Salangpur : હનુમાનજીના વિવાદાસ્પદ ભીંત ચિત્રો હટાવી લેવા સંતો-મહંતોની માગ
પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર (Salangpur) કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે છેલ્લા ઘણા દિવસોથી હનુમાનજીની વિરાટ પ્રતિમાની નીચે લાગેલા કેટલાક ભીંત ચિત્રોનો વિવાદ વકરી રહ્યો છે. સંતો મહંતોએ પણ આ ઘટનાને વખોડી કાઢી છે તો વિશ્વ હિન્દુ પરિષદે અને બજરંગ દળે પણ...
પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર (Salangpur) કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે છેલ્લા ઘણા દિવસોથી હનુમાનજીની વિરાટ પ્રતિમાની નીચે લાગેલા કેટલાક ભીંત ચિત્રોનો વિવાદ વકરી રહ્યો છે. સંતો મહંતોએ પણ આ ઘટનાને વખોડી કાઢી છે તો વિશ્વ હિન્દુ પરિષદે અને બજરંગ દળે પણ વહેલામાં વહેલી તકે આ ભીંત ચિત્રો દુર કરવાની માગ કરી છે. કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમામાં દાદાનું અપમાન કરાયું છે તેવી લાગણી વ્યક્ત કરાઇ છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે પોલીસમાં અરજી પણ કરાઇ છે.
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો સાળંગપુર મંદિર ખાતે પહોંચ્યા
સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરનો વિવાદ વધુ વકર્યો છે. સાળંગપુર મંદિર પ્રસાશન દ્વારા હનુમાનજીની વિરાટ પ્રતિમાની નીચે કેટલાક ભીંત ચિત્રો લગાડવામાં આવ્યા છે જેમાં હનુમાનજી દાદાને સહજાનંદ સ્વામી સામે હાથ જોડી નમસ્કાર મુદ્રામાં હોય તેમ દર્શાવવામાં આવ્યા છે. આ મામલો છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયામાં ચગ્યો છે અને સોશિયલ મીડિયામાં લોકો આક્રોષ વ્યક્ત કરી રહ્યા છે. આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો સાળંગપુર મંદિર ખાતે પહોંચ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના અધ્યક્ષ કાર્યકરો સાથે મંદિરના કોઠારી વિવેકસાગરને મળ્યા હતા અને વહેલામાં વહેલી તકે આ ભીંત ચિત્રો દુર કરવાની માગ કરી હતી.
મોરારીબાપુએ આપી પ્રતિક્રિયા
બીજી તરફ આ વિવાદીત મામલા અંગે મોરારીબાપુએ પણ નિવેદન આપ્યું છે અને કહ્યું કે હનુમાનજીને પ્રણામ કરતા દર્શાવવા હીનધર્મ છે. તેમણે હવે સમાજે જાગૃત થવાની જરુર છે તેમ પણ કહ્યું હતું.
મહામંડલેશ્વર જગદેવદાસ બાપુએ પ્રતિક્રિયા આપી
સમગ્ર મામલે બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર જગદેવદાસ બાપુએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સ્વામીને હાથ જોડી હનુમાનજી પ્રણામ કરતા હોય તેવા ચિત્રો યોગ્ય નથી અને તેમણે સમગ્ર ઘટનાને નિંદનીય ગણાવી હતી. તેમણે આ ચિત્રો હટાવી લેવાની માગ કરી છે. હનુમાનજી ભગવાન રામના અનુયાયી છે તો એવા પ્રકારના ચિત્રો કે મૂર્તિ મુકવા જોઇએ તેમ તેમણે કહ્યું હતું. તેમણે ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મના હિતમાં સંસ્કૃતિ જળવાય રહે તેમજ અનુયાયીઓ અને યુવા પેઢીના હિતમાં યોગ્ય પ્રતિમા મૂકવા જણાવ્યું.હતું તો સાથે સાથે કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને લોકોએ મૂર્તિઓ અને ધાર્મિક લાગણીઓનું ધ્યાન રાખવું જોઈએ અને આવા વિવાદમાં ન પડવું જોઈએ. વિવાદની જગ્યાએ સમાજનું ઉત્થાન થાય તેવું કાર્ય અને કર્મ કરવા સૂચન કર્યું હતું તથા વિવાદિત ચિત્રો હટાવવા માગ કરી હતી.
શેરનાથ બાપુએ પણ આપી પ્રતિક્રિયા
જૂનાગઢ ગોરક્ષક આશ્રમના શેરનાથ બાપુએ પણ મંદિર વિવાદ મામલે પ્રતિક્રિયા આપી આ કૃત્યને નિંદનિય ગણાવ્યું છે અને આ ચિત્ર તત્કાળ હટાવી સમગ્ર સનાતન હિન્દુ ધર્મની માફી માગવાની માગ કરી હતી.
આ મામલે ત્રણ સ્વામી સામે શિહોર પોલીસ મથકમાં અરજી અપાઇ છે
આ પણ વાંચો----રક્ષાબંધન નિમિતે સરસ્વતી નદીના ઘાટ પર સેંકડો બ્રાહ્મણો દ્વારા સામુહિક રીતે જનોઇ બદલવામાં આવી
Advertisement