પોલીસને મળી મોટી સફળતા, ડમી ઉમેદવારથી પાસ થનાર તલાટી કમ મંત્રી પકડાયો
ભાવનગર ડમીકાંડ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસ આજે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં 14 જેટલા આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. ત્યારે આ ઘટનામાં અત્યાર સુધીમાં 44 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
ડમીકાંડમાં પકડાયેલા પાંચ આરોપીમાં હસમુખ ભટ્ટ , જયદિપ ભેડા, દેવાંગ રામાનુજ, યુવરાજસિંહ પરમાર, હિરેનકુમાર જાની છે. ત્યારે આ તપાસમાં વધુ બે IPS અધિકારીઓ તપાસમાં જોડાયા છે.
ડમીકાંડમાં પકડાયેલા વધુ પાંચ આરોપીમાંથી 1 હસમુખ ભટ્ટ છે, જેણે પોતાની જગ્યાએ ડમી ઉમેદવાર જયેશ દેવાણાને પરીક્ષામાં બેસાડ્યો હતો અને હાલમાં તે તલાટી કમ મંત્રી તરીકે તળાજાના કેરાળા ગામે ફરજ બજાવી રહ્યો હતો. જ્યારે દેવાંગ રામાનુજ નામના ઉમેદવારે ગ્રામ પંચાયતની પરીક્ષામાં પોતાની જગ્યાએ ડમી ઉમેદવાર બેસાડ્યો હતો.
જયદિપ ભેડા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જયદીપે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ભરતીમાં કૌશિક જાનીની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી. આ સાથે યુવરાજસિંહ પરમાર નામના MPHWના અસલી ઉમેદવારની પણ ધરપકડ કરવામાં આવી છે.