Pahalgam Attack બાદ આજે જમ્મુ વિધાનસભાનું વિશેષ સત્ર, કેન્દ્ર માટે સમર્થન પ્રસ્તાવની તૈયારી
- સિનિયર આગેવાનો દ્વારા ઐતિહાસીક ઘટના તરીકે વર્ણવાઇ
- કેન્દ્ર સરકારે લીધેલા પગલાંના સમર્થનમાં સર્વાનુમતે ઠરાવ પસાર થવાની શક્યતાઓ
- મુખ્યમંત્રીએ વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી હતી
Pahalgam Terror Attack : પહેલગામ આતંકવાદી હુમલા બાદ આજરોજ જમ્મુ વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે (SPECIAL SESSION JAMMU ASSEMBLY). આ વિશેષ સત્રમાં આતંકવાદી હુમલાની નિંદા કરવાની સાથે, આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓને દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે, તેમ જાણવા મળી રહ્યું છે. આ સત્રમાં હુમલા પછી કેન્દ્ર સરકારે લીધેલા પગલાંના સમર્થનમાં સર્વાનુમતે ઠરાવ પસાર થઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ છે. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓનું કહેવું છે કે, આ સત્ર આતંકવાદ સામે ખાસ રહેશે.
આજે સવારે સત્ર 10:30 વાગ્યે શરૂ થશે
પહલગામ હુમલા બાદ, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાને વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવા વિનંતી કરી હતી. લેફ્ટનન્ટ ગવર્નરે વિનંતી સ્વીકારીને 28 એપ્રિલે ખાસ સત્ર બોલાવવાની મંજૂરી આપી હતી. આજે સવારે સત્ર 10:30 વાગ્યે શરૂ થશે.
આ ઘોંઘાટનો સમય નથી
આ અંગે વિપક્ષના નેતા સુનીલ શર્માનું કહેવું છે કે, તાજેતરમાં યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં બધાએ આતંકવાદ સામે એકતા દર્શાવી હતી. આતંકવાદ અંગે કેન્દ્રના નિર્ણયોના સમર્થનમાં બધા ઉભા રહ્યા હતા. 28 એપ્રિલે બોલાવાયેલું વિધાનસભાનું સત્ર સામાન્ય નથી. આતંકી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા છે, આ શોકનો સમય છે. સાથે ઊભા રહેવાનો સમય છે. અમે બતાવવાનો પ્રયાસ કરીશું કે આ ઘોંઘાટનો સમય નથી. આપણે આતંકવાદીઓને કડક સંદેશ આપવો પડશે.
કેન્દ્ર સરકારના નિર્ણયના સમર્થનમાં સર્વાનુમતે ઠરાવ લાવવામાં આવી શકે છે
ભાજપના વરિષ્ઠ નેતા શામ લાલ શર્માનું કહેવું છે કે, આવી પરિસ્થિતિમાં પહેલીવાર આટલું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે. એનસીના ધારાસભ્ય હસનૈન મસૂદીનું કહેવું છે કે, મારા રાજકીય જીવનમાં કદાચ પહેલીવાર વિધાનસભામાં આ રીતે ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયના સમર્થનમાં સર્વાનુમતે ઠરાવ લાવવામાં આવી શકે છે.
આતંકવાદ સામે તમામ પક્ષોની એકતા જરૂરી
પૂર્વ મંત્રી અજય સદોત્રાએ જણાવ્યું હતું કે ભૂકંપ અને રાજ્યની સ્વાયત્તતા સહિત વિવિધ મુદ્દાઓ પર ઘણા ખાસ સત્રો બોલાવવામાં આવ્યા છે. મારી યાદમાં આ પહેલી વાર છે જ્યારે આતંકવાદ પર ખાસ સત્ર બોલાવવામાં આવી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરના રાજકીય ઇતિહાસમાં, આતંકવાદ સામે તમામ પક્ષોની એકતા જરૂરી છે અને પ્રશંસનીય પણ છે.
આતંકવાદ સામે નિર્ણાયક લડાઈ જરૂરી: ઓમર
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનું કહેવું છે કે, આતંકવાદ અને તેના મૂળ વિરૂદ્ધ નિર્ણાયક લડાઈ જરૂરી છે. આતંકવાદ સામે કાશ્મીરીઓની એકતાની ઓમરે પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા પછી, આતંકવાદ અને તેના મૂળ વિરૂદ્ધ નિર્ણાયક લડાઈ લડવી જોઈએ. કાશ્મીરના લોકોએ આતંકવાદ અને નિર્દોષ લોકોની હત્યા સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો છે, જે સ્વયંભૂ અને નિઃસ્વાર્થપણે કરવામાં આવ્યું છે. હવે આ સમર્થનને મજબૂત કરવાનો અને લોકોને અલગ પાડતા કાર્યો રોકવાનો સમય છે. દોષિતોને સજા કરો, તેમના પર દયા ના કરો, પરંતુ તેની આડઅસર નિર્દોષ લોકો પર ના થવી જોઇએ.
આ પણ વાંચો --- Tamil Nadu: ચૂંટણી પહેલા CM સ્ટાલિનને મોટો ઝડકો,પાર્ટીના ટોચ નેતાએ આપ્યું રાજીનામું