Rajkot: સિટી બસના કહેર વચ્ચે, ગુજરાત ફર્સ્ટની ટીમનાં રિયાલિટી ચેકમાં ચોંકાવનારા ખુલાસા!
- રાજકોટમાં સિટી બસના કહેર વચ્ચે રિયાલિટી ચેક
- ગુજરાત ફર્સ્ટની ટીમના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા ખુલાસા!
- બસના પાર્કિંગ સ્ટેન્ડની દિવાલની પાછળ મળી દારૂની ખાલી બોટલો!
- પાર્કિંગના પાસેના મેદાનમાં દારૂની ખાલી બોટલો જોવા મળી
રાજકોટમાં નિર્દોષ લોકોનો જીવ લેનાર સીટી બસનાં ડ્રાયવરને કડક સજા થાય તે માટે મૃતકનાં પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે.ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. રિયાલિટી ચેક દરમ્યાન અનેક ચોંકાવનારા ખુલાસા થવા પામ્યા હતા. જેમાં બસના પાર્કિંગ સ્ટેન્ડની દિવાલની પાછળ દારૂની ખાલી બોટલો મળી આવી હતી. તેમજ પાર્કિંગ પાસેના મેદાનમાં દારૂની ખાલી બોટલો જોવા મળી હતી. 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ચોકડી પાસેના પાર્કિંગ પાસે દારૂની ખાલી બોટલો જોવા મળી હતી. ત્યારે સૌથી મોટો પ્રશ્નએ છે કે ખાલી બોટલો ક્યાંથી આવી? શું સિટી બસના ડ્રાઈવરો તો નથી પીતાને દારૂ? ગઈકાલે ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ કહ્યું હતું કે ડ્રાઈવર નશાની હાલતમાં બસ ચલાવતા હોય છે.
ડિપોઝિટ જપ્ત કરવા સહિતની કાર્યવાહી અમે કરી છે: મ્યુ.કમિશનર
રાજકોટમાં ઈન્દિરા સર્કલ પર સિટી બસનાં અકસ્માતની ઘટના બાદ મ્યુ. કમિશ્નર તુષાર સુમેરાએ નિવેદન આપ્યું હતું કે, કોન્ટ્રાક્ટર સામે કેવી કાર્યવાહી થશે તે અંગે વિગતો ચકાસી રહ્યા છીએ. તેમજ સિટી બસ એજન્સી સાથેના કરારની વિગતો ચકાસી રહ્યા છીએ. સિટી બસને દંડ કરવા અંગે બેઠક યોજવામાં આવી હતી. એજન્સી અને અન્ય જવાબદારો સામે તપાસ બાદ વધુ કાર્યવાહી થશે. તેમજ ડિપોઝીટ જપ્ત કરવા સહિતની કાર્યવાહી અમે કરી છે. એજન્સીને વધુ આર્થિક દંડ અંગે શરતો ચકાસી કાર્યવાહી કરીશું.
બસના CCTV કેમેરમાં અકસ્માતની ગોઝારી ઘટના કેદ થઈ
બસના CCTV કેમેરમાં અકસ્માતની ગોઝારી ઘટના કેદ થઈ છે. સિટી બસ અકસ્માતમાં 4-4 લોકોના મોત નીપજ્યા હતા. તેમજ આજે રાજકોટ સિટી બસ અકસ્માત મુદ્દે NSUI મેદાને છે. કોટેચા સર્કલ ખાતે ગુજરાત પ્રદેશ NSUIનો વિરોધ શરૂ થયો છે. તેમાં વિરોધ પ્રદર્શનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં NSUI દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર અને રસ્તા રોકી વિરોધ કરવામાં આવ્યો છે.
શું હતો સમગ્ર મામલો
રાજકોટમાં ઈન્દિરા સર્કલ પાસે સિટી બસચાલકે વાહનોને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત એટલો ભયાનક હતો કે 4 લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે. તેમજ અકસ્માત બાદ લોકોનું ટોળું ઘટનાસ્થળે એકઠું થઈ ગયું હતું અને બસમાં તોડફોડ કરીને ભારે હોબાળો મચાવ્યો હતો. રાજકોટ-સિટી બસ સેવાને લઇને RMC દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં દરેક મૃતકના પરિવારજન માટે 15-15 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. તેમજ ઇજાગ્રસ્તોને 2 લાખની સહાય આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ