Rain : લાંબા વિરામ બાદ અમદાવાદમાં વરસાદનું આગમન, આગામી 6 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડશે
ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે, ત્યારે અમદાવાદમાં વરસાદ શરુ થયો છે. આ સાથે જ 6 દિવસ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને લીધે ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ થઈ રહ્યો છે. આજે બપોર બાદ અરવલ્લી અને વડોદરામાં વરસાદનું આગમન થયું છે, જેને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ડભોઇ પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય ગરમી અને બફારાથી લોકો પરેશાન હતા. એસ.ટી.ડેપો, શિનોર રોડ, નાંદોદી ભાગોળ વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. વડોદરાના વાઘોડિયામા બપોરે વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદની ચાતક નજરે વાટ જોતા ખેડૂતોને આંશિક રાહત મળી હતી.
તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગની આગાહી અનુસાર, ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા હતી. હવામાન વિભાગના મતે કાલથી વરસાદનું જોર વધશે અને સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસશે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા જિલ્લા અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસશે.. અમદાવાદમાં આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. 8 સપ્ટેમ્બરે અમદાવાદમાં વરસાદની આગાહી કરાઈ છે.
આ પણ વાંચો : વિશ્વવિખ્યાત ભજનસમ્રાટ લક્ષ્મણ બારોટનો દેહ શિવમાં લીન, પુત્રએ અગ્નિદાહ આપી અંતિમ સંસ્કાર કરાયા