બિપીન અને ઘનશ્યામે 1 કરોડમાંથી 10 ટકા કમિશન લીધું..પોલીસનો દાવો
ભાવનગર ડમી કાંડ બાદ આરોપીઓના નામ જાહેર ના કરવા માટે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપીઓ પાસેથી 1 કરોડની રકમનો તોડ કર્યો હોવાના ગુનામાં ભાવનગર પોલીસે યુવરાજસિંહની શુક્રવારે રાત્રે ધરપકડ કરી હતી. આ કેસમાં ભાવનગર પોલીસે અન્ય આરોપીઓ બિપીન ત્રિવેદી, ઘનશ્યામ...
07:37 PM Apr 22, 2023 IST
|
Vipul Pandya
ભાવનગર ડમી કાંડ બાદ આરોપીઓના નામ જાહેર ના કરવા માટે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપીઓ પાસેથી 1 કરોડની રકમનો તોડ કર્યો હોવાના ગુનામાં ભાવનગર પોલીસે યુવરાજસિંહની શુક્રવારે રાત્રે ધરપકડ કરી હતી. આ કેસમાં ભાવનગર પોલીસે અન્ય આરોપીઓ બિપીન ત્રિવેદી, ઘનશ્યામ લાંધવા અને કાનભા ગોહિલને ઝડપી લીધા છે. રેન્જ આઇજી ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે જે 1 કરોડની રકમ આરોપીઓ પાસેથી લેવાઇ હતી તેમાં બિપીન અને ઘનશ્યામને 10 લાખ રુપિયા કમિશન મળ્યું હતું.
યુવરાજના 14 દિવસના રિમાન્ડ મંગાયા
પ્રેસ કોન્ફરન્સમાં રેન્જ આઇજી ગૌતમ પરમારે કહ્યું કે યુવરાજસિંહે ગઇ કાલે પુછપરછમાં 30 નામ આપ્યા હતા. તે નામોની સામે તપાસ.શરુ કરી દેવાઇ છે. ગઇ કાલે યુવરાજ પર ગુનો નોંધાયો તે અંતર્ગત યુવરાજની ધરપકડ કરી આજે તેમને રિમાન્ડ માટે મોકલી 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા છે.
યુવરાજે પુરાવા ના હોવાનું જણાવ્યું
પોલીસ અધિકારી પરમારે વધુ માહિતી આપતાં કહ્યું કે યુવરાજે પુછપરછમાં કહ્યું કે મારી પાસે ઘણા કૌંભાડની માહિતી છે. તેમણે કહ્યું કે આ બાબતે તેમણે કોઇ રજૂઆત કરી નથી. મે પોતે આજે યુવરાજસિંહની પુછપરછ કરી અને તેમને સ્પેસીફીકલી પુછ્યું કે તમારી પાસે પુરાવા છે કે તમે જે નામો લીધેલા છે, તેમના નામ સંડોવાયેલા છે પણ યુવરાજે પુરાવાના હોવાનું જણાવ્યું હતું. મે કેટલાક લોકોના કહેવાથી નામ આપ્યા હતા કેમકે મને ધરપકડની શંકા હતી તેમ પોલીસને યુવરાજે જણાવ્યું હોવાનું ગૌતમ પરમારે કહ્યું હતું.
મને ડર છે પણ ધમકી મળી નથી
યુવરાજે પોલીસને કહ્યું કે સીઆરપીસી 160 મુજબ સમન્સ બીજાને પણ મોકલવું જોઇએ પણ મે તેમને કહ્યું કે આ સમન્સ ચોક્કસ સંજોગોને આધીન મોકલવામાં આવે છે. તેમ જણાવી ગૌતમ પરમારે કહ્યું કે મે તેમને પુછ્યું કે તમને કોઇ ધમકી કે ડર છે તો તેમણે કહ્યું કે મને ડર છે પણ કોઇ ધમકી મળી નથી. પોલીસ રક્ષણ પણ માંગ્યું નથી. યુવરાજે અન્ય ભરતી કૌંભાડની માહિતી છે પણ સમય આવે જણાવીશ તેમ કહ્યું પણ પોલીસને હજું મટિરીયલ આપ્યું નથી.
બિપીન અને ઘનશ્યામને 10 લાખ મળ્યા હતા
ગૌતમ પરમારે પોલીસ તપાસની માહિતી આપતાં કહ્યું કે બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાંધવાની અટકાયત કરાઇ છે અને બંનેના નિવેદન લેવાયા છે. બંનેએ 1 કરોડની રકમમાંથી 10 લાખ મેળવેલા છે અને તે રકમની રિકવરીનો પ્રયાસ કરાઇ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે સુરત પોલીસના સહયોગથી કાનભા ગોહિલની પણ ધરપકડ કરી છે. કેટલાક સીસીટીવી ફુટેજ, વોટસએપ ચેટ અને સીડીઆર પણ મળ્યા છે.
મહત્વના સીસી ટીવી મળ્યા
પોલીસ પાસે જે પુરાવા છે તે અંગે માહિતી આપતાં રેન્જ આઇજી ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પીકેની મેટર પતાવવા 26 તારીખે બિપીન, ઘનશ્યામ, યુવરાજની મિટીંગ નારી ચોકડી ખાતે થઇ અને ત્યાં હાજરીના પુરાવા સીડીઆર અને સીસીટીવીથી મેળવાયા છે. યુવરાજે પણ કબુલ્યું કે મે મિટીંગ કરી હતી. 28 તારીખે વિક્ટોરિયામાં મિટીંગ થઇ તેમાં હાજર તમામના સીડીઆર કઢાવતા લોકેશન મળ્યું છે. આ કોમ્પલેક્ષના સીસીટીવી લેવા જતાં ડિલીટ કરી દેવાયા છે અને ત્રણ વાર ફોર્મેટ કરાયા છે. જે એફએસએલની મદદથી રીકવર કરાશે.
વોટસએપ ચેટ પણ મળી
તેમણે કહ્યું કે 29 તારીખે પીકે પાસેથી પૈસા લઇને ઘનશ્યામ બિપીન પૈસા લઇને જઇ રહ્યા છે તે રુટના સીસીટીવી મળ્યા છે. 30 તારીખે પ્રદીપ બારૈયા મેટર પતાવવા જે મિટીંગ થઇ તેના પણ સીસી ટીવી મળ્યા છે. 25 લાખનું પહેલું પેમેન્ટમાં લેવા જતાં ગાડીમાં બેગ મુકવામાં આવે છે તેના સીસીટીવી મળ્યા છે. અન્ય ફુટેજમાં છેલ્લો હપ્તો લઇને એક વ્યક્તિ કોમ્પલેક્ષમાં ઉપર ચડી રહ્યો છે તે કાનભા ગોહિલનું સીસીટીવી છે. યુવરાજની પીસી બાદ પીકે અને તેનું નામ આવતાં બિપીને યુવરાજ વચ્ચે વોટસએપ ચેટ થઇ હતી તે પુરાવા પણ મળ્યા છે. રાજુ નામના વ્યક્તિની ઓળખ થઇ છે અને તેની પાસે મહત્વના પુરાવા છે. જે આગળ ડિક્લેર કરાશે.
Next Article