગીકાર પદેથી રાજીનામું આપી દીધુ
પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર ઈન્ઝમામ ઉલ હકે સોમવારે વર્લ્ડ કપ 2023 વચ્ચે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પાકિસ્તાનના જિયો ન્યૂઝ અનુસાર, તેમની સામે હિતોના ટકરાવના આરોપો લગાવવામાં આવ્યા હતા. જિયો ન્યૂઝ અનુસાર, ઈન્ઝમામે એક નિવેદનમાં કહ્યું છે કે લોકો રિસર્ચ કર્યા વિના બોલે છે. મારા પર પ્રશ્નો ઉભા થયા તેથી મેં નક્કી કર્યું કે હું રાજીનામું આપું તો સારું રહેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની ખેલાડીઓની મેનેજમેન્ટ કંપની PCB સાથે રજીસ્ટર કરવામાં આવી છે, જેમાં ઇન્ઝમામ ઉલ હક પણ કથિત રીતે ભાગીદાર હોવાનું કહેવાય છે. આ કંપની સાથે ઘણા મોટા ખેલાડીઓ જોડાયેલા છે, જેમ કે મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમના નામ સામેલ હોવાનું કહેવાય છે. આ કારણે સવાલો ઉભા થયા હતા કે મુખ્ય પસંદગીકાર એ કંપનીના ભાગીદાર છે જે ખેલાડીઓને કોન્ટ્રાક્ટ આપવામાં સામેલ છે.
આખું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ઘેરાયેલું છે
પાકિસ્તાન ક્રિકેટ ટીમ આ સમયે ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. પ્રથમ તો ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ છે, દરમિયાન PCB ચીફ ઝકા અશરફે કેપ્ટન બાબર આઝમની બોર્ડના ટોચના અધિકારી સાથેની અંગત વાતચીત લીક કર્યા બાદ બોર્ડ પણ વિવાદમાં છે.ઈંઝમામ ઉલ હકની ઓગસ્ટમાં આ પદ પર નિમણૂક કરવામાં આવી હતી. પીસીબી દ્વારા સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમ પસંદગી પ્રક્રિયા સંબંધિત મીડિયામાં સામે આવેલા હિતોના ટકરાવના આરોપોની તપાસ માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે. . કમિટી તેનો રિપોર્ટ અને કોઈપણ ભલામણો પીસીબી મેનેજમેન્ટને તાત્કાલિક સુપરત કરશે. આ પછી, ઇન્ઝમામ ઉલ હક વતી કહેવામાં આવ્યું છે કે તેઓ તપાસ માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમનું કહેવું છે કે લોકો જાણ્યા વગર નિવેદનો આપી રહ્યા છે. મેં પીસીબીને તપાસ કરવા કહ્યું છે. પ્લેયર-એજન્ટ કંપની સાથે મારો કોઈ સંબંધ નથી. ઈન્ઝમામે કહ્યું કે તે આવા આરોપોથી દુખી છે.
આ પણ વાંચો---SL VS AFG : આજે શ્રીલંકા અને અફઘાનિસ્તાન ટૂર્નામેન્ટમાં પોતાની ત્રીજી જીત માટે મેદાને ઉતરશે