Surat : ઘરે મોબાઇલ ચાર્જમાં મૂકીને પરિવાર બહાર જમવા ગયો અને પછી બની મોટી દુર્ઘટના
- સુરતનાં નીલકંઠ એપાર્ટમેન્ટનાં દસમાં માળે આગ લાગી
- મોબાઇલ ચાર્જમાં મૂકી પરિવાર બહાર જમવા ગયો
- ચાર્જમાં મુકેલા ફોનની બેટરીમાં વિસ્ફોટ થતા ભીષણ આગ લાગી
- આગમાં ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થયો
સુરતમાંથી (Surat) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોબાઇલ ચાર્જિંગ વખતે બેટરીમાં વિસ્ફોટ થતાં બંધ ઘરમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થયો છે. જો કે, સદનસીબે પરિવાર બહાર ગયો હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ, ઘરમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આ મામલે ફાયર વિભાગને (Fire Brigade) જાણ કરાતા ટીમ ત્વરિત ત્યાં પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ પણ વાંચો - Rajkot : નિવૃત્ત સિટી ઇજનેર અલ્પના મિત્રા સહિત 10 ઇજનેરની મુશ્કેલીઓ વધી, મનપા કમિશનરે કરી મોટી કાર્યવાહી!
નીલકંઠ એપાર્ટમેન્ટમાં દસમાં માળે લાગી આગ
ડાયમંડ સિટી સુરતમાં (Surat) ચેતવણી સ્વરૂપ એક ઘટના બની છે. શહેરનાં પાલનપુર જકાતનાકા વિસ્તારમાં નીલકંઠ એપાર્ટમેન્ટ (Neelkanth Apartment) આવેલું છે. એપાર્ટમેન્ટનાં 10 મા માળે રહેતો પરિવાર મોબાઇલ ચાર્જમાં મૂકીને ઘર બંધ કરી જમવા માટે બહાર ગયો હતો. દરમિયાન, ચાર્જમાં મૂકેલા મોબાઇલની બેટરીમાં અચાનક ધડાકાભેર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ થતાં જ ઘરમાં આગ લાગી હતી અને ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી સમગ્ર ઘરને પોતાની ચપેટમાં લીધું હતું.
આ પણ વાંચો - Gopal Italia એ માહિતીના અભાવે ગુજરાત પોલીસ વિભાગને બદનામ કરવાની કરી કોશિશ
ઘરનો તમામ સામાન બળીને ખાખ થયો
બંધ ઘરમાં આગ લાગતા એપાર્ટમેન્ટમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. પાડોશીઓએ ફાયર બ્રિગેડને (Fire Brigade) આગ લાગવાની જાણ કરતા ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આગની ઘટનામાં ઘરનો તમામ સામાન બળીને ખાખ થયો હતો. સદનસીબે પરિવાર બહાર હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. આગ કાબૂમાં આવી જતાં તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો - ICG નું હેલિકોપ્ટર પોરબંદરથી 45 કિમી દૂર થયું ક્રેશ, 2 જવાનો શહીદ