Surat : ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું- ગમે એવા તાળા લગાવશે, બચી નહીં શકે..! આરોપીઓનાં હાલ બેહાલ, જુઓ Video
- સૈયદપૂરામાં (Surat) ગણેશ પંડાલમાં કાંકરીચાળોનો મામલો
- તાળા તોડીને પણ પોલીસ પથ્થરબાજોને પકડી લેશેઃ હર્ષ સંઘવી
- એવી કાર્યવાહી કરીશું કે ખબર પડે કાયદો હાથમાં લઈએ તો શું થાય : પોલીસ કમિશનર
સુરતનાં (Surat) સૈયદપુરામાં ગઈકાલે રાતે ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારાની (Stones Pelting) ઘટનાએ સમગ્ર સુરત સહિત ગુજરાતને હચમચાવી દીધું છે. આ ઘટનાને પગલે રાજ્યનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) મોડી રાતે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ પોલીસે ઝણવટભરી કાર્યવાહી કરી હતી અને પથ્થરમારો કરનારા શંકાસ્પદ અસામાજિક તત્વોનાં ઘરે-ઘરે જઈ વીણી વીણી એક-એક ઇસમની ધરપકડ કરી હતી. ગણેશ પંડાલ પહોંચીને હર્ષ સંઘવીએ ભગવાન ગણેશજીની આરતી ઉતારી હતી. ત્યારે મેયર સહિતનાં અધિકારીઓ પણ આરતીમાં જોડાયા હતા.
આ પણ વાંચો - Surat : મોડી રાતે સૈયદપુરામાં અજારકતાનો માહોલ, પોલીસ-નેતાઓ ઘટના સ્થળે, જાણો પળેપળનો ઘટનાક્રમ
ગૃહ રાજ્યમંત્રીએ હિંસાનો જવાબ અહિંસાથી આપ્યો
સુરતમાં (Surat) ગણેશ પંડાલ પર થયેલ પથ્થરમારાની ઘટના બાદ વિસ્તારમાં અજારકતાનો માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં સુરત પોલીસનો (Surat Police) કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. રાજ્યનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મોડી રાતે ત્યાં પહોંચ્યા હતા. તેમણે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી સાથે જ પોલીસને પણ પથ્થરમારાની ઘટનામાં આરોપીઓને ઝડપી લેવા અને કડક કાર્યવાહી કરવા આદેશ કર્યા હતા. જો કે, ગૃહ રાજ્યમંત્રીએ હિંસાનો જવાબ અહિંસાથી આપ્યો હતો.
તાળા તોડી-તોડીને અસામાજિક તત્વોને ઝડપી પાડીશું : હર્ષ સંધવી
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) ભગવાન ગણેશજીની આરતી પણ કરી હતી અને સુરત સહિત રાજ્ય અને દેશમાં શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી. આરતી બાદ હર્ષ સંઘવીએ ઘટનાની માહિતી મેળવી હતી. તેમણે કહ્યું હતું કે, પથ્થરમારો કરનારા તત્વો ગણતરીની મિનિટોમાં પકડાઈ ગયા છે. ગુજરાતની શાંતિને ડહોળનારા તત્વોને છોડવામાં નહીં આવે. ઘટનાની જાણ થતાં જ પોલીસ (Surat Police) દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, તાળા તોડી-તોડીને અસામાજિક તત્વોને ઝડપી પાડીશું. ગમે એવા તાળા લગાવશે પણ બચી નહીં શકે. સુરત પોલીસ ગમે તેવા તાળા હશે તે તોડી દેશે. તાળા તોડીને પણ પોલીસ પથ્થરબાજોને પકડી લેશે. એક-એક આરોપીને પકડીને જડબેસલાક જવાબ આપીશું. તેમણે કહ્યું હતું કે, મેં ગાંધીનગરનો કાર્યક્રમ રદ કર્યો છે, હું સુરતમાં જ છું. હું અહીં જ છું, ન્યાય અપાવીને જ ઝંપીશ.
આ પણ વાંચો - Surat: ગણેશ પંડાલ પર પથ્થરમારાના ગંભીર પડઘા, સગીર વયના 14 આરોપીઓની અટકાયત
અત્યાર સુધી 27 જેટલા ઇસમોની ધરપકડ
હર્ષ સંઘવીએ આગળ કહ્યું કે, પોલીસનું એક્શન જોઈને હવે કોઈ પથ્થરમારાની હિંમત નહીં કરે. આ સાથે તેમણે લોકોને શાંતિ જાળવવા અપીલ પણ કરી હતી અને કોઈ પણ અફવામાં ના દોરાવા જણાવ્યું હતું. જણાવી દઈએ કે, ગણેશ પંડાલ પર પથ્થરમારો (Stones Pelting) કરીને સુરતની (Surat) શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્વો સુરત પોલીસે વીણી વીણીને ઝડપી પાડ્યા છે. માહિતી મુજબ, સુરતનાં સૈયદપુરા (Sayedpura) વિસ્તારમાં ગણેશ પંડાલમાં કાંકરીચાળોની ઘટનામાં અત્યાર સુધી 27 જેટલા ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ત્રણ અલગ-અલગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મુજબ, ગણેશ પંડાલ પર પથ્થરમારો કરનાર 7 જેટલા ઈસમોને ઝડપી ફરિયાદ દાખલ કરાઈ છે.
એવી કાર્યવાહી કરીશું કે ખબર પડે કાયદો હાથમાં લઈએ તો શું થાય? : પો. કમિશનર
બીજી તરફ, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોતે જણાવ્યું કે, વાહન સળગાવવા મામલે પણ ફરિયાદ દાખલ કરાઈ છે, જેમાં આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે. આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઘટનામાં જે પણ સંડોવાયેલા છે તેઓનાં પુરાવા એકત્ર કરાઈ રહ્યા છે. પોલીસ કમિશનરે કહ્યું કે, એવી કાર્યવાહી કરીશું કે ખબર પડે કાયદો હાથમાં લઈએ તો શું થાય?
આ પણ વાંચો - Surat માં લોકો થયા છે બેકાબૂ, શાંતિ પ્રિય ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયત્ન, પોલીસનો Action Mode On