Surat: પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે હાથ ધરી કાર્યવાહી, વેપારીઓને ફટકાર્યો દંડ
- સુરત પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે હાથ ધરી કાર્યવાહી
- પાણીપુરીનું વેચાણ કરતી સંસ્થાઓમાં કરાઇ તપાસ
- તપાસ કરતા બોઇલ કરેલા બટાકા ખુલ્લામાં મળી આવ્યા
- પુરીનો જથ્થો પણ અખાદ્ય હોવાથી નાશ કરવામાં આવ્યો
ઉનાળાની સીઝન ચાલુ થતાની સાથે જ પાણીજન્ય રોગચાળાનાં કેસ વધતા સુરત મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ ઘોર નિદ્રામાંથી જાગૃત થઈ હરકતમાં આવ્યું છે. પાલિકાનાં આરોગ્ય વિભાગ અને ફ્રૂડ વિભાગ દ્વારા સુરત શહેરમાં અખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ
સમગ્ર રાજ્ય સહિત સુરત શહેરમાં એકાએક ગરમીનો પારો ઉંચકાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતમાં એકાએક પાણીજન્ય રોગોનાં કેસમાં વધારો થતા તંત્ર દ્વારા પાણીપુરીની લારીઓ વાળા તેમજ નાસ્તાની લારીઓ પર અચાનક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા જુદા જુદા ઝોનમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અખાદ્ય પુરી તેમજ બોઈલ કરેલ બટાકા ખુલ્લામાં મળી આવ્યા
આરોગ્ય વિભાગને પાણીપુરીનાં વેપારીઓને ત્યાંથી પાણીપુરીનો મસાલો, પુરી સહિત બટાકાના સેમ્પલ લીધા હતા. તેમજ બિન આરોગ્યપ્રદ જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરતા બોઈલ કરેલા બટાકા ખુલ્લામાં મળી આવ્યા હતા. તેમજ અખાદ્ય પુરીનો જથ્થો પણ મળી આવતા આરોગ્ય વિભાગ દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ Ahmedabad: પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી હોસ્પિટલમાં દાખલ, પ્રાર્થનાસભા દરમ્યાન લથડી તબિયત
અખાદ્ય પુરી તેમજ બટાકાના જથ્થાનો નાશ કરાયોઃ સેજલ વ્યાસ (ફૂડ સેફ્ટી ઑફિસર)
ફૂડ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઉનાળાની સિઝનમાં પાણીજન્ય રોગચાળો માથું ઉચકતો હોય છે. ત્યારે લોકો બીમાર ન પડે તે હેતુથી આ પ્રકારની ઝુંબેશ ઉનાળા દરમિયાન ચલાવવામાં આવતી હોય છે. ત્યારે લોકો વધારે પ્રમાણમાં પાણીપુરી ખાતા હોય છે ત્યારે કેટલાક પાણીપુરી વિક્રેતા લોકોના આરોગ્યને નુકસાન થાય તે પ્રકારે અનહાઇજેનિક રીતે પાણીપુરીની પુરી તેમજ બટાકાનો મસાલો તૈયાર કરતા હોય છે. આ બાબતને ધ્યાનમાં લઈને ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને જે જગ્યા પરથી લોકોના આરોગ્યને જોખમાય તે પ્રકારનો મુદ્દામાલ મળી આવે છે તેનો નાશ સ્થળ પર જ કરવામાં આવે છે અને જે તે વ્યક્તિને નોટિસ પણ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Rajkot: મહાનગરપાલિકા દ્વારા પાંચ વોર્ડમાં મુકાયો પાણી કાપ, જાણો કેમ?